Saturday, September 15, 2012

આ બાબાઓના રંગઢંગને જાણો છો ?–નગીનદાસ સંઘવી

નીર્મળબાબા સામે છેતરપીંડીનો કેસ દાખલ થવાનો છે; પણ સીનેમા નટી જોડે કઢંગી હાલતમાં પકડાયેલા નીત્યાનન્દ સ્વામી એક કરોડની દક્ષીણા ચુકવીને તમીળનાડુના અતીશ્રીમંત મઠના અધ્યક્ષપદે બીરાજ્યા છે. અખબારો અને રૅશનાલીસ્ટો ગમે તેટલા ધમપછાડા મારે; પણ આ બાબાઓનો વાળ પણ વાંકો થવાનો નથી. તેમની પાસેથી અબજો રુપીયાની આવક મેળવનાર ટી. વી. ચેનલોના કારણે તેમના આંધળા ભગતોનો ધોધમાર પ્રવાહ કદી અટકવાનો નથી. સુરત સારી પેઠે ઓળખે છે તેવા આશારામ બાપુ, મન્દબુદ્ધીની યુવતીના વીનયભંગના આરોપી જૈન મુની કે ખ્રીસ્તીઓને ઘેલાં બનાવનાર પોલ ડીવારીન – બધાના ધન્ધા બેરોકટોક ચાલતા રહ્યા છે. દુનીયાભરમાં ધર્મસંસ્થાઓ અને ધર્મજીવનને સડતર લાગ્યું છે. આપણા દેશમાં તો સ્વામીઓ, યોગીઓ, સન્તો–મહન્તો – ગુરુઓની ગણતરી કરવી મુશ્કેલ છે. આપણા દેશમાં ઝાડવાં કરતાં ગુરુઓની સંખ્યા વધારે છે !

દુનીયામાં દુ:ખી માણસોની સંખ્યા ઘણી મોટી છે; પણ ખાસ કશું કારણ ન હોય તો પણ, રજકણ જેવા દુ:ખને ડુંગર બનાવીને પોતાને દુ:ખી ગણનારા લોકો તેમના કરતાં અનેક ગણા વધારે છે. શારીરીક રોગનો ભ્રમ સેવી તેની વધારે પડતી આળપંપાળ કરનાર લોકોને અંગ્રેજી ભાષામાં હાઈપોકોન્ડ્રીયાક કહેવાય છે. નજીવી બાબતમાં દુ:ખી દુ:ખી થઈ જનાર માણસોને કારણે બાબાઓને બખ્ખાં થઈ જાય છે. યુરોપ અમેરીકામાં આવા લોકો માનસચીકીત્સકો પાસે જાય છે. આપણા દેશમાં ગુરુઓના શરણે જાય છે. મોટા ભાગના ગુરુઓ અચ્છા માનસશાસ્ત્રીઓ હોય છે અને પ્રામાણીક ગુરુઓ તેની કબુલાત પણ કરે છે. ભાદરણના અતીસજ્જન સ્વ. કૃષ્ણાનન્દજી પોતાની રામકહાણી કહેનારને હમ્મેશાં આશીર્વાદ આપતા કે તમારી બધી મુંઝવણ છ મહીનામાં દુર થઈ જશે. આશીર્વાદથી બધા માણસોના બધા જ સવાલો શી રીતે ઉકેલાઈ જાય, તેવા સવાલના જવાબમાં તેમણે કહેલું કે, ‘કોઈના આશીર્વાદથી કશું થતું નથી; પણ શ્રદ્ધાળુ માણસને ઘણી માનસીક રાહત મળે છે.’ વળી, મોટાભાગની સમસ્યાઓ અને સવાલો ચાર છ માસમાં આપોઆપ ઉકેલાઈ જાય છે અને ન ઉકેલાય તો માણસ તેનાથી ટેવાઈ જાય છે ! સમસ્યાના ઉકેલનો જશ સ્વામીઓને મળે છે અને ઉકેલ ન આવે તેનો અપજશ નસીબ અથવા ભગવાનના ખાતે ઉધારી નાખવામાં આવે છે.

