Thursday, January 3, 2013

કસ્તર – મધુભાઈ ભીમાણી



[‘જનકલ્યાણ’ સામાયિકમાંથી સાભાર.]
ડાઈનિંગ ટેબલ પર હળવે હળવે ઘરના બધા ગોઠવાઈ ગયા. સાસુ-સસરા, જેઠ-જેઠાણી, નણંદ અને રેણુકાના પતિ દુષ્યંતકુમાર. છેલ્લે ગરમ ગરમ નાસ્તો લઈને આવી રેણુકા. આવતાં જ ગુડમોર્નિંગ થયા. તેનો પ્રવેશ જ બધા માટે આહલાદક હોય. રેણુકાનું વ્યક્તિત્વ જ તેવું હતું. સૌને આનંદમાં રાખે. નાસ્તાને ન્યાય મળ્યો એ સ્થૂળ અર્થમાં સાચું પણ વિશેષ તો આખા પરિવારે સામેથી મળતા સુખનો ખાસ્સો અનુભવ કર્યો.
પછી બધા વિખરાયા. સવારના અન્ય કાર્યમાંથી પરવારી રેણુકા એકલી પડી. આજે એકલી પડતાં રેણુકા વિચારે ચઢી. કોઈ કારણ વગર ગઈકાલે બનેલો પ્રસંગ યાદ આવી ગયો. બજારમાંથી ઘર માટે તે ભરપૂર નાસ્તો લાવેલી. ત્રણસોથી વધારે ખર્ચ થયેલ. બધાને ખુશ રાખવાનો આ એક સહજ માર્ગ હતો. પરમ સંતોષનો ઓડકાર આવે એ પહેલાં મમ્મી-પપ્પા કહે : ‘વહુ બેટા, ખૂબ નાસ્તો તમે લાવ્યા. ઘરનાઓ માટેની તમારી આ ચીવટ ગમે તેવી છે. પણ આ સત્તર જાતના નાસ્તામાં અમારે માટે શું ? જરાય ખોટું ન લગાડતા. આપણા વચ્ચે ખરાબ કે ખોટું લાગે તેવો વ્યવહાર જ નથી. અમે કડક ચીજો ચાવી શકીએ નહીં. એકાદ-બે પોચી પોચી ચીજ લાવ્યા હોત તો વધારે ગમત. આ ફરિયાદ જરાય નથી. બીજી વખત ધ્યાન રાખજો.’
રેણુકાને ખટકો એટલો જ કે સારી ભાષામાં આ ઠપકો જ હતો. પોતે ઘર માટે આટલું આટલું કરે તોય ક્યાંક વાંધો પડે જ. આમ કેમ થતું હશે ? એમ વિચારતી હતી ત્યાં પંદરેક દિવસ પહેલાં બનેલો પ્રસંગ સ્મૃતિપટ પર આવી ગયો. ઘરે આવેલી બહેનપણી સાથે વાતચીત કરવામાં એટલી ડૂબી ગઈ કે બાજુની રૂમમાં દુષ્યંત તેની વાટ જોતો બેઠો છે તે સાવ જ ભૂલી ગઈ. બહેનપણીને વળાવી દોડતી દોડતી દુષ્યંત પાસે આવી. બંનેએ એક વ્યવહારિક કામે સાથે જવાનું હતું. તૈયાર થઈ બંને નીકળ્યા. રસ્તામાં દુષ્યંતે કહ્યું : ‘તું હોશિયાર અને ચબરાક છો. પણ આજે તું બહેનપણી આવતાં આપણું કામ જ ભૂલી ગઈ. મોડા પહોંચીશું ત્યારે કાકા-કાકીને કેવું લાગશે ? એ બધા તો તારી રાહ જોતાં હશે કે રેણુકા ક્યારે આવે ને સરિતાને શણગારે…..’ દુષ્યંતના બોલવામાં ક્યાંય રોષ ન હતો. ઠપકોય ન હતો. છતાં કોણ જાણે કેમ એ પ્રસંગની યાદ કડવા ઘૂંટડા જેવી લાગી.
