Saturday, January 5, 2013

યે કહાં આ ગયે હમ ?–કામીની સંધવી

કાલીદાસે આજથી સદીઓ પહેલાં ભારતીય લોકો માટે કહ્યું હતું, ‘ઉત્સવ પ્રીય જના:’ પણ આજના સમાજની ઉત્સવઘેલછા જોઈને કહેવાનું મન થાય કે આપણે ‘ઉત્સવપ્રીય જના:’ને બદલે ‘કોલાહલપ્રીય જના:’(ઘોંઘાટ જેને પ્રીય છે તેવી પ્રજા) થઈ ગયા છીએ. આપણે ‘માનસીક રોગથી પીડાતા સમાજ’ તરફ ગતી કરી રહ્યા છે. એક એવો સમાજ, જે ઘોંઘાટ કરવાની વૃતીને પ્રોત્સાહન આપે, ધર્મને નામે નીયમો તોડવા તેને પોતાનો અબાધીત અધીકાર સમજે, જાહેરમાં ટ્રાફીક જામ કરી, રસ્તાઓ રોકી, હજારો લોકોનો સમય વેડફે, તેને જ પોતાનો ધાર્મીક ઉત્સવ માને, તે પ્રજાને માનસીક રોગી નહીં તો શું કહીશું ?
પહેલાંના સમયમાં બાળક શાન્તીથી ઉંઘ્યા કરે તે માટે તેને ‘બાળાગોળી’ પીવડાવવામાં આવતી. જેમાં વધારે માત્રામાં અફીણ રહેતું. બાળક ઉંઘ્યા કરે અને માતા પોતાના કામમાં વ્યસ્ત રહે. આપણા આજના તહેવારો પણ સમાજને બાળાગોળી પીવડાવીને કેફમાં રાખવાનું કામ કરે છે. તમને નથી લાગતું કે એક નજર આપણે આપણાં હૃદયમાં કરવાની જરુર છે ? શા માટે આપણને આપણા તહેવારો ઘોંઘાટથી ઉજવવાનું ઝનુન ઉપડ્યું છે ?
તો તમે કહેશો કે ભાઈ આજના જમાનામાં મોંઘવારીએ માઝા મુકી છે, નેતાઓ ભ્રષ્ટ થઈ ગયા છે, ભ્રષ્ટાચારે અજગરની જેમ પુરા સમાજને ભરડામાં લીધો છે. સારી નોકરી મળવી મુશ્કેલ થઈ ગઈ છે. સામાન્ય માનવી માટે મનોરંજનનાં સાધન પણ મોંઘાં થઈ ગયાં છે. આમ આદમી માટે તો રોટલો અને ઓટલો મેળવવાની મથામણમાં જ જીવન પુરું થઈ જાય તેવા ઘાટ છે. વળી સમાજમાં કોઈ એવી વ્યક્તી નથી કે જેને તમે રોલ–મૉડલ માની જીવનનો રાહ પસંદ કરી શકો. એટલે આપણા તહેવારો આપણા માટે બાળાગોળીનું કામ કરે છે. બસ, ઉત્સવના ઘેનમાં મસ્ત થઈને ઝુમ્યા કરો ! ભલેને તમારી મસ્તીથી બીજા  ત્રસ્ત થાય કે કોઈની ઉંઘ હરામ થાય ! મારે શું ? આ ‘મારે શું’ની વૃત્તી જોર પકડતી જાય છે. હવે ‘મારે શું’ની વૃત્તી સાથે એક બીજી લાગણી પણ જોર પકડતી જાય છે તે છે : ‘ઉસકી સાડી સે મેરી સાડી સફેદ ક્યું ?’ બસ, એટલે તહેવારોમાં ઝાકમઝોળ વધી છે. બાજુની ગલીવાળા પાંચ ફુટની ઉંચી મુર્તી લાવ્યા તો આપણે દસ ફુટ ઉંચી મુર્તી લાવીએ. હેં ! આપણે કાંઈ તેમના કરતા નીચા છીએ ? આ લાગણી ગણપતીની સ્થાપનાથી લઈને વીસર્જન, પ્રસાદ, આરતી સુધી લંબાય છે. અને માત્ર ગણપતી મહોત્સવ નહીં; પણ આ દેખાદેખી દરેક ઉત્સવમાં જોવા મળે છે. આપણી સોસાયટી, આપણા મહોલ્લાનો વટ પડવો જોઈએ. એટલે પહેલાં શ્રીજીના વીસર્જન સમયે ફટાકડા ફુટતા કે બેન્ડવાજાં વાગતાં. હવે તો શ્રીજીની પધરામણીથી લઈને વીસર્જન સુધી સતત ધુમ ધડાકા ! સરવાળે વધુ ફાળો ઉઘરાવો. હવે ગણપતીના સ્થાપનની આસપાસ દસ દીવસ હીન્દી–અંગ્રેજી ગીતો વાગે કે પત્તાં રમાય કે દારુ પીવાય તેની કોઈને નવાઈ રહી નથી. એક બે સાચા બનેલા પ્રસંગ તમારી સાથે શેર કરું :
નવા નવા સુરતમાં અમે રહેવા આવેલાં. ઘરે મહેમાન અને તેમને હું રહું તે વીસ્તાર અડાજણથી દસ બાર કીલોમીટર દુર રાતે બસમાં બેસાડવા જવાનું. એટલે અમે બે કલાકનો માર્જીન રાખી ઘરેથી નીકળ્યા. પણ સુરતના ચોક વીસ્તારમાં પહોંચ્યા તો ટ્રાફીક જામ ! કારણ, છડી નોમ(જન્માષ્ટમી પછીની નોમ) નું સરઘસ નીકળ્યું હતું. લોકો નાચતાં–ગાતાં હતાં અને અમારો જીવ પડીકે બંધાયો. સમયસર નહીં પહોંચીએ તો બસ ઉપડી જાય. એક કલાકમાં અમારી ગાડી માંડ અડધો કીલોમીટર ચાલી હશે. હવે ? ટ્રાવેલવાળાને ફોન કર્યો તો તે ‘નો રીપ્લાય.’ નીરુપાયે ગાડીમાં બેઠાં બેઠાં કૃષ્ણને યાચના કરી, ‘ભાઈ, તારા જન્મદીવસની ઉજવણી થઈ ગઈ હોય તો હવે અમારા વીશે કંઈ વીચાર !’ છેવટે રસ્તો ક્લીયર થયો. ટ્રાવેલ ઓફીસે પહોંચ્યા તો ખબર પડી કે હમણાં જ તમારી રાહ જોઈને બસ ઉપડી છે. અમે પુછ્યું કે તમે ફોન કેમ ન ઉપાડયો અમે ટ્રાફીકમાં ફસાયા છીએ તે જાણ કરવા માટે ફોન કરેલો. તો ટ્રાવેલવાળા ભાઈ કહે, ‘અમે તો છડી નોમનું સરઘસ નીકળ્યું તે જોવા ગયા હતા !’ હે કૃષ્ણ ? અમે રસ્તો અને બસનો નંબર પુછી ગાડી દોડાવી. આગળ જઈ બસને આંતરી મહેમાનને ચાલુ ગાડીએ ચડાવ્યા ત્યારે હાશ થઈ !
