Wednesday, November 14, 2012

નામ નહીં, ગાનથી ઓળખાતું ગામ ! ( (નૉલેજ-ગાર્ડન – હેમેન ભટ્ટ)


[ ‘ફૂલછાબ’ અખબારમાં પ્રકાશિત થતી જ્ઞાનસભર કટાર ‘નૉલેજ-ગાર્ડન’ હવે એ જ નામે પુસ્તકરૂપે ઉપલબ્ધ છે.તેમાંથી સાભાર  ]
 
નામમાં શું રાખ્યું છે ? જો તમે પણ આવું માનતા હો તો તમારે એક વાર મેઘાલયના કોંગથોંગ ગામમાં જવાની જરૂર છે. તમને ત્યાં જઈને એ ખાતરી થઈ જશે કે, નામમાં ખરેખર કાંઈ નથી રાખ્યું ! મેઘાલયનું આ ગામ એવું છે, જ્યાં દરેક બાળકને નામથી નહીં, પરંતુ ગીત ગાઈને બોલાવવામાં આવે છે ! મેઘાલય ઈસ્ટ ખાસી હિલ જિલ્લામાં આવેલા આ કોંગથોંગ ગામમાં પેઢીઓથી બાળકોને જન્મ સમયે જ તેની સાથે એક ગીત જોડી દેવામાં આવે છે અને આખી જિંદગી તેને એ ગીત ગાઈને બોલાવવામાં આવે છે.

કોંગથોંગ ગામના સરપંચ કિરટાઈડ યાજાવે કહ્યું કે, જો એક પરિવારમાં 10 બાળકો હોય તો તેમને માટે 10 જુદાં ગીતો નક્કી કરાય છે. આ ગીત એક સેકંડથી માંડીને બે મિનિટ સુધીનું હોય છે. જોકે, બાળકોને આના ઉપરાંત બીજું એક નામ પણ અપાય છે. જેનો ઉપયોગ તેને બોલાવવા માટે નથી થતો. બીજા લોકો પણ તેને નામના બદલે ગીત ગાઈને બોલાવે છે. કૉલેજિયન રોથેલ મોંગસિત આ પરંપરાનો પક્ષ લેતાં કહે છે કે, જેવું ગીત સાંભળીએ છીએ અમે તુરત જ ઓળખી જઈએ છીએ કે કોને બોલાવવા ગીત ગવાય છે ! ગામમાં આવા ઓછામાં ઓછા 500 લઘુગીતો પ્રચલિત છે. જોકે, છોકરીઓ પોતાના પુરુષ સાથીને બોલાવવા માટે આવા ગીતનો ઉપયોગ નથી કરી શકતી, પરંતુ આ પરંપરા અહીં એટલી અસરકારક છે કે, મેળા જેવી કોઈ ભીડમાં બાળક ખોવાઈ જાય તોપણ ગીત ગાઈને તેને શોધી શકાય છે. ગામના એક શિક્ષક ઈસ્લોવેલ મોંગસિતના જણાવ્યા મુજબ ‘જ્યારે અમે શિલોંગ જેવી ભારે ભીડવાળી જગ્યાએ જઈએ છીએ ત્યારે ઘણી વાર અમારાં બાળકો ખોવાઈ જાય છે. ત્યારે અમે ગીત ગાઈને એમને બોલાવીએ છીએ તો તુરંત જ તે મળી જાય છે.’

આ પરંપરાએ ઘણા વિદેશી સંશોધકોને પણ આકર્ષિત કર્યા છે. એવા ઘણા સંશોધકો અહીં આવીને રોકાયા છે, તેમણે આ પરંપરા પર શોધ ચાલુ કરી છે જેમાં જર્મની, જાપાન અને અમેરિકી સંશોધકોનો સમાવેશ થાય છે. જોકે, એ પણ રહસ્ય જ રહ્યું છે કે, આજુબાજુનાં બીજા ગામોવાળાએ આ પરંપરાને કેમ નથી અપનાવી ? શું લાગે છે ? થોડા ચેન્જ માટે પણ આપણે આ પરંપરા અપનાવવી જોઈએ ? આખા ગામ નહીં, તો માત્ર પરિવારના સભ્યોનેય એક અઠવાડિયું નામને બદલે ગીત ગાઈને બોલાવી તો જો જો….!

No comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.