Thursday, December 6, 2012

ઈશ્વરનું અસ્તીત્વ માનવતામાં છે- ડૉ. પ્રતાપ પંડ્યા

છેલ્લી સાત પેઢીથી અમારા પરીવારનો કર્મકાંડનો તદ્દન બનાવટનો, લોકોને લુંટવાનો, લોકોને જાહેરમાં મુર્ખ બનાવી રોટલો રળવાનો ધંધો રહ્યો. એ કરનાર અમારા વડીલોએ જે મરતાં મરતાં અમને કહ્યું છે તે આપને કહેવા માંગુ છું. તેમણે કહ્યું, ‘‘અમે ઓછું ભણેલા બ્રાહ્મણના દીકરા એટલે બીજી કોઈ મહેનત – મજુરી કરી ન શકવાને કારણે કથા, વાર્તા, જ્યોતીષ, યજ્ઞ, દોરા–ધાગા, સરવણી વગેરે વીધી કરવાના થોડાક ચાલુ મંત્રો પુસ્તકોમાંથી ગોખીને શીખી લીધા. પછી ગાડું ચાલ્યું. નાણાં, માન, વસ્ત્રો અને સારાં મકાન પણ અમે આ કર્મકાંડના ગોરખધંધા વડે પ્રાપ્ત કરી જીવ્યા છીએ.  
‘‘પણ આપણી પુત્રીઓ, પુત્રો, વહુઓ, બાળકો આ અનીતીભરી આવકને કારણે સુખી થયાં નથી. રોગ, ગાંડપણ કુસંસ્કારના ભોગ બન્યાં છે. અમારા વડવાઓ પણ છેલ્લે દુ:ખી થઈને મર્યા છે. કારણ કે માનવજાતને અમે માનવ થઈને છેતરી છે. દગો દીધો છે. માનવમાત્ર ઈશ્વરનો અંશ છે. દરેક જીવમાં ઈશ્વરનું અસ્તીત્વ અનુભવી શકાય છે. જો વેદના – સમ્વેદના કે હૃદયમાં થતી લાગણીનો અનુભવ થાય તો એ જ ઈશ્વર છે એમ માની કરુણા, સ્નેહ, પ્રેમ, હુંફ આપી માનવમાં રહેલા ઈશ્વરને રાજી કરજો. એ સીવાય મફતનું ખાવું, મફતનું લેવું, બ્રાહ્મણ છીએ માટે મફત ભોજન, દાન–દક્ષીણા લેવાનો હક્ક કાયમ માટે ત્યાગીને નાત–જાત છોડીને સમગ્ર માનવ પ્રત્યે સમજણપુર્વક સમાન વાણી અને વહેવાર રાખી વર્તન કરજો એ ઈશ્વરની ખરી પુજા છે.’’
છેલ્લે મરણની છેલ્લી પળે મારા સ્વ. પીતાજીએ મારા માતુશ્રીને હાથમાં પાણી લેવડાવી પ્રતીજ્ઞા કરાવી હતી કે, ‘‘આપણાં સન્તાનોને આ કર્મકાંડનો ધન્ધો નહીં કરાવીશ. ભીક્ષાવૃત્તીનો ત્યાગ કરાવીશ. મફતનું ભોજન, અન્ન, વસ્તુ– સીધુંસામાન–દાનદક્ષીણા કદાપી લેવા દઈશ નહીં. પેટ ન ભરાય તો ફોડી નાખજો.’’
 મારા સ્વ. માતુશ્રી ૨૬ વરસની ઉમ્મરે વીધવા થયાં. અમે ચાર સન્તાનો અને પોતે એમ પાંચનું ભરણપોષણ, ખડ વાઢીને, જીવનભર અજાચક બની જીવવાના ઉત્તમ સંસ્કારો અમને આપ્યા. આજ સુધીમાં મન્ત્ર, તન્ત્ર, જન્માક્ષર, સમય–વાર, ચોઘડીયાં કે ગ્રહો કોઈ ક્યાંય અમને નડ્યાં નથી. દરેક સન્તાન ૧૮ વર્ષની ઉમ્મરે કામે લાગી જાય. અને આપ સૌને નવાઈ લાગશે કે ૮૧ વરસની ઉમ્મરે મારાં પુજ્ય માતુશ્રી સ્વર્ગવાસી થયાં ત્યારે શીક્ષણ, સંસ્કાર, સમ્પત્તી અને સાચી સમજણ સાથે અમને જીવતા જોઈને પરમ સન્તોષ સાથે આશીર્વાદ આપીને ગયાં. તેઓએ એ જ કહ્યું કે, ‘આપણી અજાચકવ્રતની વારસાગત મુડી સાચવજો. માનવમન્દીરમાં રહેલ ઈશ્વરને વન્દન કરી નમ્રતા, સરળતા અને સહજ જીવન જીવજો…’
