Wednesday, May 1, 2013

નાસ્તીક લોકો જ વધુ પુણ્યશાળી ગણાય– રોહીત શાહ



 એક વાત તો તમારે માનવી જ પડશે બૉસ, કે આ જગતને નાસ્તીક લોકો કરતાં આસ્તીક લોકો વધારે ત્રાસ આપે છે – વધુ નુકસાન કરાવે છે.
પહેલી વાત તો એ કે નાસ્તીક લોકો ધર્મના નામે ઝનુની-આક્રમક નથી બનતા. ઈશ્વર-અલ્લાહના નામે પરસ્પરની હીંસા નથી કરતા. નાસ્તીક લોકો પરસ્પરનાં ધર્મસ્થાનકો તોડી પાડવા નથી જતા કે તેઓ કદીયે અન્ય ધર્મના લોકોનું ઈન્સલ્ટ/અપમાન કે અનાદર નથી કરતા. એ બધું તો આસ્તીક લોકોને જ પરવડે. અહીંસા અને ભાઈચારાનો ઉપદેશ ચરક્યા કરતા અને કહેવાતા ધર્મગુરુઓ સ્વયં પંથભેદ-સંપ્રદાયભેદ પેદા કરીને વૈમનસ્યના અગ્નીમાં નફરતનું ઈંધણ પુરતા રહે છે. જો સૌ સંપીને રહેવા માંડે, સૌ પરસ્પરને સહયોગ આપીને સ્નેહસભર વ્યવહાર કરવા માંડે તો ધર્મગુરુઓની પછી કશી જરુર જ ન રહેને. ધર્મગુરુઓ પોતાનું અસ્તીત્વ ટકાવી રાખવા અને પોતાનો પ્રભાવ પુરવાર કરવા ભક્તોને ભરમાવે છે – ભટકાવે છે. મારું સ્પષ્ટ મન્તવ્ય છે કે જો ધર્મગુરુઓ ન હોય તો સંસારમાં ધર્મના નામે થતા અત્યાચારો, ભેદભાવો અને ટકરામણો સદન્તર બન્ધ થઈ જાય.
નાસ્તીક લોકો કદી બીજાને નડતા નથી એ વાતનો વધારે એક પુરાવો એ પણ છે કે વહેલી સવારે કે મોડી રાત સુધી લાઉડસ્પીકર દ્વારા ભજનો-ભક્તીગીતોની ઉલટીઓ કરીને તેઓ કોઈને પજવતા નથી. આસ્તીક લોકો કદીયે એટલું નથી સમજતા કે સાચી ભક્તી તો હૃદયમાં અને મનમાં જ થાય. લાઉડસ્પીકરમાં તો માત્ર પ્રદર્શન થાય, માત્ર દમ્ભ અને દેખાડો થાય. આપણને ભક્તીનું ભુત વળગ્યું છે એની જાહેરમાં અભીવ્યક્તી કરવા માટે લાઉડસ્પીકર જરુરી ખરી, ખાસ પ્રકારની વેશભુષા, માળાઓ અને ટીલા-ટપકાં પણ જરુરી છે. બાકી શુદ્ધ હૈયે હરીસ્મરણ જ કરવું હોય તો આ બધાં તુત કરવાની શી આવશ્યકતા છે ? તમે જોજો, જ્યાં ભજન અને ભક્તીના ઉભરાનાં ભવ્યાતીભવ્ય ભપકા-પ્રદર્શનો થતાં હશે ત્યાં ઘોંઘાટ અને અશાન્તી અને ધક્કામુક્કી વ્યાપક જ હશે. આપણને જે રસ્તો અહીં પણ શાન્તી અને સલામતી નથી આપતો એ રસ્તો આપણો પરલોક સુધારી નાખશે એવી ભ્રાન્તીમાં જે ભોટને આળોટવું હોય તે ભલે આળોટે. આવા છીછરા લોકોને ભક્તીના નામનો એવો નશો ચઢેલો હોય છે કે, તમે જો તેમના જેવું બીહેવીયર ન કરો તો તમે અજ્ઞાની અને પાપીમાં ખપી જાવ. તમે પ્રસાદ લેવાની ના પાડો, તમે ખાસ પ્રકારના ક્રીયાકાંડ ન કરો તો તેમના ઈશ્વરનું એમાં ઈન્સલ્ટ/અપમાન થઈ જાય. તે લોકો ગળાં ફાડી-ફાડીને આપણને ઉંઘવા ન દે તો તેમનો ઈશ્વર કેમ ક્રોધીત નહીં થતો હોય ?
