Thursday, January 31, 2013

કારણ વિના કશું બનતું નથી – ભૂપત વડોદરિયા

[‘જાગરણ’ પુસ્તકમાંથી સાભાર.]
દુનિયામાં પારાવાર અસમાનતાઓ અને અન્યાયો આપણે જોઈએ છીએ. કેટલાક આપણને અનેક બાબતમાં ‘ભાગ્યશાળી’ લાગે છે. આવા ભાગ્ય માટેની એમની કોઈ ખાસ લાયકાત પણ આપણી નજરે પડતી નથી. બીજી બાજુ જે સારા ભાગ્ય માટે અનેક રીતે લાયક છે અને ગુણવાન છે એવા માણસો બિચારા જાતજાતની કમનસીબીઓ વેઠતાં આપણે જોઈએ છીએ. એક બાળક રૂપાળું કે કાળું જન્મે છે, એક બાળક બુદ્ધિશાળી કે મંદબુદ્ધિનું જન્મે છે. એક બાળક મહેલ જેવા બંગલામાં જન્મે છે, બીજું એક બાળક ઝૂંપડામાં જન્મે છે. એક કુટુંબ કંઈ કરે કે ન કરે, તેની સુખસાહ્યબીનો સૂરજ જાણે આથમતો નથી. પડોશમાં એક બીજું કુટુંબ છે તેને રોજેરોજ ભોજનનો સવાલ હોય છે.
હવે આ પ્રકારની વિષમતાઓ અને અન્યાયોનો કોઈ સંતોષકારક ખુલાસો આપણી પાસે નથી- સિવાય કે કર્મનો સિદ્ધાંત. માણસ જેવું કરે તેવું પામે. ક્રિયા અને પ્રતિક્રિયા, કાર્ય અને તેની અસર, શબ્દ અને પડઘો – આ બિલકુલ વૈજ્ઞાનિક બાબત છે. કારણ વિના કશું બનતું નથી. તમે જેવું વાવો તેવું લણો છો- આ કર્મનો સિદ્ધાંત લગભગ બધા ધર્મોએ સ્વીકારેલો છે. આમ તો તે એક વૈજ્ઞાનિક તથ્ય લાગે છે, પણ બીજાં અનેક વૈજ્ઞાનિક તથ્યોની જેમ તે કંઈક અપૂર્ણ લાગે છે. વાવો તેવું લણો, પણ જેણે બરાબર વાવ્યું હોય, વાવેલાની માવજત પણ કરી હોય અને છતાં તેનો પાક નાશ પામે અને તેના હાથમાં કશું જ ન આવે એવું બનતું આપણે જોઈએ છીએ; બીજી બાજુ કેટલાય માણસો જાણે વાવ્યા વગર જ સારો પાક લણતા હોય તેવું આપણે સગી આંખે જોઈએ છીએ.
પણ જો કર્મનો સિદ્ધાંત બિલકુલ જડ હોય અને ગયા જન્મમાં માણસે કરેલાં પાપ કે પુણ્ય, અને સત્કર્મો કે દુષ્કર્મોનું ફળ તેણે ત્રાજવે તોળીતોળીને ભોગવવાનું હોય તો પછી આ જન્મનો- જીવનનો અર્થ શું ? ગયા જન્મનાં ફળો જ મારે ભોગવવાનાં હોય તો મારે કાંઈ પણ કરવાનો અર્થ જ શું રહ્યો ? હું કંઈ પણ સારું તો કરી શકવાનો નથી, કેમ કે ગયા જન્મનાં મારાં કર્મોએ મારા માટે કોઈ સ્વતંત્રતા રહેવા જ દીધી નથી ! છતાં હું ગમે તેમ કરીને સારાં કર્મો કરવા જાઉં તો તેનો બદલો તો મને હવે પછીના જન્મમાં જ મળે ! ખરેખર કર્મનો આ જ સિદ્ધાંત છે ? સિદ્ધાંત જો આટલો બધો ચુસ્ત અને ‘યાંત્રિક’ હોય તો મારા જીવનનો કોઈ અર્થ જ રહેતો નથી. મારા માટે સારા માણસ બનવાની પણ કોઈ ચાનક રહેતી નથી. મારે શા માટે ‘સારા’ બનવું જોઈએ ? ગયા જન્મનાં કુકર્મોનું જ ફળ મારે ભોગવવાનું છે. હું સારું કરું કે ખરાબ કરું તો તેની કોઈ અસર મારા વર્તમાન જીવન પર તો પડવાની નથી. કંઈ પણ પરિણામ મારા આ જિંદગીના કોઈક પુરુષાર્થનું આવવાનું હોય તો તે આવતા જન્મમાં જ આવવાનું !
એક બીજી વાત પણ સમજવા જેવી છે. આપણી ઉપર જે કંઈ સુખ-દુઃખ આવી પડે છે તે આપણા ઈરાદાપૂર્વકના કોઈ કાર્યનું સીધું જ પરિણામ હોતું નથી. ‘જિંદગી અને મૃત્યુનું ચક્ર’ નામના પુસ્તકના લેખક ફિલિપ કેપલેવે એક દષ્ટાંત આપ્યું છે. માનો કે એક માણસ રસ્તા ઉપર ચાલ્યો જાય છે. સખત પવન ફૂંકાય છે અને તેની ઉપર ઝાડની એક ડાળી તૂટી પડે છે. એમાં એ માણસનો દોષ શું ? કોઈ કહે તે પવન ફૂંકાતો હતો અને ઘરની બહાર નીકળ્યો અને તેથી તેટલા પૂરતી તેની જવાબદારી, પણ માણસ કંઈ આવો વિચાર કરીને પોતાના ઘરમાં પુરાઈને રહી ન શકે. કોઈ કહે કે તેના ગતજન્મના કોઈક કર્મનું તેને ફળ મળ્યું. આમ જુઓ તો અકસ્માત બનવાનું કારણ તો ફૂંકાતો પવન અને ઝાડની નબળી ડાળ જ છે, પણ તેનું પરિણામ એક નિર્દોષ માણસને ભોગવવું પડે છે. પણ માણસ એમ વિચારી શકે કે આવું તો બની જ શકે છે. માણસ પોતાના ઘરમાં બેઠો હોય અને તેની ઉપર કોઈક વજનદાર વસ્તુ પડે તેવું બની શકે છે. આમાં પૂર્વજન્મના કર્મ માટે અફસોસ કરીને દુઃખી થવાની જરૂર નથી. જિંદગીની આવી અચાનકતાઓને પહોંચી વળવાની, સહી લેવાની શારીરિક, માનસિક સુસજ્જતા માણસે કેળવવી જ જોઈએ.
ટૂંકમાં કર્મના સિદ્ધાંતને અફર ભાગ્ય કે અફર નિયતિરૂપે જોવાની જરૂર નથી. માણસ પોતાની સ્વતંત્ર ઈચ્છાશક્તિ અને વિવેકબુદ્ધિનો ઉપયોગ કરીને પુરુષાર્થ વડે ભાગ્ય તથા સંજોગોને બદલી શકે છે. ભલે પૂર્વજન્મનાં કર્મોનાં ફળ ભોગવવાં પડે, પણ માણસ સાથેસાથે આ જન્મમાં પુરુષાર્થ વડે, પોતાની સુસજ્જતા વધારીને પોતાના જીવનની દિશા બદલી શકે છે અને ખરાબ ફળને ઓછું કરી શકે છે.

No comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.