મોટા ભાગના માનસીક રોગોને અન્ધશ્રદ્ધાળુ લોકો ભુતપ્રેતનો વળગાડ માને છે અને તેથી ભાતભાતની ભુવાગીરીઓ ચાલતી હોય છે. ભુતના વળગાડનું સૌથી વધારે મહત્ત્વ કેથોલીક ખ્રીસ્તી ધર્મે સ્વીકાર્યું છે. વળગાડ કાઢી આપનાર પાદરીઓને ચર્ચ સ્વીકૃતી પણ આપે છે. કૅથલીક ભુવાઓનું આન્તરરાષ્ટ્રીય મહામંડળ ચાલે છે. મુમ્બઈના પરા મુલુન્ડમાં સેન્ટ પાયસ ચર્ચમાં રોગ મટાડવાની અને ભુત ભગાડવાની સભાઓનું આયોજન કરનાર ફાધર રુડીયસ પરેરા મે મહીનાની શરુઆતમાં લંડનમાં ગુજરી ગયા છે. તેઓ આંતરરાષ્ટ્રીય ભુવા મહામંડળના ઉપાધ્યક્ષ હતા. પરેરાએ ભગાડેલા ભુતોએ એકઠા મળીને કરેલા સામટા હલ્લાને કારણે જ તેમનું અવસાન થયું, તેવું શ્રદ્ધાળુ ખ્રીસ્તીઓ મક્ક્મ રીતે માને છે. કોઈ બાબતમાં કશી સમજ ન પડે તેને આપણે મુરખ ગણીએ છીએ; તેમ બધી બાબતમાં પોતાને બધી જ સમજ પડે છે તેવું માની લેનાર માણસ પણ મુરખ જ ગણાય. અધ્યાત્મ અને અગમનીગમની વાતોમાં કોઈને કશી સમજ પડતી નથી; પણ અમુક ચોક્કસ શબ્દો વાપરવાની કળામાં નીષ્ણાત ગુરુઓ આપણને આંજી શકે છે અને ભોળીયા લોકો તેમની ચુંગાલમાં વધારે સહેલાઈથી ફસાઈ જાય છે. બાબાઓ અને મહન્તો અવતારી પુરુષ કહેવાય છે. હાથ ચાલાકીના ખેલ કરીને પ્રભાવ જમાવનાર સત્ય–સાંઈબાબા, સાંઈબાબાના અવતાર ગણાતા હતા. મહારાષ્ટ્રમાં અતીશય જાણીતા અનીરુદ્ધબાપુના વીશે પણ, તેઓ સાંઈબાબાના અવતાર હોવાનો દાવો કરવામાં આવે છે. તમીળનાડુના એક બાબાજી પોતાને કલ્કીનો પુર્વાવતાર ગણાવે છે અને અબજો રુપીયાની અસ્ક્યામત જમાવીને બેઠા છે.

કલ્કી અવતારનું તુત ઘણા દાયકાઓથી ચાલે છે. સો એક વરસ અગાઉ દુનીયા ભરમાંથી થીયોસોફીની બોલબાલા હતી. તેમના સ્થાપક મેડમ બ્લેવેત્સ્કીની હરામખોરી સુરતના સુપ્રસીદ્ધ કવી બહેરામજીએ ઉઘાડી પાડેલી. તેમના અનુયાયી અને રાજકારણમાં આગેવાની લેનાર એની બેસન્ટ તમીળનાડુના ગરીબ બ્રાહ્મણના બે છોકરાઓમાં જે. કૃષ્ણમુર્તી કલ્કીનો અવતાર છે અને ભુતકાળમાં ચીરંજીવ મહાત્માઓ રોજ રાત્રે તેમના આત્માને બહાર કાઢીને ઉપદેશ આપે છે, તેવા ગપગોળા ઘણા ચાલ્યા. કૃષ્ણમુર્તી મોટા થયા ત્યારે તેમણે જાતે જ આ બધો ભાંડો ફોડી નાંખ્યો અને તેમના નામે લેવાયેલી અબજો રુપયાની મીલકત ફગાવીને પોતાની સચ્ચાઈ અને ત્યાગવૃત્તી પુરવાર કરી. જે. કૃષ્ણમુર્તી અત્યંત પ્રખર વક્તા અને ગહનવીચારક હતા. વળી, આ બાબાઓ તદ્દન નક્કામા પણ નથી. પરદેશમાં સ્થાયી થયેલા તેમના બહોળા અનુયાયીઓ પાસેથી દેશને સારા પ્રમાણમાં વીદેશી હુંડીયામણ કમાઈ આપે છે. અને હવે તો બધા સમ્પ્રદાયો અને બધા ગુરુઓ પોતાની મીલકતમાંથી થોડી રકમ સમાજસેવાના કાર્યોમાં પણ વાપરે છે. ઉત્તમ ઈસ્પીતાલો અને શાળાઓ ચલાવે છે.

સમાજસેવાની સંસ્થાઓ ચલાવીને પ્રતીષ્ઠા મેળવનાર બાબાઓ વધારેને વધારે અનુયાયીઓ પણ મેળવતા થયા છે. આ બાબતમાં આપણા બધા ધાર્મીક આગેવાનો ખ્રીસ્તી મીશનરીઓનું અનુકરણ કરતા થયા છે. માનવસેવાનો ઉપદેશ ખ્રીસ્તીધર્મે આપ્યો છે, તેવો બીજા કોઈ ધર્મમાં જોવા મળતો નથી અને બીજા પાસેથી સારું શીખવામાં કશી નાનમ પણ નથી. પણ મુખ્ય તફાવત નોંધાવો જોઈએ. ખ્રીસ્તી પ્રચારકો એકઠા થયેલા નાણાંભંડોળમાંથી મોટો ભાગ સેવાકાર્યોમાં વાપરે છે. આપણા બાબાઓ આખી ‘એરણ’ લઈ લીધા પછી એક ‘સોય’ જેટલું ધન દાન–ધર્માદામાં કે સેવાકાર્યોમાં વાપરે છે.


–નગીનદાસ સંઘવી

અક્ષરાંકન: ગોવીન્દ મારુ 

પ્રુફવાચન સૌજન્ય: ઉત્તમ ગજ્જર 

No comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.