Friday, July 13, 2012

ઑફિસ પોલિટિક્સની શરૂઆત કેવી રીતે થાય છે ? – મૃગેશ શાહ

આપણું શિક્ષણતંત્ર ભ્રષ્ટાચારમાં પ્રથમ ક્રમાંકે પાસ થાય તેવું છે, એ વાત સર્વવિદિત છે. કૉલેજની ડિગ્રીઓ ભાગ્યના દરવાજા ખોલી નાખશે એવા ભ્રમમાં રહેવા જેવું નથી. અઘરામાં અઘરા ઑપન ટેસ્ટ અને સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં ઊંચા માર્ક મેળવનારો યુવાન પણ થોડું જોખમ લઈને પોતાનો નાનકડો બિઝનેસ શરૂ નથી કરી શકતો. માત્ર એટલું જ નહિ, નોકરીમાં જોડાયા પછી પણ સામાન્ય જ્ઞાનનો અભાવ તેને સતત નડતો રહે છે. આ બાબત અંગે એક રસપ્રદ વાત હમણાં એક વાચકમિત્ર પાસે જાણવા મળી. ઘણી બધી ઑફિસોમાં વિવિધ પ્રકારનું રાજકારણ આજકાલ રમાતું હોય છે ! આની શરૂઆત કેવી રીતે થાય છે ?
કૉલેજમાં પ્રવેશ મેળવનાર યુવાન બે પ્રકારના હોય છે. એક તો જેને પુષ્કળ મહેનત કરીને ઊંચું પરિણામ મેળવવું છે અને કારકિર્દી બનાવવી છે. આ પ્રકારના યુવાનો પોતાના કામની જ મતલબ રાખે છે. સખત મહેનત કરે છે. પરિણામ પણ સારું લાવે છે. પરંતુ દુર્ભાગ્યે આ લોકો માત્ર માર્ક્સને જ જીવનનો આધાર ગણીને જીવતા હોય છે. જ્યારે નોકરીમાં કામ કરવાનું આવે છે ત્યારે ત્યાં કોઠાસૂઝની જરૂર પડે છે. ગોખેલું-પુસ્તકિયું જ્ઞાન કેવી રીતે કામ આવી શકે ? ગણિતના દાખલા ગણવાની રીતે ટેક્સ રિટર્ન ફાઈલ થતા નથી. ચોપડીમાં રાગના શબ્દો લખ્યા હોય એનાથી કંઈ સંગીત આવડી જતું નથી અને એ જ રીતે સ્વીમિંગના બધા પાઠો ગોખી નાખવાથી તરવામાં ચેમ્પિયન બની શકાતું નથી. માત્ર ટકાને જ આધારે કોઈ પ્રતિભા નક્કી થઈ શકતી નથી. હવે બીજા પ્રકારના જે યુવાનો કૉલેજમાં આવે છે તે છે મનમોજીલા ! એમને માટે કેમ્પસ એ જ કૉલેજ છે અને ગાર્ડન એ જ ક્લાસરૂમ છે. કૉલેજલાઈફ એન્જોય ન કરી તો જિંદગીમાં કર્યું શું ? – એવો એમનો જીવનમંત્ર છે. ‘જલસા’ એ એમનો પ્રિય શબ્દ છે ! એ લોકો પણ ગમે તે કરીને પાસ થઈ જાય છે અને જોઈતું પરિણામ લાવી દે છે. પરંતુ નોકરીમાં જોડાયા બાદ આ લોકોને કંઈ આવડતું તો હોય નહિ ! એથી એ લોકો શોર્ટકટ અપનાવે છે અને ઉચ્ચ અધિકારીઓ અથવા પોતાની ટીમના લિડર કે પછી અન્ય આસપાસના પરિચિતોની ખુશામત કરવા લાગે છે. એમાં હાસ્યથી લઈને કિંમતી ભેટ સુધીના અનેક શસ્ત્રોનો ઉપયોગ થાય છે અને આ રીતે તેઓ ઑફિસ પોલિટિક્સની શરૂઆત કરે છે. જેમનું નામ વધુ બોલાતું હોય કે ચર્ચામાં હોય, તેઓ હંમેશા ઓછું કામ કરતા હોય છે ! સાચા માણસનું તો કામ જ બોલે છે.
ઈશાવાસ્ય ઉપનિષદનો એક મંત્ર છે કે ‘જેઓ નથી જાણતા તેઓ અંધકારમાં પડે છે, જેઓ જાણે છે તેઓ તો એનાથી મોટા ગહન અંધકારમાં પડે છે.’ કંઈક એવી આ વાત છે ! ગોખી-ગોખીને ટકા લાવનારની પણ જરૂર નથી અને કૉલેજને ટાઈમપાસ સમજનારની પણ જરૂર નથી. દેશને જરૂર છે પ્રતિબદ્ધતાથી કામ કરનાર ત્રીજા પ્રકારના લોકોની કે જેઓ જ્યાં જાય ત્યાં પોતાની આગવી ઓળખ ઊભી કરી શકે.

No comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.