Thursday, September 13, 2012

ધર્મ: શોષણનું એક નવું ક્ષેત્ર

આપણે સમાનતા અને સમાજવાદનો જયઘોષ અવારનવાર સાંભળીએ છીએ; પણ વ્યવહારમાં સમાજ બે વર્ગમાં વીભાજીત છે – એક અતીપૈસાદાર અને બીજો અતીગરીબ વર્ગ. ઝડપી ઔદ્યોગીકરણ, જમીનદારી તથા રાજકીય અને વહીવટી ભ્રષ્ટાચારને કારણે એક વર્ગ પાસે અબજોની સમ્પત્તી એકત્રીત થયેલી છે. જ્યારે બીજો વર્ગ તદ્દન ગરીબ છે, પુરતું બે સમય જમવાનું પણ મળતું નથી. ધનવાન – શોષક વર્ગ ધનમાં આળોટે છે અને ગરીબ – શોષીત વર્ગ ધુળમાં આળોટે છે. ગરીબ વર્ગ ધનીક વર્ગના દાબ–દબાણ અને પોતાની મજબુરીના કારણે શોષક વર્ગને પોતાનો સહયોગ આપે છે; પણ અંદરથી તેઓની ધનવાન પ્રત્યેની નફરત વધતી જાય છે, જે સામ્યવાદી અને નક્સલવાદી વીચારધારાને આમન્ત્રણ આપે છે.

આવું જ શોષણનું એક નવું ક્ષેત્ર ‘ધર્મ’ ધીમેધીમે વીકાસ પામી રહ્યું છે. પરમપુજ્યો અને ધર્મધુરન્ધરો એક બાજુ લોકોને સાદું જીવન જીવવાનો તથા જીવનામાં ત્યાગ અને અપરીગ્રહનો અમલ કરવાનો ઉપદેશ આપે છે; તો બીજી બાજુ પોતે સંસ્થા કે ટ્રસ્ટના નામે કરોડો નહીં; અબજોની સમ્પત્તી એકત્ર કરી પોતાના પરીવારના સભ્યો – પુત્ર/પુત્રી, ભત્રીજા/ભત્રીજી, જમાઈ વગેરેને પોતાના વારસદાર પ્રસ્થાપીત કરીને, ‘જાહેરટ્રસ્ટ’ને બુદ્ધીપુર્વક અને ચાલાકીથી ‘પરીવારટ્રસ્ટ’માં પરીવર્તીત કરી દે છે. આ ટ્રસ્ટનો વહીવટ પોતાના પરીવારના વારસદારો જ કરે છે અને તે દ્વારા તેઓ નીર્વીધ્ન ટ્રસ્ટની સમ્પત્તીનો ઉપભોગ પણ કરે છે.

ભક્તો પોતાનો ભવ અને પુનર્જન્મ સુધારવા ઈશ્વરના નામે, ધર્મના નામે, સમાજ ઉદ્ધારના નામે, ધર્માચાર્યોની વાતોથી અંજાઈ તેમને તન, મન, અને ધન અર્પણ કરે છે અને ધર્માચાર્યો આમાંથી થોડુંક જ સમાજસેવા માટે વાપરી બાકીનું બધું ટ્રસ્ટમાં જમા કરે છે. આને કારણે ભક્તો ગરીબ થતાં જાય છે અને ધર્મસ્થાનો– ધર્માચાર્યો પૈસાદાર થતાં જાય છે. જ્યારે ભક્તો જાણે છે, સમજે છે કે આ ધર્મની મીઠી–મીઠી વાતો પોતાની પુત્રેષણા, વીત્તેષણા અને લોકેષણા માટે જ કરવામાં આવતી હતી ત્યારે તેઓનો ધર્મ અને ઈશ્વર પ્રત્યેનો વીશ્વાસ ડગી જાય છે, અને તેમના હૃદયમાં નાસ્તીકતાની ધુન સવાર થાય છે જે ઉતારવી કઠીન બને છે.

ટુંકમાં, નાસ્તીકતાના પ્રચારમાં ધ.ધુ.ઓ અને પ.પુ.ઓની અતી પુત્રેષણા, શીષ્યોનાં ટોળેટોળાં એકઠાં કરવાની ભાવના, વીત્તેષણા, મઠ, આશ્રમ અને ટ્રસ્ટના નામે કરોડો નહીં; અબજોની સમ્પત્તી એકત્રીત કરી તેનો વહીવટ પોતાના પરીવારમાં જ રાખવો તેવી મલીન મનીષા અને લોકેષણા – ઈશ્વરના સ્થાને પોતાને પ્રસ્થાપીત કરી પોતાની ભગવાનના સ્થાને પુજા કરાવવી, આ જવાબદાર છે.
–નાથુભાઈ ડોડીયા
અક્ષરાંકન: ગોવીન્દ મારુ
પ્રુફવાચન સૌજન્ય: ઉત્તમ ગજ્જર 

No comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.