Sunday, May 5, 2013

અંધશ્રદ્ધાની હોળીમાં વહેમનાં છાણાં-જયકુમાર દમણીયા : ‘Bન્દાસ’

‘એલાવ, સાસુજી ! તમારી દીકરીને આજે સુરત મોકલો.’ જમાઈએ ફોન કર્યો.

‘જમાઈરાજ ! આજે મારી દીકરીને સાસરે નહીં મોકલું કેમ કે આવતીકાલે જ ભડભડતી સામી હોળી છે. એટલે રસ્તામાં નદીનાળાં ખાબોચીયાં ઓળંગાય નહીં.’

‘તો પછી ક્યારે મોકલશો ?’

‘રંગપંચમી પછી મોકલીશ કેમ કે હોળાષ્ટકથી રંગપંચમી સુધી કોઈપણ શુભકાર્યો થતાં નથી.’

‘કેમ ? તમારી દીકરીને સાસરે વળાવવી એ અશુભ કાર્ય ગણાય ? ’

‘કેમ કે ધારો કે હું મારી દીકરીને સુરત મોકલું અને રસ્તામાં ન કરે નારાયણ કાંઈક અશુભ થઈ જાય તો ?’

‘મારે પણ એ જ જોવું છે કે તમારી દીકરીને શું થાય છે ?’

‘તમે તો બધા ખતરાવાળા અખતરા, મારી દીકરી પર જ કરવા ઈચ્છો છો ને ? તમારે શું ?’

‘સાસુજી ! હું તમને પુછું છું કે તમારી દીકરીને  સાસરે સીધાવતાં જ બુધવાર, અમાસ, હોળી, નદીનાળાં, ખાબોચીયાં જ કેમ નડે છે ? પીયર આવતા આ બધાં નડતરો કેમ નડતાં નથી ?

‘એ તો જાણે મારી બલા ! પણ વર્ષોથી આવો (કુ)રીવાજ ચાલ્યો આવતો હોવાથી, હું એને નહીં મોકલી શકું. મારી બા પણ મને સાસરે મોકલતાં નહોતાં.’

‘ધારો કે સાસુજી ! તમારી દીકરી ભડભડતી હોળીને દીવસે જ, દીકરો કે દીકરીને જન્મ આપે તો શું કરો ?’

‘આપણા હાથની વાત થોડી છે ? એ તો ધાર્યું ધણીનું જ થાય છે !’

‘તમે તમારી દીકરીના ધણીનું ધાર્યું ક્યાં થવા દો છો ? આજે તો ધાર્યું ધણીનું; પણ ધણીપણું જ ક્યાં થાય છે ! મારા સસરાજીનું પણ ક્યાં તમે ધાર્યું થવા દો છો !’

તમે જમાઈ છો એટલે વ્યંગમાં બોલો છો; પણ હું તમારી પત્નીને મોકલવાની નથી’

‘સાસુજી ! ધાર્યું ધણીનું યાને ભગવાનનું જો થતું હોય તો પછી મારી પત્નીને સાસરે પધારતાં રસ્તામાં શું નડવાનું હતું? તમારા દીલમાં પ્રગટેલી અંધશ્રદ્ધાની હોળીમાં, વહેમનાં છાણાં– પરાળ નાંખીને, એને શું કામ વધુ ભડભડતી કરો છો ? અને એમાં મને શું કામ હોળીનું નાળીયેર બનાવો છો ? ધારો કે સાસુજી, મારા ઘરમાં હોળીથી રંગપંચમીના દીવસોમાં કોઈ ઈમરજન્સી આવે અથવા કાંઈક અશુભ બને તો તમે તમારી દીકરીને મારે ઘરે મોકલો કે નહીં !’

‘તો.. તો.. મારી દીકરીને મોકલવી જ પડે ને ? અને એની સાથે મારેય ઘસડાવું પડે ને !?’

‘ધારો કે મારી બા, મને ના મોકલે તો હું જ જાતે સાસરે દોડી જાઉં નહીંતર આપણી વચ્ચે વીના અગ્નીએ મનભેદની હોળી ભડભડે જે કદાપી ઠરતી નથી !’ પત્નીએ સાંસારીક હોળી મહાત્મ્ય સમજાવતાં કહ્યું.

અક્ષરાંકન:ગોવીન્દ મારુ
 

No comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.