Thursday, January 17, 2013

‘ઈશ્વર છે કે નહીં’ ને બદલે અન્ધશ્રદ્ધા પર પ્રહાર કરો

ઈશ્વરના અસ્તીત્વ વીશે ‘ગુજરાતમીત્ર’ના ચર્ચાપત્ર વીભાગમાં ખાસ્સી ચર્ચાઓ થાય છે. ચર્ચાપત્રોમાં ઈશ્વરવાદીઓ કરતાં નીરીશ્વરવાદીઓ વધુ આક્રમક હોવાનું પ્રતીત થાય છે. નીરીશ્વરવાદીઓની આક્રમકતા પાછળ એમનો રાજકીય પુર્વગ્રહ અને નીરાશા પણ છતાં થતાં દેખાય છે.  નીરીશ્વરવાદીઓએ સમજવું જોઈએ કે ઈશ્વર છે એવી શ્રદ્ધાને નીર્મુળ કરવાનું કામ ભગીરથ છે.  ઈશ્વર છે કે નથી એવી ચર્ચા કરવાને બદલે, અન્ધશ્રદ્ધા ઉપર પ્રહાર કરવાનું જ યોગ્ય બની રહેશે.

ધર્મ આજકાલ વ્યસન જેવો બની ગયો છે. તીર્થધામોમાં માણસો કીડીયારાની જેમ ઉભરાય છે. બાબાઓ અને બાપુઓ  લોકોની  અન્ધશ્રદ્ધા અને  ધર્મભાવનાનો ગેરલાભ ઉઠાવે છે. આ બાબાઓ અને બાપુઓ શબ્દોના જાદુગર છે. શાસ્ત્રોથી આગળ વધીને રોજીન્દા જીવનમાંથી પણ હૃદયસ્પર્શી ઉદાહરણો ટાંકીને બાબાઓ/ બાપુઓને  પોતાનું માર્કેટીંગ  કરતાં આવડે છે. સમાજ ઉપર પકડ ધરાવતા બુદ્ધીજીવીઓ, વીદ્વાનો અને સાહીત્યકારોને લાડ લડાવતાં અને ‘મોટા ભા’ કરતાં એમને સરસ આવડે છે અને ‘મોટા ભા’ બનવાનું તો કોને ના ગમે ?

શીરડી, તીરુપત્તી, કેદારનાથ અને બદ્રીનાથ જેવાં યાત્રાધામોમાં રોજ લાખો રુપીયાની આવક થાય છે. ભગવાનની મુર્તીને સોનાનો મુગટ ચઢાવવો, સોનાચાંદીનું સીંહાસન બનાવી આપવું, આ બધું સહજ બનતું જાય છે. આપણાં શહેરોનાં મંદીરોમાં રોજ અઢળક નાણું આવે છે. આ મંદીરો પાછા મફત ભીક્ષુકભોજન આપીને ભીખારીઓની વસ્તીવૃદ્ધીમાં અગત્યનું  પરીબળ  બની રહે છે. મંદીરોને થતી આવકની ફીક્સ્ડ ડીપોઝીટ રસીદ બનતી રહે છે અને ટ્રસ્ટીઓ પણ જલસા કરે છે. આ લોકો સમાજ માટે કાંઈ કરી છુટતા હોવાનો દંભ જરુર કરે છે; પરન્તુ તેમાંથી સમાજ માટે એક ટકો રકમ પણ વપરાતી નથી. શીરડી, તીરુપત્તી કે અજમેર જેવાં ધર્મસ્થાનોના ટ્રસ્ટીઓએ હૉસ્પીટલો ઉભી કરી હોય, ગરીબોને રોજી આપતા ગૃહોદ્યોગો શરુ કર્યા હોય, ગરીબોને પગભર થવા લોન આપી હોય કે ગરીબ વીદ્યાર્થીઓને મફત શીક્ષણ આપતી શીક્ષણસંસ્થાઓ શરુ કર્યાનું જાણ્યું નથી ! મંદીરો, દરગાહો, બાબાઓ અને બાપુઓ સમાજને નબળો પાડી રહ્યાં છે, સમાજનું શોષણ કરી રહ્યા છે, એમ કહેવામાં લગીરે અતીશયોક્તી નથી.

નીરીશ્વરવાદીઓએ ઈશ્વર છે કે નહીં એના વાદવીવાદમાં પડ્યા વીના ઈશ્વરના નામે થતા ગરીબો અને મધ્યમ વર્ગના શોષણ સામે સમાજને જાગ્રત કરવો જોઈએ. ધર્મસ્થાનોનું માહાત્મ્ય વધારવા થતા ધતીંગોનો વીરોધ થવો જોઈએ.

’ઈશ્વર નથી’ એ વાતનો સ્વીકાર કરાવવાના બળપુર્વકના પ્રયત્નો પણ સફળ થયા નથી. માણસની ઉપર કોઈ પરમતત્ત્વ છે એવી કલ્પનામાં (?) રાચવાનું મનુષ્યોને ગમે છે. ’ઈશ્વર નથી’ એવો સ્વીકાર થાય એવો દુરાગ્રહ કરવાને બદલે, સાદાઈથી ધર્માચરણ થાય એ માટે પ્રયત્નશીલ રહેવું જ ઠીક રહેશે.

-સુરેશ એસ. દેસાઈ

અક્ષરાંકન: ગોવીન્દ મારુ
પ્રુફવાચન સૌજન્ય : ઉત્તમ ગજ્જર

 

No comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.