એને થયુંય ખરું કે આમ એ ચિઢાઈ કેમ જાય છે ? ‘પણ ચિઢાઉં નહીં તો શું કરું ?’ મનોમન એ બોલી. પોતે ફરજ બજાવવામાં ક્યારેય પાછી પાની કરી નથી. બધાને આદર અને પ્રેમ આપેલ છે. પ્રસન્નતાપૂર્વક બધા સાથે વર્તે છે. છતાં કંઈક અણગમતું સાંભળવા મળતું ત્યારે તેનું મન ખાટું થઈ જતું. પોતે બેચેન બની જતી. મનની આવી અસ્વસ્થ સ્થિતિમાં હોય ત્યારે મનને હળવું કરવા એ હંમેશા મોટાભાઈ (જેઠ) પાસે જતી. ખુલ્લા મનથી વાતો થતી. મૂંઝવણનું નિરાકરણ પણ થઈ જતું. આજેય મોટાભાઈ પાસે ગઈ. પૂછ્યું : ‘આમ કેમ થતું હશે ? હું હંમેશા બીજાઓનો જ વિચાર કરું છું. મારો વિચાર ક્યારેય નથી કરતી. છતાંય સાંભળવાનું કંઈક આવે ત્યારે મને માઠું કેમ લાગી જાય છે ? ચીઢાઈ કેમ જાઉં છું ? તમે મારી ઉલઝન દૂર કરો, મોટાભાઈ.’
જવાબમાં મોટાભાઈએ કહ્યું :
‘તું અતિશય લાગણીપ્રધાન છે- સેન્સિટીવ છે. તારો સ્વભાવેય સરળ છે. તારા મગજમાં જડબેસલાક એવું ઘૂસી ગયું છે કે આપણે કોઈનો આદર કરીએ કે ખૂબ પ્રેમ કરીએ એટલે બધું આવી ગયું. પણ સાવ એવું નથી. સામાની લાગણીનો વિચાર કરવો તે ઠીક છે પણ સાથે સાથે આપણી પોતાની લાગણીનો પણ વિચાર કરવો જોઈએ…..’
‘એટલે ?’
‘એટલે કે આપણે આપણોય વિચાર કરવાનો. કેટલી હદ સુધી બોજો ઊંચકી શકીએ તે વિચારવું. તું જ કહે છે- હમણાં જ તેં કહ્યું- કે તું તારો તો વિચાર જ નથી કરતી. આમ થાય ત્યારે આપણું મન પણ નારાજ થાય. તે વિદ્રોહ કરે. આ વિદ્રોહ એટલે ખીજાઈ જવું કે ચીઢાઈ જવું. આવું થાય ત્યારે સમજી લેવું કે બીજાને સાચવવા આપણે હદની બહાર જઈ રહ્યા છીએ. સમજાય છે ?’ મોટાભાઈ થોભ્યા. રેણુકા નીચી મૂંડીએ વિચારાધીન લાગી. મોટાભાઈએ ખોંખારો ખાધો. પછી બોલ્યા :
‘બહુ વિચારવાની જરૂર નથી. તું બધાની ખૂબ કાળજી લે છે. સામી વ્યક્તિઓમાં અપેક્ષા ખૂબ વધારી મૂકે છે. ‘હું છું ને’ એ ગાઈ બજાવીને તું જ સતત કહ્યા કરતી હોય છે. અમારી અપેક્ષા મુજબ ક્યારેક ન થાય ત્યારે તારું માત્ર ધ્યાન જ દોરીએ છીએ. ક્યારેય ઠપકો નથી આપ્યો પણ તું એકલી પડે ત્યારે અમારા શબ્દો તને ઠપકા જેવા લાગે છે. સાચું કહે, લાગે છે ને ?’
‘હા… લાગે છે….’
‘બસ ત્યારે… તારે જ તારામાં રસ લેવો. તને ક્યારેય ગૌણ નહીં ગણવી. ને બધાને ખૂબ ઉપયોગી થાઉં છું ને બધાની બહુ કાળજી લઉં છું એ લાગણી આપણું અભિમાન વધારે છે, અહમ મોકળો બને છે ને અંદરથી ખોતરે છે- જો, ડાહી થવા ગઈ…. સાંભળ હવે…. માટે કાળજી લેવી પણ તેની મર્યાદા રાખવી. અમેય લાગણીના ત્રાજવા રાખીએ છીએ- એ ક્યારેય ભૂલીશ નહીં. અને આપણે આપણી લાગણી તેમ જ અન્યની લાગણી પણ સમજીએ છીએ તેવા વટમાંય ન રહેવું. ચાલ…. કંટાળી જઈશ. આજે આટલું બસ છે.’

મોટાભાઈની વાણી રેણુકાને અમૃત જેવી લાગી. વિશેષ તો આંખમાં કસ્તર પડી હોય ને જોવાનું ક્ષણેક ધૂંધળું થઈ જાય ત્યારે જે પીડા થાય તેમાંથી રેણુકા મુક્ત થઈ.

સૌજન્ય : રીડ ગુજરાતી 

No comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.