Wednesday, June 26, 2013

ગંદકી અને શ્રીહરી… મુસીબત ખરેખરી ! -દીનેશ પાંચાલ

એક હબસી ટુરીસ્ટે ભારતનો પ્રવાસ કર્યા બાદ તેની ડાયરીમાં લખેલું, ‘ઈન્ડીયા ઈઝ અ ડર્ટી કન્ટ્રી.’ કોઈ હબસી ભારત વીશે આવું સર્ટીફીકેટ આપી જાય તે ભારતની ગંદકી પર આઈ.એસ.આઈ.ની મહોર લાગ્યા જેવી બાબત ગણાય. (સુરતમાં થોડા દીવસ ફર્યા પછી તે એવું લખવા પ્રેરાયો હશે એવી ધારણા હતી; પણ ડાકોર અને બેટ દ્વારકાની ગંદકી નીહાળ્યા પછી લાગ્યું કે ત્યાંથી જ તેને આવું લખવાની પ્રેરણા મળી હશે.) ડાકોર અને બેટ દ્વારકાની ગંદકી સગી બહેનો જેવી છે. ડાકોરના રસ્તા પર દીનદહાડે છોકરા ઝાડે બેસવાનું સ્વાતંત્ર્ય ભોગવે છે. ગોમતીઘાટનું એક દૃશ્ય સ્મૃતીમાંથી ખસતું નથી. થોડીક ટુરીસ્ટ સ્ત્રીઓ બાળકોએ બગાડેલાં કપડાં ધોઈ રહી હતી. એક ફરસાણની દુકાનનો નોકર તેલવાળા વાસણો પાણીમાં ઝબોળી રહ્યો હતો. બાજુમાં એક કુતરો કોહી ગયેલું નારીયેળ ખાઈ રહ્યો હતો. આ બધાંથી દુષીત થયેલું પાણી લીલું ઝેર જેવું જણાતું હતું. થોડે દુર શ્રદ્ધાળુઓ હથેળીમાં એ પાણી લઈ ચરણામૃતની જેમ પીતા હતા. પગ બોળો તો ગંદા થઈ જાય એવું પાણી લોકો શ્રદ્ધાને નામે પેટમાં પધરાવતા હતા. શ્રદ્ધા શ્રદ્ધાને સ્થાને ઠીક છે; પણ તેને માટે આરોગ્યશાસ્ત્રના નીયમોને નેવે મુકો તો પુણ્ય નહીં; હૉસ્પીટલ મળે. એ જમાનો વહી ગયો જ્યાં ભગવાન ભરોસે મીરાંબાઈ ઝેરનો કટોરો પી ગયેલાં. હવે ઝેરનાં સરનામાં બદલાયાં છે. ઝેર માત્ર ‘પૉઈઝન’ના લેબલવાળી શીશીમાં જ નથી હોતું; આઈસક્રીમ કે રસમલાઈમાં પણ હોય છે. અરે… ! ભગવાનના પ્રસાદમાં પણ છુપાયેલું હોય છે. એક મહીના પહેલાંના સત્યનારાયણના પ્રસાદ પર ફુગ આવી ગઈ હતી. તે ફેંકી દેવાને બદલે શ્રદ્ધાપુર્વક આરોગી જતી એક ડોસીને મેં નજરે જોયેલી. માની લઈએ કે પ્રસાદનો અનાદર ન કરાય; પણ ઝેરનોય ના કરીએ તો મોક્ષ નહીં ‘જશલોક’ મળે.

