Thursday, June 6, 2013

અધ્યાત્મમાં બુદ્ધીનો ઉપયોગ કરાય ?–સુબોધ શાહ


     ઘણા બધા લોકો માને છે કે વીજ્ઞાન અને ધર્મનાં ક્ષેત્રો જુદાં છે. ‘દુન્યવી વીજ્ઞાનમાં બુદ્ધી વપરાય; પણ અધ્યાત્મમાં શ્રદ્ધા જોઈએ – એમાં બુદ્ધી ના વપરાય.’ જીવનમાં ક્યાં અને ક્યારે શ્રદ્ધાનો ઉપયોગ કરવો અને કયાં ક્ષેત્રોમાં બુદ્ધી વાપરવી, એ પેચીદો છતાં બહુ મહત્ત્વનો પ્રશ્ન છે.
         અધ્યાત્મના વીષયમાં બુદ્ધીની જરુર ખરી કે નહીં ?
         મનુષ્યની બુદ્ધી અત્યંત મર્યાદીત છે, અધુરી છે, અપુર્ણ છે, એ તો આપણને બધાને ખબર છે. બીજી બાજુ, સમ્પુર્ણ તો આ દુનીયામાં કશું જ નથી. જે કાંઈ સર્વાંગસમ્પુર્ણ હોય તેનો જ ઉપયોગ થાય અને અપુર્ણ હોય તે બધું બાજુ પર મુકી દેવાય, એવું શા માટે ? બુદ્ધી ઓછી પડે છે તેથી શું ગુફાવાસી મનુષ્યોના જેવી કલ્પનાઓનો આશરો શોધવો ? રોકેટ શક્ય ન જ હોય, તો હાથવગી કાર વાપરવી કે ઘોડો શોધવા નીકળવું? અથવા તો, પોતાને સંત-મહંત માનતા-મનાવતા હોય, તેવાઓમાં શ્રદ્ધા રાખી તેઓ જે કહે તે બધું માની લેવું ?
          આજ સુધીમાં ઈશ્વરનો, આત્માનો કે દેવદુતોનો સાક્ષાત્કાર પોતાને થયો છે, એવા દાવા પ્રામાણીકપણે સેંકડો વ્યક્તીઓએ કે તેમના ભક્તોએ કર્યા છે. એક વીદ્વાન હીન્દુ સ્વામીજીએ થોડા સમય પહેલાં જ મને મોટું આશ્ચર્ય આપ્યું: એમણે કહ્યું કે તેમણે પોતે ઈશુ ખ્રીસ્તને જોયા. ફલાણા સંતને ‘આત્મ સાક્ષાત્કાર થયેલ છે.’ દાદા ભગવાનને ‘જ્ઞાન થઈ ગયું’. ‘સ્વામી રામકૃષ્ણ પરમહંસે બ્રહ્મપદ પ્રાપ્ત કર્યું.’ આવું આવું આપણે કાયમ સાંભળતા આવ્યા છીએ. દરેક સંતની ભાષા ને શૈલી જુદી હોય છે; દરેકની કલ્પના જુદી, દરેકનું વર્ણન ને તારણ જુદું. તેથી બધાયને માની લેવાનું તો શક્ય જ નથી. મારા મનમાં એ બધાય માટે આદર હોય તો પણ; કોની વાત મારે સાચી માનવી ? સામાન્ય બુદ્ધી વાપર્યા વીના એ બાબત કેમ નક્કી કરાય ? રામ કે રહીમ ? મહમદ કે મહાવીર ? જેવી છે તેવી પણ બુદ્ધીને વાપર્યા વીના માણસ જાતને છુટકો જ નથી.
         અધ્યાત્મના જ્ઞાનીઓ અને પ્રચારકોએ પણ બુદ્ધી કે તર્ક (Logic)નો ભરપુર ઉપયોગ કર્યો છે. ભગવાન શંકરાચાર્ય (ઈ.સ. 788-820) મહાન તર્કશાસ્ત્રી વીદ્વાન હતા. ખ્રીસ્તી ધર્મના સંત થોમસ અકીનાસ (ઈ.સ. 1225-1274)ની તત્ત્વજ્ઞાનના ક્ષેત્રમાં બહુ મોટી નામના છે. રજનીશ અને કૃષ્ણમુર્તીને આપણે સાંભળ્યા છે. એમના સીવાયના પણ બીજા અનેક સંતો બુદ્ધીનો ઉપયોગ કરીને રજુઆત કરે છે. તો પછી બુદ્ધી પર બંધન શા માટે ? સામાન્ય સમજનો અવીશ્વાસ શા માટે ? પ્રજ્ઞા પર પ્રતીબંધ શાથી ?