આ સત્ય હકીકત મેં એટલા માટે રજુ કરી છે કે સમાજમાં અત્યારે વ્યાપી રહેલી અન્ધશ્રદ્ધા, ભુત, ભારાડી, ધર્મને નામે ચાલતાં આશ્રમો, મંદીરો કે જેનો માત્ર નાણાં કમાવા સીવાય કોઈ હેતુ નથી તેમાં પડવું નહીં. કદાચ તેને પડકાર કરવા કે તે ખોટું છે તેમ કહેવાની હીમ્મત, છાતી, તાકાત ન હોય તો ભલે; પણ તેનાથી દુર તો રહેવાય ને ? મારે પણ આસ્તીક, નાસ્તીક કે વચ્ચેના કોઈ માનવસમાજની પ્રવૃત્તીઓ–ધન્ધા, સાચા, ખોટામાં પડવું નથી; પણ આ બધાથી દુર રહીને ખુબ સારી રીતે જીવાય છે તેવો મારો પોતાનો જાતઅનુભવ છે. હું શીક્ષણનો માણસ છું. માણસ બનીને જ માનવ તૈયાર કરવાનનું કામ મેં અને મારાં પત્નીએ ૩૫ વરસ કર્યું છે. ગામડાંમાં, શહેરમાં, ગલી, પોળમાં કે દુનીયાના અન્ય દેશોમાં ક્યાંય અમે માનવતા ચુકતાં નથી. અન્ધશ્રદ્ધા કે દમ્ભી દેવદર્શન કરી દાન–દક્ષીણા લેતા તો નથી જ; પણ ક્યારેય એક પણ પૈસો મન્દીરમાં, સન્તને કે તેના આશ્રમને આપતા નથી. મન્દીર, હવેલી કે અન્ય ધર્મસ્થળોની આજુબાજુ જે ગરીબ, ભુખ્યાં લોકો ટળવળતા હોય તેની તપાસ કરી, તેમને ઘરે બોલાવીએ છીએ. તેમનાં ઝુંપડાંઓમાં જઈને કપડાં, અનાજ, રુપીયા, પુસ્તકો, બાળકોને ભણવાની ફી આપીએ છીએ. અમારાં પેન્શનની રકમ દર મહીને ૨૦ થી ૨૫ હજાર આવે છે. કોઈ પણ જાતની પ્રસીદ્ધી કર્યા વીના છેલ્લાં ૧૦ વરસથી વડોદરા શહેરમાં રહીને આવી મદદ આપ્યા જ કરીએ છીએ. અમે બન્ને પ્રાથમીક શાળાના નીવૃત્ત શીક્ષક–દમ્પતી છીએ. ઈશ્વરનું અસ્તીત્વ અમે માનવમાં જોયું છે. અને માનવસેવા એ જ ઈશ્વરસેવા છે તેમ દૃઢપણે માનીએ છીએ. બાકી બધો દમ્ભ છે, ધતીંગ છે, ખોટું છે, છેતરવાના ગોરખધંધા છે. લોકોની લાચારી, ગરીબી, નીરક્ષરતા, બેકારીનો લાભ લેતી આવી વ્યક્તીઓ, સંસ્થાઓ કે આશ્રમોને ખુલ્લાં પાડી સત્ય સમજાય તેવું સામાજીક પરીવર્તન કોઈએ તો કરવું જ પડશે.
છેલ્લે એટલું કહું કે કાદવના ખાડાને તમે પુરી શકો તેમ ન હો; તો પણ તેનાથી દુર તો રહી શકાય છે ને ?
શીક્ષીત વ્યક્તી આટલું સમજી પોતાના પુરતો નીર્ણય કરી જીવે તો પણ ઘણું બધું કામ થાય…’

(મૂળ લેખને ટૂંકાવીને)
અક્ષરાંકન: ગોવીન્દ મારુ 
પ્રુફવાચન સૌજન્ય: ઉત્તમ ગજ્જર 

No comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.