ધાર્મીક સ્થળોની  આસપાસ આટલી ગંદકી કેમ હોતી હશે એ વાત મેં ઘણી વાર મંદીરના ફરસ પર બેસી વીચારી છે. એ બે વચ્ચે માણસ પુલ બને છે. માણસ ભગવાનનું ઘર સ્વચ્છ રાખવા મથે છે; પણ પોતાની અસ્વચ્છતા દરગુજર કરે છે. ભગવાનના થાળ માટે જેટલી કાળજી લે છે તેટલી પોતાના ભોજનથાળ માટે નથી લેતો. પ્રસાદમાં એકાદ જીવડું મરી ગયેલું જણાય તો બધો પ્રસાદ ફેંકી દેતો માણસ, દાળમાંથી નીકળેલા વાંદાને નજરઅંદાજ કરી દે છે. પીવાનું પાણી ચરણામૃત જેટલું ચોખ્ખું હોવું જોઈએ એવો તે આગ્રહ નથી રાખતો. પુજા કરતાં પહેલાં એ પ્રભુની મુર્તી ધુએ; પણ જમતાં પહેલાં હાથ ન ધુએ. પુજારી રોજ કૃષ્ણનું પીતાંબર બદલે; પણ પોતાનું ધોતીયું મેલુંદાટ હોય. રોજ એ દીવો કરે; પણ દાઢી ન કરે.

મંદીરો કે ધાર્મીક સ્થળોએ યોજાતા ‘મહાપ્રસાદ’માં થાળી–વાટકા ઠીક સાફ ન થયાં હોય તેવું વેઠી લેવું પડે છે. તે પર આગલા ભોજનના અવશેષો વળગેલા હોય તે જોઈએ ત્યારે પવીત્ર સ્થળને બદલે કોઈ ભંગાર લૉજમાં જમવા બેઠા હોય એવું લાગ્યા વીના ના રહે… ! આવા ઘણા વાંધાઓને કારણે મીત્રોએ મારા નામ પર ‘નાસ્તીક’ની મહોર મારી છે. પણ શ્રદ્ધાને નામે ફુગવાળો શીરો ખાઈ જવો એ શ્રદ્ધા નહીં; અબૌદ્ધીકતા ગણાય. ધાર્મીકતા અને ગંદકી વચ્ચેની આવી અશોભનીય જુગલબન્ધી સાચા આસ્તીકને કદી ન પરવડવી જોઈએ. ફક્ત બે મીનીટ નીચેના પ્રશ્નને ફાળવો. અસ્વચ્છતાથી કોને હાની પહોંચી શકે – જીવતાજાગતા માણસને કે ભગવાનની મુર્તીને ? મંદીરની આસપાસની ગંદકી ભક્તોની સ્વરચીત નીપજ હોય છે. મંદીરનાં સંડાસો, આપણને મળના ઢગલાથી ઉભરાતાં રેલવેનાં સંડાસોની યાદ અપાવે છે. બાથરુમમાં લીલ બાઝી હોય, અંદરથી પેશાબની તીવ્ર દુર્ગન્ધ આવતી હોય, મંદીરનાં પગથીયાં આગળ બગડેલાં નાળીયેરો ફેંક્યાં હોય, એ બધામાં ડાકોરના ઠાકોરનો કેટલો વાંક ? પવીત્રતા નાકથી સહન થાય એટલી જ ગંદી હોવી જોઈએ, એથી વધુ નહીં. મારું ચાલે તો દરેક મંદીરોની બહાર પાટીયાં મરાવી દઉં : ‘ઈશ્વર માત્ર મંદીરમાં જ નહીં; બહાર પણ વસે છે. એને શ્રીફળ કરતાં સ્વચ્છતા વધુ પસંદ છે. આરતીના ઘોંઘાટ કરતાં નીરવતા વધુ પસંદ છે. એથી શાંતી અને સ્વચ્છતાને જ ઉત્તમ પ્રભુભક્તી ગણવા ભક્તોને હાર્દીક અપીલ છે.’ સંતો અને ધર્મપંડીતો લોકોને ઈશ્વરનો સાક્ષાત્કાર કરાવવા પરસેવો પાડી રહ્યા છે. ધાર્મીકતા તેમનું એક માત્ર લક્ષ્ય છે. ધાર્મીક કહેવડાવતો માણસ કેવી ખરાબ રીતે જીવે છે તે તરફ તેમનું ધ્યાન ભાગ્યે જ જાય છે. દરેકના હાથમાં માળા હોય તેવો આગ્રહ રાખતો ધર્મગુરુ, એ વાતને નજરઅંદાજ કરે છે કે ગલ્લા પર બેઠેલો માણસ દીવસમાં કેટલાં કાળાં કર્મો કરે છે. શ્રદ્ધા કે ભક્તી અમાનવતાના વરખમાં લપેટાયેલી હોય તે શા કામની ? મા દીકરાને ખુબ વહાલ કરે; પણ તેનું ગળતું નાક સાફ કરવાનું તેને ન શીખવે તેવો ઘાટ થાય છે. શ્રદ્ધાળુઓએ યાદ રાખવું પડશે. વાળી ઝુડીને સાફ કરેલા આંગણામાં જ રંગોળી શોભે. ગંદા આંગણામાં શોભતી નથી. જીવનની સ્લેટ સાફ કર્યા પછી જ તે પર ધર્મનો એકડો ચીતરી શકાય. આપણે એવા દીવસની પ્રતીક્ષા કરીએ, જેમાં મોરારીબાપુ તેમની કથામાં રામાયણ કે વેદ-ઉપનીષદ સમજાવવાની સાથોસાથ માણસની ગંદી કુટેવો માટેય બે શબ્દો કહે. માણસ નવ દીવસ સુધી કથા સાંભળે અને ઘરે જતી વેળા ચાલુ બસે બહાર એવી રીતે થુંકે છે કે ક્યાં તો એ રસ્તે ચાલતા રાહદારી પર પડે ક્યાં પાછલી સીટ પર બેઠેલા મુસાફરના મોઢા પર પડે. એ થોડાંક થુંકમાં આખું રામાયણ ધોવાઈ જાય છે. (મોરારીબાપુની કથા વખતે પાલાની મુતરડીઓની પુરી વ્યવસ્થા કરવામાં આવી હોવા છતાં; બહાર ગમે ત્યાં ઉભા રહી  પેશાબ કરતા ભક્તોને નજરે જોયા છે.)

