Saturday, May 11, 2013

વૈચારીક જાગૃતી વીનાનું જીવન વ્યર્થ છે-શ્રી. યાસીન દલાલ

એક લોકડાયરામાં એક વક્તાએ એક સરસ વાત કહી. આપણે રસ્તા પર ચાલ્યા જતા હોઈએ અને કેળાની છાલ પર પગ આવી જાય એ આપણી કઠણાઈ કહેવાય. પણ, એ પછી આપણે ત્યાંથી ઉભા જ ન થઈએ, જમીન પર બેઠા રહીએ, અને પછી પ્રારબ્ધને દોષ દેતા રહીએ એ આપણી મુર્ખાઈ કહેવાય.

આપણું  જીવન એ સરસ મજાની ફુલોની પથારી નથી. એમાં માર્ગમાં અનેક વીઘ્નો આવે, અંતરાયો આવે, મુસીબતો આવે, અને એ બધાનો સામનો આપણે પુરા પુરુષાર્થથી, અડગ નીશ્વય બળથી કરવો પડે એને બદલે આપણે સામેથી આવતી મુસીબતને જોઈને જ શરણે જઈએ અને પછી નસીબને, વીધાતાને દોષ દઈએ ત્યારે શું સમજવું ?

પ્રયત્ન કરવો નહીં અને કરવો તો દીલચોરીથી કરવો, એ આપણી મોટી નબળાઈ છે અને પછી કોઈ ટકોર કરે ત્યારે આપણી પાસે જાતજાતની ‘એલીબી’ હાજર જ હોય છે. ‘મારા નસીબમાં નહોતું’, ‘કોશીશ તો બહુ કરી, પણ વીધાતાએ લેખ જ જુદા લખેલા’, વગેરે વગેરે લુલા બચાવ આપણી પાસે હાજર જ હોય છે. લુલા બચાવ, બહાનાબાજી અને આત્મ–પ્રતારણમાં આપણે લાજવાબ, બેમીસાલ છીએ.

આજના બધા વીવીધ ધર્મો, સંગઠીત ધર્મો, જ્યારે ઉદ્ ભવ્યા ત્યારે એમના મોટાભાગના નીયમો અને આદેશો પાછળ શુભભાવના હતી. આ બધા જ ધર્મો પોતપોતાના સમય અને સ્થળના સંજોગોથી જન્મેલાં હતાં. એ સંજોગો બદલાય એટલે કેટલાક નીયમો આપોઆપ જ ‘આઉટ ઓફ–ડેઈટ’ થઈ જાય. બજારમાંથી મળતી બધી જ દવાઓ ઉપર ‘એક્સપાયરી–ડેઈટ’ લખેલી હોય છે. સદીઓ પહેલાં ઘડાયેલા સંખ્યાબંધ આદર્શો ઉપર આવી ‘એક્સપાયરી–ડેઈટ’ છાપેલી ન હોય એટલે એ આપોઆપ શાશ્વત બની જતા નથી.

આપણે આ મહાન ભુલ કરી અને પરીણામે મહાન ગુંચવાડાઓના ચક્રવ્યુહમાં સરી પડ્યા. જે વૈજ્ઞાનીકોએ પહેલી વાર જાહેર કર્યુ  કે પૃથ્વી ગોળ છે અને સુર્યની આસપાસ ફરે છે અને એ સમયના ધર્મચક્ર પરીવર્તકોએ આકરી સજા જાહેર કરી હતી. પોપ પોલે સદીઓ પછી એ વાતનો સ્વીકાર કર્યો કે વૈજ્ઞાનીકોને એ સમયના ધર્માચાર્યોએ કરેલી સજા એ મોટી ભુલ હતી ! પણ, ક્યારેક ચા કરતાં કીટલી વધુ ગરમ હોય છે. પોપ પોલના કેટલાક અનુયાયીઓને હજી આમાં ભુલ નહીં દેખાતી હોય ! ગાંધી ખુલ્લા મનના હોય, પણ ગાંધીવાદી તો મોટે ભાગે જડ જ હોય. વૈચારીક જડતા જેવા અસાધ્ય કોઈ રોગ નથી અને માનસીક ગુલામી જેવી બુરી કોઈ ગુલામી નથી. એસ્પ્રો ખાવાથી માથું ઉતરી જાય, મીથ્યા આદર્શોની આધાશીશી ઉતારવા માટેની કોઈ ગોળી બજારમાં મળતી નથી.