એક બીજો પ્રસંગ. અમારા બીલ્ડીંગમાં પહેલે માળે રહેતા એક પડોશીને ત્યાં દીકરીનો જન્મ થયો હતો એટલે એક દીવસ હું તેમને મળવા ગઈ. તો નવાજાત શીશુ સાથે મા કશે જવાની તૈયારી કરતા નજરે પડી. મેં તેમને જણાવ્યું કે હું તો તમને મળવા આવી હતી કશે જતા હો તો હું પછી મળવા આવીશ. તે સદ્ય મા બનેલી સ્ત્રીએ કહ્યું, ‘હું તો બાજુના ઘરમાં જ કલાક બેસવા જાઉં છું તમે પણ આવો.’ મને નવાઈ લાગી : આ સુવાવડી સ્ત્રી, બાજુવાળાના ઘરમાં કેમ જતી હશે ? હું પણ તેની સાથે ગઈ. અમે બન્ને ઘરમાં ગયાં તેવા જ ઘરમાલીકને નવજાત શીશુની માતાએ બારી બારણાં બંધ કરવા કહ્યું. મને થયું આ બાળકને કશું થયું હશે ? હું કશું પુછું ત્યાં તો નીચે ગણેશમંડપમાંથી ઢોલ–નગારાંના ઘોર ત્રાસદાયક અવાજ આવવા લાગ્યા. પેલી નવમાતાએ કહ્યું, ‘મારું બાળક અધુરા મહીને જનમ્યું છે એટલે ડૉકટરે તેની વધારે કાળજી લેવાનું કહ્યું છે. અમુક ડેસીબલ કરતાં વધારે અવાજથી તેને કદાચ કાયમી બહેરાશ આવી શકે. અને અમારા ઘરની નીચે જ સોસાયટીના ગણપતીનું સ્થાપન થયું છે.’ એક સુવાવડી સ્ત્રીએ ખુદના ઘરનો આરામદાયક ખાટલો છોડી બાજુવાળાના ઘરમાં આશરો લેવો પડે તેવી પરીસ્થીતીનું સર્જન તે આપણા તહેવારોની ઉજવણીની ફલશ્રુતી? તો હવે આ સમાજ રુગ્ણ–બીમાર છે તેવું કહેવામાં છોછ શું કામ?
કોઈ આ ‘ઘોંઘાટ–કલ્ચર’નો વીરોધ કરે તો આપણે તેને કાફીર કે નાસ્તીકનું લેબલ લગાડવામાં અચકાતા નથી. કારણ આપણે નાના બાળકના મનમાં પણ અવાજ કરવો, ઘોંઘાટ કરવો તે જ ધાર્મીકતા છે તેવું નાનપણથી જ ઘુસાડી દઈએ છીએ. અમારા સુરતમાં હજુ માંડ માંડ ચાલતાં શીખેલા બાળકના હાથમાં દાંડી અને ગળામાં ઢોલ તમને ગણેશમહોત્સવમાં જોવા મળે. હવે આ બાળક મોટું થઈને શહેરના રસ્તા પર ઉત્સવ સમયે ટ્રાફીક જામ કરી ડીસ્કો કરતું નજરે પડે તો નવાઈ શી ?
પશ્ચીમના ખુલ્લા વાતાવરણમાં ઉછરેલાં બાળકો યુવાનવયે કહેવાતી સ્વતંત્રતા અને એકલતાથી પીડાતાં હતાં, જેને કારણે તેઓ નશાને રવાડે ચડ્યા હતા. બસ, આપણો સમાજ આજે તેવી જ માનસીકતાથી પીડાઈ રહ્યો. દરેક તહેવાર વધારેમાં વધારે ઘોંઘાટ કરી ઉજવો તો જ આપણે ધાર્મીક ? શાન્તીથી કોઈ તહેવારની ઉજવણી કરીએ તો આપણે અધાર્મીક ? સમાજ આખો, આમ આદમીની મુશ્કેલી ભુલી બસ, ઉત્સવની ઉજવણીરુપી નશાના કેફમાં મસ્ત છે ! સીત્તેર–એંસીના દાયકામાં પશ્ચીમના દેશોમાં એક ‘હીપ્પી’ જમાત ફુલીફાલી હતી. જે અફીણ કે ગાંજાનો નશો કરી પોતાની દુનીયામાં મસ્ત રહેતી. જેનું નીરુપણ આપણી ઘણી બધી હીન્દી ફીલ્મોમાં થયું છે. તે માનસીકતા રજુ કરતું એક ગીત આપણી આજની માનસીકતા સાથે બરાબર બંધ બેસે છે.. ‘દમ મારો દમ મીટ જાયે ગમ, બોલો સુબહ–શામ હરે ક્રીષ્ના હરે રામ !’  રામ અને કૃષ્ણના નામે આપણે ઘોંઘાટ રુપી પથ્થરો તરાવવા નીકળ્યા છીએ. યે આગ કબ બુઝેગી ? રામ જાણે !
–કામીની સંધવી
અક્ષરાંકન: ગોવીન્દ મારુ
પ્રુફવાચન સૌજન્ય: ઉત્તમ ગજ્જર 

No comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.