Tuesday, February 26, 2013

આપણી શક્તિનો અંદાજ અન્યને હોય છે એટલો આપણને નથી હોતો…– રમેશ ઠક્કર

.
‘તમે મારું નામ આપજો ને, એને ત્યાંથી જ એ વસ્તુ મળી જશે…’
‘મેં તમારો સંદર્ભ આપ્યો, વાત પણ કરી છે પરંતુ એમનું કહેવું છે કે આ પ્રકારની ડાયરી હવે મળતી જ નથી.’
‘એવું નથી. એની દુકાનમાં ડાબી બાજુએ કબાટ છે. એમાં નીચેના ભાગે આવી ઘણીબધી ડાયરી પડેલી હોય છે.’ ખાત્રી આપનાર વ્યક્તિ આત્મવિશ્વાસપૂર્વક કહી રહી હતી. સામાપક્ષે જેની દુકાનેથી આ વસ્તુ લેવાની હતી, એ માણસ મક્કમતાથી કહી રહ્યો હતો કે મારી પાસે શું છે એની ખબર મને ના હોય ?
વાત આગળ ચાલી અને સાચે જ આશ્ચર્યજનક રીતે માહિતી આપનાર વ્યક્તિની શ્રદ્ધા સાચી પડી હતી. દુકાનદારને ભોંઠપનો અનુભવ થયો હોય એવું લાગ્યું. પરંતુ એણે એ પણ સ્વીકાર્યું કે ખરેખર પોતાની પાસે રાખેલી વેચાણ માટેની વસ્તુની પોતાને જ ખબર ના હોય એ વાત વેપારી માટે તો બરાબર ના ગણાય. આ પ્રસંગમાં આમ જોઈએ તો ઘણી બાબતો પ્રતિબિંબિત થાય છે. પરંતુ મહત્વની બાબત એ છે કે માણસ આર્થિક વ્યવહારો સાથેના વ્યવહારમાં અને બજાર વચ્ચે બેઠો હોવા છતાં પણ પોતાની શક્તિઓ કે સંપત્તિ બાબતે એને પર્યાપ્ત જાણકારી નથી. સામાપક્ષે એક અજાણ્યો મધ્યસ્થી કે ક્યારેક જ એક ગ્રાહક તરીકે એની દુકાન ઉપર જાય છે. એ એની અવલોકનશક્તિ કે યાદશક્તિથી જાણી શકે છે કે એ વ્યક્તિ પાસે શું વસ્તુ છે, ક્યા પ્રકારની આવડત છે.
આમાં કશું જ નવિનતાપ્રેરક અથવા તો આશ્ચર્યજનક નથી. કેમ કે આપણે સહુ મોટા ભાગે ચીલાચાલુ કે ગતાનુગતિક કહી શકાય એ રીતે જીવન વ્યવહાર કરવા ટેવાયેલા હોઈએ છીએ. આપણા પ્રતિભાવો કે આપણા પ્રત્યુત્તરોમાં મોટાભાગે રૂટીન પ્રકારના ઉદ્દગારો પ્રગટ થઈ જતાં હોય છે. જેમ ઘણી બાબતે આપણે ટેવવશ કરતા હોઈએ છીએ એમ જિંદગી પણ જાણે કે ટેવવશ જીવતા હોઈએ એવું એમાં વ્યક્ત થતું હોય છે. આવું બનવાનું કારણ ઘણીવાર કેવળ આપણો દષ્ટિકોણ હોય છે. આપણે પરંપરાગત આવડતથી કે ઘણી વખત મિથ્યા પ્રકારના આપણા મનોભાવોથી કોઈપણ ઘટના કે પ્રસંગને તેના અંતરંગ સ્વરૂપમાં જોઈ શકતા નથી. પરિણામે સામાન્ય લાગતી ઘટના કે બાબતની ઊંડાઈ કે તેના આંતરિક પ્રવાહોનો અંદાજ મેળવવામાં આપણે થાપ ખાઈ જતાં હોવાનું બહાર આવે છે. આ માટેનું જવાબદાર કારણ એ આપણી યાંત્રિક પ્રકારની જીવનશૈલી ગણી શકાય. આજના જમાનામાં માણસ એટલું બધું ઝડપી અને ઉપરચોટીંયું જીવે છે કે પોતે જ પોતાનાથી જાણે અપરિચિત હોય એવું લાગે. આ પરિસ્થિતિમાં પોતાની આવડત, પોતાનું સામર્થ્ય કે પોતાની પાસેની કિંમતી કે ઉપયોગી વસ્તુની જાણકારી તેની પાસે હોતી નથી. અને ઘણીવાર આપણને એવું લાગે છે કે મારી વિશિષ્ટતાઓ વિશે મારા પરિચિતોને જેટલી ખબર હોય, એટલી જાણે મને ખબર હોતી નથી.
આમાં કશું છુપાવવા જેવું નથી. પ્રસ્તુત પ્રસંગમાં વેપારી મિત્રને પણ એવું લાગ્યું કે સ્પર્ધાત્મક બજારમાં બેસીને પણ પોતાની પાસે શું વસ્તુ છે એની જાણકારી ન હોઈને એ એક વેપારી તરીકે મર્યાદા જરૂર છે, પરંતુ એવું થવું અસ્વાભાવિક નથી. એની પાછળ ઘણા વાજબી કારણો પણ હોઈ શકે છે. પરંતુ આ પ્રસંગમાંથી જે બાબત શીખવા મળે છે એ તમામ સ્તરની વ્યક્તિઓને લાગુ પડે છે. આપણી શક્તિઓ વિશે ઘણીવાર આપણી પાસે જ ખોટો અંદાજ હોય છે.
