Friday, March 8, 2013

પદયાત્રાએ જાવ છો ?

 મારે ભદરપાડા (સાપુતારા જતાં આવતું ગામ) જવાનું થયું. આખે રસ્તે સાંઈભક્તો પગપાળા શીરડી જતા હતા. એક તો ચીખલી–સાપુતારાનો રસ્તો ભયંકર ખરાબ – એટલો ખરાબ કે રાજયની સ્વર્ણીમ જયંતી ઉજવનારા શાસક પ્રત્યે માન હોવા છતાં એમ થાય કે ઉજવણીઓ બન્ધ કરી નક્કર કામ થાય તો સારું. અમીતાભ બચ્ચનને એમ્બેસેડર બનાવવા કરતાં માળખાકીય સુવીધાઓ: રસ્તા, હોટલ, ખોરાક, વ્યવસ્થા તથા સર્વીસ બરાબર હોય તો લોકો એની મેળે ફરવા જશે.

હવે સાંઈભક્તોની કેટલીક વાત. સૌ પ્રથમ તો બાધા રાખવી – માનતા માનવી એના જેવી ફાલતુ વાત બીજી એકે નથી. જો ઈશ્વરને માનતા હો તો એને બધું સોપી દો. ઈશ્વરમાં શ્રદ્ધા હોય તો એને એનું કામ કરવા દો. લોકોને તો અહીં પણ લાંચ આપવાની ટેવ પડી ગઈ છે. તમે ફકત તમારું કામ  નીષ્ઠાપુર્વક કરો. એજ પુજા છે. બીજું, આ પગપાળા પ્રવાસ લગભગ 9 દીવસનો હોય છે – એટલે આ બધા દીવસો કામ પર રજા પાડીને જતા હો છો એટલે માનવશકતી – માનવ–કલાકનો બગાડ છે. હવે 350 કી.મી. ચાલીને જવું – એ કંઈ ખાવાના ખેલ નથી.

રસ્તામાં ચાલતાં ચાલતાં તમે પ્લાસ્ટીકના પાઉચ, બાટલીઓ ફેંકતા જાવ એ થયો પર્યાવરણનો અનાદર– અને પર્યાવરણનો અનાદર એટલે ઈશ્વરનું અપમાન.

આવી યાત્રા તો અન્ધશ્રદ્ધા છે. છતાં તમે એ રીતે જવા માંગતા હો તો આખી યાત્રાને પર્યાવરણ સાથે જોડો– ઝાડપાન, પશુપંખી, કુદરતને જોતા જાવ, એ અંગે માહીતગાર થતા જાવ. તમે પાછા ફરો તો સાંઈબાબાને ઓળખો કે ન ઓળખો – કુદરતને તો જરુર ઓળખતા થશો.

જો તમારે ચાલતાં જવું જ હોય તો તે અંગેની તૈયારી માટેની કેટલીક ટીપ્સ આપી એક ડૉક્ટર તરીકેની મારી ફરજ નીભાવું. લામ્બું ચાલવાની તૈયારી રુપે (૧) મહીના પહેલાં ચાલવાનું ચાલુ કરો. (૨) જે બુટ પહેરીને જવાના છો તે જ પહેરીને ચાલવાનું શરુ કરો જેથી બુટ માફક આવે. (૩) ખુલ્લા પગે કે ચંપલ પહેરી મહેરબાની કરી ચાલવા ન જશો. (૪) મોજાંની અંદર પાવડર નાંખો – જ્યાં આરામ કરવા બેસો ત્યાં મોજાં કાઢો – મોજાં સુકવવા મુકો – પગની થોડી કસરત કરો. (૫) બુટની પાછળ કે ટોપીની પાછળ કે જાકીટની પાછળ રેડીયમ લગાડો જેથી વહેલી સવારે કે સાંજે અન્ધારામાં અકસ્માત થતો નીવારી શકાય. (૬) એક સરખી ઝડપે ચાલો, વારેઘડીએ અટકો નહીં; થાક લાગે તો બે પગ પહોળા કરી વાંકાવળી ઉંડા શ્વાસ લઈ ફરી ચાલવા માંડો. (૭) ચાલતા હો ત્યારે કપડાં ઓછાં હશે તો ચાલશે; પણ જેવું આરામ કરવાનું સ્થળ આવે કે જેકેટ પહેરી લો. (૮) નાની સરખી ઈજાને પણ ગૌણ ન ગણો એનું ડ્રેસીંગ કરી લો. (૯) પાણી પીતાં રહેવું, ખાંડ–મીઠું–લીંબુંનું શરબત થોડું થોડું પીતાં રહેવું. (૧૦) રાત્રે સુતી વખતે એકાદી સાદી દુ:ખાવાની ગોળી લઈ લેવાથી સ્નાયુ તાજા રહે છે.

ડૉ. રાજન શેઠજી

અક્ષરાંકન: ગોવીન્દ મારુ

 

No comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.