Wednesday, May 29, 2013

શાણપણની સમજણ– સં. મહેશ દવે



જંગલો અને ડુંગરાઓના અંતરિયાળ પ્રદેશમાં એક ગામ હતું. ગામ એટલું ઊંડાણમાં હતું કે કોઈ મોટા શહેર કે નગર સાથે એને સંપર્ક નહોતો. ગામમાં નહોતી કોઈ શાળા કે નહોતી ભણવાની બીજી સગવડ. ગામની વસતિ સાવ અભણ હતી. પ્રાથમિક કક્ષાની ખેતી કરી લોકો અનાજ પકવતા અને પેટ ભરતા. અજ્ઞાનને કારણે પ્રજા અબુધ હતી અને તેમનામાં રાક્ષસ, ભૂત-પ્રેત જેવી ખોટી માન્યતાઓ પહેલેથી ચાલી આવી હતી.
એક દિવસ અચાનક ગામમાં એક ભણેલો માણસ આવી ચડ્યો. તેના આવ્યાના બીજા દિવસે તેણે અજબ દશ્ય જોયું ઘઉંના ખેતરમાંથી ઘઉં વાઢતા માણસોને એણે ભયભીત થઈ નાસતા જોયા. તેણે માણસોને રોક્યા અને પૂછયું : ‘તમે શા માટે નાસી રહ્યા છો ?’ ભાગનારામાંથી એક રોકાયો અને કહ્યું : ‘ખેતરમાં રાક્ષસ કે ભૂત જેવું કંઈક છે. તેનાથી બચવા અમે નાસી રહ્યા છીએ.’
ભણેલો માણસ રાક્ષસો કે ભૂતમાં વિશ્વાસ ધરાવતો નહોતો. એણે ઊભા રહેલા માણસને પૂછ્યું : ‘ક્યાં છે રાક્ષસ ? બતાવ મને.’ ખેતરના છેડે ઊભા રહી પેલા માણસે લીલા-કાળા રંગનો, જમીન પર પડેલો, મોટો દડા જેવો ગોળો બતાવ્યો. ભણેલો માણસ મનોમન હસી પડ્યો. એણે જોયું કે પેલો માણસ બતાવી રહ્યો હતો તે તો એક તરબૂચ હતું. ભણેલા માણસે કહ્યું, ‘આ રાક્ષસથી ડરશો નહીં. એનો હું વધ કરી નાખીશ. પછી તમે તમારું અનાજ લણવાનું કામ શાંતિથી કરી શકશો.’ આમ જણાવી તે માણસે ડીંટામાંથી તરબૂચ તોડી નાખ્યું. તેણે તરબૂચ કાપી તેની એક ચીરી ખાઈ બતાવી.

ગામલોકોને પહેલાં તો અચંબો થયો, પછી તેમને પેલા માણસ ઉપર શંકા-કુશંકા થઈ. તેમને લાગ્યું કે આ માણસ કોઈ રાક્ષસયોનિનો જ લાગે છે. તેથી જ તેણે નાના રાક્ષસનો વધ કરી તેનો ભક્ષ કર્યો છે. આથી ગામલોકોએ ભેગા મળી તે માણસને મારી નાખ્યો.
થોડા સમય પછી બીજો એક માણસ ગામમાં આવી ચડ્યો. એ ભણેલો હતો અને સાથે ગણેલો પણ હતો. લોકો ઘઉંના ખેતરમાં જતા નહોતા એ વિશેની વાત એણે જાણી. તરબૂચનાં બિયાંમાંથી ઊગેલાં બીજાં તરબૂચ પણ તેણે જોયાં. તે આખી વાત સમજી ગયો. તેણે એવું દેખાડ્યું કે ગામલોકો જેવો ડર એને પણ લાગ્યો છે. ગામમાં રહી ધીરે ધીરે એણે લોકોને શાકભાજી રોપતા, ફળ-ફૂલ ઉગાડતા અને બીજું નવું નવું શીખવ્યું. પછી તરબૂચ વિશે પણ સાચી માહિતી આપી. એ માણસ ગામલોકોનો આદર અને પ્રેમ મેળવી શક્યો.
સાચી માહિતી ધીમે ધીમે આપવી જોઈએ અને ગળે ઉતારવી જોઈએ. જ્ઞાન આપ્યા વગર એકાએક ચમત્કારનો ભાવ ઊભો કરવાથી સરવાળે નુકશાન થાય છે. માણસો સાથે ઘરોબો કેળવી શીખવો તો બહુમાન મળે છે.

 સૌજન્ય : રીડ ગુજરાતી

No comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.