ડગલે ને પગલે આપણી આસપાસ પુરુષાર્થ ભુલીને બધું પ્રારબ્ધ ઉપર છોડી દેવાની મનોવૃત્તી હવે મહાવ્યાધીનું સ્વરુપ લઈ રહી છે. આપણાં ગામડાંનો ખેડુત દુકાળ પડે કે વરસાદ ઓછો પડે ત્યારે માથે હાથ દઈને નીસાસા નાખીને કહેશે, ‘આપણે કંઈક પાપ કર્યાં છે, એની કુદરત સજા આપે છે.’ આમ બોલે ત્યારે એની નજર આકાશ તરફ હોય છે. આકાશ તરફ આપણી આંખ હોય ત્યારે આપણી બુદ્ધી જાણે થીજી જાય છે, વીચારશક્તી બુઠ્ઠી થઈ જાય છે, આકાશમાં ખોડાઈ ગયેલી આપણી આંખ આપણને કહે છે, બધું ઉપરથી જ નક્કી થાય છે. આપણા હાથમાં કંઈ જ નથી. આપણે ગમે તેટલા પ્રયત્નો કરીએ, પણ ઉપરવાળાની મંજુરી વીના બધુ જ વ્યર્થ છે.

આપણા હાથમાં શું ખરેખર જ કંઈ નથી ? અને, ઉપરવાળો શું માણસને પાણી કે અનાજ મળે એવી સીધીસાદી, અસ્તીત્વ ટકાવનારી વાતમાં પણ પોતાની મંજુરી આપવામાં હીચકીચાટ કરશે ? શા માટે ? માણસને ભુખે મારવામાં ઉપરવાળાને શો રસ હોય ?

પણ, આવા પ્રશ્નો આપણે કરતા નથી. આપણે હવે પ્રશ્નો કરવાનું છોડી દીધું છે, વીચારવાનું છોડી દીધું છે. જો વીચારતા હોત તો જવાબ મળી જાત. મુશ્કેલીમાંથી માર્ગ નીકળી આવત. વીચારીએ તો ખબર પડે કે પાણી વીનાના કુવાને ‘રીચાર્જ’ કરી શકાય છે. ઓછો વરસાદ આવે તોય વાંધો નહીં. જે બે પાંચ ઈંચ વરસાદ પડે એનાં એક એક ટીપાને સાચવવાનું શક્ય છે. કુવાની બાજુમાં એક ખાડો ખોદો, એમાં પાઈપલાઈન લગાવો. ખાડાને પથ્થર અને રેતીથી ઢાંકી દો. વરસાદનું પાણી ગળાઈને, ચળાઈને કુવામાં દાખલ થતું રહેશે. કુવો ભરાશે અને આજુબાજુની જમીનનું તળ ઉંચુ આવશે.

આ તો એક તદ્દન નાનો, મામુલી દાખલો થયો. આ એક નમુનો છે. પણ આપણે વીચારવાની ટેવ પાડીએ, પ્રશ્નો પુછવાની ટેવ પાડીએ તો આમ ઢગલાબંધ નવી માહીતી મળી આવે.

પશ્વીમના દેશોમાં ભાગ્યે જ દુકાળ પડે છે અને એશીયામાં તેમ જ આફ્રીકામાં વારંવાર પડે છે. એનો શો એવો અર્થ કાઢવો કે પશ્વીમના દેશોની પ્રજા પુણ્યશાળી છે અને એશીયા અને આફ્રીકાની પ્રજા પાપી છે ?

આપણી કેટલીક જુની કહેવતો જુની હોવા છતાં એમાં કેટલાંક સનાતન સત્યો સમાયેલાં હોય છે. આવી એક કહેવત છે, ‘સમય વર્તે સાવધાન’ સમયની સાથે તાલ મીલાવે એ વ્યક્તી, એ સમાજ, એ સંસ્થા ને એ દેશ ઉંચા આવે. આપણે સૌ સમયની સાથે રહેવામાં નીષ્ફળ નીવડ્યા છીએ. સાહીર લુધીયાનવી કેટલીક વાર ફીલ્મી ગીતોમાં ઉંચુ કાવ્યત્વ મુકી આપતા હતા. એમના એક ફીલ્મી ગીતની પંક્તી  જુઓ:

કોઈ રુકતા નહી, ઠેહરે હુએ રાહી કે લીયે,

જો ભી દેખેગા, વો કતરા કે ગુજર જાએગા,

હમ અગર વક્ત કે હમરાહ ન ચલને પાએં,

વકત હમ દોનોં કો ઠુકરા કે ગુજર જાએગા…

અક્ષરાંકન:ગોવીન્દ મારુ 

‘ગુજરાત સમાચાર’ના સૌજન્યથી સાભાર…

No comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.