ઘણા લોકો એવું માને છે કે લાઉડસ્પીકરમાં ભક્તી કરવાથી ઘણા લોકોના કાન સુધી ભગવાનનું નામ પહોંચાડવાનું પુણ્ય મળે છે. અલ્યા મુરખ, પહેલી વાત તો એ છે કે કોઈને પરાણે કોઈ કામ કરવા મજબુર કરીએ તો એ બળાત્કાર કહેવાય. એ પાપકૃત્ય કહેવાય. કોઈ વ્યભીચારી વ્યક્તી એમ કહે કે હું ફલાણી વ્યક્તીને માતા બનાવવાના હેતુથી તેની સાથે પરાણે સેક્સ કરીશ, તો શું એ વાજબી ગણાશે ? માતા બનવું એ સ્ત્રીનું પુર્ણત્વ છે, સદ્ ભાગ્ય છે… પણ એ કંઈ બળાત્કારથી તો ન બનાવાયને ! વળી તમે જે સ્થળેથી લાઉડસ્પીકરમાં તમારી ભક્તી ઉલેચી રહ્યા છો એ સ્થળની આસપાસમાં અન્ય ધર્મ-સમ્પ્રદાયના લોકો વસે છે તો તેમને તમારા ભગવાનમાં શેનો રસ પડે ? તેમની પાસે તેમના આગવા ભગવાન છે, તેમનાં આગવાં દેવ-દેવીઓ છે.
નાસ્તીક લોકો મને હમ્મેશાં વધારે ગમે છે એનું એક કારણ એ પણ છે કે નાસ્તીક માણસ કદી બીજા આસ્તીક માણસને નાસ્તીક બનાવવા નથી ઝંખતો. આસ્તીક માણસો ધર્મના સેલ્સમેન જેવા બની જાય છે અને ધર્મગુરુઓ મોક્ષ-વૈકુંઠના એજન્ટો બની જાય છે. નાસ્તીક લોકો રસ્તા વચ્ચે મન્દીર-મસ્જીદ ઉભાં કરીને ટ્રાફીકને કનડતા નથી. નાસ્તીક લોકો ગાયોને રસ્તા વચ્ચે રખડવા દઈને એમને ઘાસ ખવડાવવાનું પુણ્ય કમાવા દોડી જતા નથી. નાસ્તીક લોકો પોતે કદી કોઈ કષ્ટ વેઠવા રઘવાયા નથી થતા અને કદી કોઈને કષ્ટ વેઠવાના માર્ગે નથી દોરી જતા. ઉઘાડા પગે ચાલવાથી જ મોક્ષ મળી જતો હોય તો માણસ સીવાયનાં તમામ પશુઓ ઉઘાડા પગે જ ચાલે છે ને ! પશુઓ કદી વાહનનો ઉપયોગ નથી કરતાં. નથી કશો પરીગ્રહ કરતાં. ઠેર-ઠેર ફરીને જાતમહેનત કરીને જે ગોચરી મળે એ ખાય છે.
પશુઓ પૈસાની પળોજણ નથી કરતાં. અણીશુદ્ધ પ્રાકૃતીક જીવન જીવે છે. નાસ્તીકોની અનેક ખુબીઓ તમને સમજાય તો નો-પ્રૉબ્લેમ..
 અક્ષરાંકન:ગોવીન્દ મારુ
પ્રુફવાચન સૌજન્ય: ઉત્તમ ગજ્જર

No comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.