Saturday, August 18, 2012

ભગવાન સાથે વાતચીત-ડૉ. આઈ. કે. વિજળીવાળા

એક માણસે આકાશ સામે જોઈને કહ્યું, ‘હે ભગવાન મારી સાથે વાત કર’,
એ જ સમયે એક બુલબુલે સુંદર મજાનું ગીત છેડ્યું,
પણ પેલા માણસનું એ તરફ ધ્યાન જ ન ગયું !!

પછી પેલા માણસે આકાશ સામે જોઈને વિનંતી કરી, ‘હે ભગવાન, મારી સાથે બોલ તો ખરો !’
એ જ સમયે આકાશમાં છવાયેલાં વાદળોમાં વીજળી થઈ અને એક લાંબી ગડગડાટી ચાલી,
પરંતુ પેલા ખોવાયેલા માણસને એનો ખ્યાલ પણ ન આવ્યો !!
એને ભગવાનની આ અવગણના પર આશ્ચર્ય થયું !

એ રાત્રે અંધારામાં એણે કોઈ નથી જોતું એની ખાતરી કરીને પછી કહ્યું,
‘હે ભગવાન, મારે તારાં દર્શન કરવાં છે ! તું મને દર્શન આપ!’
એ જ સમયે એક તારો ખૂબ જ તેજ સાથે ચમકી ઊઠ્યો,
પરંતુ પેલા માણસની દ્રષ્ટિ એ ના પકડી શકી !!

હવે એને રડવું આવ્યું.
એ બોલ્યો : ‘હે પ્રભુ, મને સમજાતું નથી કે તું મારી આટલી અવગણના કેમ કરે છે ?
આજે તો તું મને ચમત્કાર બતાવ.’
એ જ સમયે તેની પત્નીને પ્રસુતિની પીડા ઊપડી, એને તુરંત દવાખાને લઈ જવી પડી.
થોડી જ વારમાં તેણે એક સુંદર આંખોવાળા બાળકને જન્મ આપ્યો. પરંતુ પેલા માણસને કંઈ જ સમજાયું નહીં.

એ હવે ભગવાન પર ગુસ્સે થયો. એણે બૂમ પાડી. ‘હે ભગવાન, મને ખાતરી કરાવ કે તું છે જ. તું મને સ્પર્શીને એ ખાતરી કરાવ. તો જ હું માનીશ કે તું છે.’
આ વખતે ભગવાન ખુદ નીચે આવ્યા.
એમણે અતિસુંદર સ્વરૂપ ધારણ કર્યું, અને પેલા માણસને હળવેથી સ્પર્શ્યા.
પેલા માણસે હાથ પર બેઠેલા રંગીન પતંગિયાને ઉડાડી મૂક્યું અને નિસાસો નાખ્યો કે, ‘ભગવાન ક્યાંય છે જ નહીં !!’

આપણે અપેક્ષા રાખેલી હોય તેવા સ્વરૂપે જ આશીર્વાદ આવી પડે એવી આશામાં આપણે કેટકેટલા આશીર્વાદ અને ચમત્કારોની પ્રતીતિ ગુમાવી દેતાં હઈશું ?!
(મૂળ શીર્ષક : A dialogue with God. )

No comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.