‘હું આમ ના કરી શકું…..’
‘મારાથી આટલી ઉંમરે આવું કઈ રીતે થાય ?’
‘ગામડામાં રહીને હું શું કરી શકું ?’
પોતાની જાત માટેના આવા ઘણા અવતરણો મોજૂદ હોય છે. પરંતુ એ તમામ માટે મહર્ષિ અરવિંદે કહ્યું છે એ મુજબ ‘જગતના ઉત્તમમાં ઉત્તમ માણસો પણ પોતાને મળેલી શક્તિમાંથી ફક્ત બે-પાંચ ટકા શક્તિનો જ ઉપયોગ કરી શકે છે.’ – એ વિધાનમાંથી આશ્વાસન મેળવી શકાય. ચંદ્રગુપ્ત નામના યુવાનમાં ભારતના સૌપ્રથમ સમ્રાટ બનવાની શક્તિઓ પડેલી છે, એવું ચાણક્ય નામનો શિક્ષક જ કહી શકે. અને ધનનંદ જેવા લોખંડી શાસક સામે એક છોકરડા જેવા લાગતા યુવાનના સહારે એ જંગ માંડે અને પોતાના પ્રચંડ મનોબળ અને પુરુષાર્થથી એ વસ્તુને સાકાર કરી શકે એ ઘટના જ કેટલી ભવ્ય છે. મોહનદાસ નામના બેરિસ્ટરને પોલોક નામનો અંગ્રેજી મિત્ર એક નાનકડું પુસ્તક ટ્રેઈનની મુસાફરીમાં ટાઈમપાસ કરવા આપે છે એનું નામ છે ‘અન ટુ ધિસ લાસ્ટ’ અને લેખક છે જહોન રસ્કિન. દક્ષિણ આફ્રિકામાં ટ્રેનની એકાંકી મુસાફરી દરમ્યાન આ પુસ્તકનું વાંચન મોહનદાસ ને મહાત્મા બનાવનાર મહત્વનું સીમાચિન્હ બની જાય છે. આ પુસ્તકની તીવ્ર અસર હેઠળ જ આખી ‘સર્વોદય’ની વિચારધારા આવી અને ગાંધીને દરિદ્રનારાયણની સેવાનો માર્ગ મળ્યો.
કોઈ મિત્ર પ્રેયસી કે ગુરુ અથવા તો ઉપહાસ કરનાર વ્યક્તિની નાની ટકોર કે પ્રેરણાના પ્રતિભાવ જગતને કોઈક નવી શોધ, નવું પુસ્તક કે મહાપુરુષ આપનારા સાબિત થયાં છે. ભાભીની ટકોર અને ઉપહાસ થકી નરસિંહનું મન કૃષ્ણમય બન્યું અને એક યુગપ્રવર્તક કવિ ગુજરાતી ભાષાને મળ્યો, જેણે લખ્યું : ‘પ્રેમરસ પાને તું મોરના પિચ્છધર, તત્વનું ટીપણું તુચ્છ લાગે…’ ઘણી વખત કોઈ આપણને કહે કે ‘આ તમારું કામ નહીં, આ તમે નહીં કરી શકો….’ ત્યારે એ વખતે આપણે બમણા વેગથી કાર્યરત થઈ જતા હોઈએ છીએ અને અણધારી સફળતા કે વિજય પ્રાપ્ત કરતા હોઈએ છીએ. આનો અર્થ એવો પણ નથી કે આપણે કોઈકની ટકોરથી તાત્કાલિક ઉશ્કેરાઈ જવું અથવા તો જે બાબતમાં આપણી શક્તિ કે આવડત ના હોય એમાં અચાનક ધસી જવું. આપણી પાસે શું શક્તિઓ છે, આપણો પરિવેશ, આપણું બેકગ્રાઉન્ડ, આપણી શારીરિક મર્યાદા – એ બધાનું આકલન પણ જરૂરી બની જાય છે. ટૂંકમાં, આ તમામ બાબતે સંયમિત અને વિવેકબુદ્ધિથી આગળ વધવાની બાબત પણ એટલી જ મહત્વની બની જતી હોય છે. આમ, છતાં માનવમનની અગાધ શક્તિઓ અને મનુષ્યના અસ્તિત્વના અમાપ અંદાજનો જે નૈસર્ગિક વારસો આપણને મળેલો હોય છે, એમાં આપણે લઘુતા કે દયનીયભાવો અનુભવવાની જરૂર ક્યારેય રહેતી નથી. આપણી આવડતનો અંદાજ અન્ય લોકોને હોય છે, એટલો કદાચ સ્વયમને હોતો નથી. આ બાબતની સમજણ ના હોવાના કારણે મોહનમાંથી મહાત્મા બનવાની ઘટનાઓ જવલ્લે જ આકાર લેતી હોય છે.

No comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.