Tuesday, May 7, 2013

ધર્મ જેવું જ આજે ક્યાં છે?

ખરેખર ષડ્ રીપુ દુર થાય તો મનુષ્યને આત્માનો વીજય મળે જ તેમાં પણ  શંકા નથી; પરંતુ આજે ભારતમાં ધર્મ જેવું જ ક્યાં રહ્યું છે ? કેટલાંય મંદીરો છે અને દરેક વાડાનાં મંદીરો વળી જુદાં જુદાં, મહંતો જુદા જુદા અને તે પંથ(વાડા)ને માનનારાં પણ જુદા જુદા !  આ વાડાબંધી દુર થાય અને મંદીરો બાંધવાનું બંધ થાય તો જ ધર્મ વીશે કંઈક કરી શકાય અને વ્યક્તીને આ ષડ્ રીપુ ધીમે ધીમે ઓછાં કરવાની સમજ આપી શકાય. પરંતુ ગણ્યા ગણાય નહીં એટલા પંથ અને દરેકનાં મંદીરો તથા મહંતો-સંતો ! આ બધાં પાછાં ‘મેં ભી ડીચ !’ કરીને પોતાના પંથને જ દુનીયાનો સાચો ધર્મ–પંથ માને છે અને અનુયાયી પાસે મનાવડાવે છે ! પછી ધર્મ જેવું રહેતું જ નથી. ધર્મની હાટડીઓવાળા સંતો પોતાના અહંકાર પ્રમાણે જ બધાને દોરે છે, માર્ગદર્શન આપે છે. એમાં સાચો ધર્મ અલોપ થઈ જાય છે. પોતે વૈભવી એરકન્ડીશન્ડ ગાડીઓમાં ફરવું, રહેવું અને પ્રજાને મુરખ બનાવી એશઆરામ કરવો. બધી જાતનાં ભૌતીક ભોગો-ઐયાશી-ભોગવવાં તે સીવાય એ હાટડીસંતોને બીજું દેખાતું જ નથી, સમજાતું નથી એટલે પોતે જ કામ, ક્રોધ, મોહ વગેરે ષડ્ રીપુ છોડી શકતા નથી તો સામાન્ય વ્યક્તી તો માર્ગદર્શન વગર અટવાઈ તેમાં નવાઈ નહીં ! માનવી બીજા માનવીને મનુષ્ય તરીકે જોતાં શીખે અને વર્તે તો પણ ઘણું કહેવાય ! માનવીને જ માનવીની કીંમત નથી, પછી ષડ્ રીપુ ક્યાંથી છુટે ? ઉલટા વધારે ઉંડા ઘુસી જાય ! અને આમાં જ ધર્મની અધોગતી થાય છે. ‘ધર્મ એટલે તો ફરજ’ ! ઈશ્વરે મનુષ્યને ભૌતીક જીવનમાં જે ફરજો બજાવવાની આપી છે તે પ્રમાણે માનવી ચાલે તે જ ધર્મ ! ધર્મ કાંઈ વાડામાં બંધાય ?

ડૉ. કે. ટી. સોની,

‘ગુજરાતમીત્ર’ના સૌજન્યથી  સાભાર…..

 

No comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.