આપણા ધર્મપ્રેમીઓને ધર્મ પુર્વે સ્વચ્છતાની મહત્તા સમજાય તે જરુરી છે. મળસ્કે પાંચ વાગે ઉઠીને ગીતા વાંચતા માણસના ઘરમાં ઢગલેબંધ કચરો ખુણેખાંચરે પડ્યો હોય ત્યારે એ વાત સાચી લાગે છે. ગીતા હાથમાં લઈ મનનો કચરો સાફ કરતાં પહેલાં ઘરનો કચરો સાફ ન કરો તો કૃષ્ણ કેવી રીતે રાજી થાય ? ગંદા ઘરમાં ધર્મની રંગોળી શોભતી નથી. ભક્તોને પુજાપાઠ વડે ધાર્મીક સ્થળો ગંદાં કરવાનો અધીકાર ન હોવો જોઈએ. પવીત્રતા ગંદકીના વરખમાં લપેટાયેલી હોય એ સ્થીતી સામે પહેલો વાંધો આસ્તીકોને જ હોવો જોઈએ. આપણા દેવો નસીબદાર છે. માણસ દેવનું ઘર સાફસુથરું રાખે છે. પણ પોતાના ઘરની તો ગમે તેવી ગંદકીને એ ગાંઠતો નથી. (અહીં નરી આંખે દેખાતી ભૌતીક ગંદકીની જ વાત કરી છે… માણસના મનના ગોડાઉનની પાર વીનાની વૈચારીક ગંદકીનો એમાં સમાવેશ થતો નથી.) મધર ટેરેસાએ ખોટું નથી કહ્યું. ‘ઈશ્વર તમને ઘોંઘાટ અને અજંપામાં નહીં મળે. એ તો મૌનનો મીત્ર છે. આપણે એટલા માટે સ્વચ્છ અને પવીત્ર રહેવું જોઈએ કે ઈશ્વર આપણામાં રહી શકે… !’

અક્ષરાંકન: ગોવીન્દ મારુ

 


No comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.