         બુદ્ધી જેમ અપુર્ણ છે, તેમ શ્રદ્ધા આંધળી હોઈ શકે; અનુભવ એકપક્ષી અને તુક્કાઓ બનાવટી હોઈ શકે. માનો કે આપણે કોન્ક્રીટની જાડી તોતીંગ દીવાલ સામે ઉભા છીએ. એની આરપાર પેલી બાજુ શું છે એ જોવાનો કે જાણવાનો કોઈ માર્ગ જ નથી. તો પછી એના વીશે ધારણાઓ બાંધ્યા કરવી એ વ્યર્થ પ્રવૃત્તી છે. એ દીવાલની પેલે પાર માણસ હોય, મર્કટ હોય, મચ્છર હોય, કે કશુંય ના હોય, એવુંય બને. કોઈ વસ્તુ જાણવાની અશક્તી એટલે ગમે તે ધારી લેવાનો પરવાનો તો નથી જ. અજ્ઞાનને જ્ઞાન માની લેવા કરતાં, અજ્ઞાનને અજ્ઞાન તરીકે જ સ્વીકારવું શું ખોટું ?
         કુતુહલ કે જીજ્ઞાસા જરુર, પણ પ્રજ્ઞા એ જ પુરાવો હોય; સામાન્ય સમજ એ જ વીવેક હોય. બુદ્ધી નામની સન્નારીને બે સુપુત્રીઓ છે: જીજ્ઞાસા અને પ્રશ્નશીલતા. શ્રદ્ધા એ કોઈ વાર ગતાનુગતીકતા હોય, કોઈવાર વીચાર કરવાની અનીચ્છા કે અશક્તી હોય; પણ મોટા ભાગે તો એ ચીલાચાલુ રુઢી કે શૈશવના સંસ્કાર માત્ર જ હોય છે.
          અધ્યાત્મની બાબતમાં વીજ્ઞાનના જેવી સાબીતીઓ ન હોઈ શકે એ વાત સાવ સાચી છે. પણ સામાન્ય બુદ્ધીનાં પ્રમાણ તો હોવાં જોઈએ કે નહીં ? એમાં વીરોધાભાસ કે તર્કની વીસંગતતા (Inconsistency) ચલાવી લેવાય ખરી ? ગૌતમ ૠષીનું ન્યાયશાસ્ત્ર અને કણાદ ૠષીનું વૈશેષીક શાસ્ત્ર, એ બન્ને સહીતનાં આપણાં મહાન છ દર્શનશાસ્ત્રો અત્યંત પ્રાચીન હોવા છતાં; બુદ્ધીની કોઈ વીસંગતતા ચલાવી લેવા તૈયાર ન હતાં. વીજ્ઞાનમાં જેમ ગણીતશાસ્ત્ર છે, તેમ ફીલસુફીમાં તર્કશાસ્ત્ર (Logic) હોય છે. એના ઉપર જ તે દર્શનશાસ્ત્રો આધારીત હતાં. (તર્કશાસ્ત્ર એટલે કલ્પના નહીં, પણ બુદ્ધીયુક્ત દલીલનું શાસ્ત્ર).
          ‘બુદ્ધીથી પર, એનાથી પેલે પાર, એવું કંઈક છે’ એમ કહેવાય છે, તે માન્યતા છે. એ સાચી પણ હોય, ખોટી પણ હોય; તોય એ પુર્વધારણા (Assumption) જ છે, સાબીતી નથી કે તર્કશુદ્ધ હકીકત પણ નથી. અધ્યાત્મનો વીષય બુદ્ધીથી પર હોય તો પણ આપણી પાસે તો જે છે તે બુદ્ધી જ છે, બીજું કંઈ નથી. તો પછી એને વાપરવી કેમ નહીં ?
        ઉત્ક્રાંતીના ક્રમમાં મનુષ્ય તદ્દન નવો છે. એનું મગજ લાખો વર્ષોના ઉત્ક્રાન્તીજન્ય ફેરફારોનું પરીણામ છે. બુદ્ધીનું કેન્દ્રસ્થાન એવો આપણા મગજનો Cerebral Cortex કે Neo-cortex નામનો અગ્રભાગ એથીય વધુ નવો છે. તે વીકાસ પામી શકે છે અને હજી પણ વીકસી રહ્યો છે. પહેલાં નહોતી સમજાતી એવી અનેક ચીજો આજના વીજ્ઞાને બુદ્ધીનો ઉપયોગ કરીને શોધી કાઢી છે. તેમ છતાં, જીવનના કેટલાક પ્રશ્નોને સમજી શકવા આપણે તદ્દન અસમર્થ છીએ એ પણ સર્વમાન્ય હકીકત છે. પામર માનવ પ્રાણીનાં ટચુકડાં મગજની એ અનીવાર્ય અશક્તીનો નમ્રતાપુર્વક સ્વીકાર કરીને, તુક્કાઓ દોડાવ્યા વીના, એ પ્રશ્નોને આપણે જરુરથી બાજુએ રાખી શકીએ. સમય વીતશે, વીજ્ઞાન ને તર્કશાસ્ત્ર પ્રગતી કરશે, તેમ તેમ જ્ઞાનના રણદ્વીપો વીસ્તરતા જશે ને અજ્ઞાનનાં રણને આંબશે. આજ સુધી આમ જ થતું આવ્યું છે. દુનીયાની બધી પ્રજાઓ સુર્યને દેવ માનતી. આજે એ સુર્યદેવનું ઉષ્ણતામાન, અંતર ને કદ, બધુંય માણસે માપી લીધું છે. વરુણદેવ પર વહાણો ચાલે છે. અને વાયુદેવ પવનચક્કીઓ ચલાવે છે. Quantum Theory નો પ્રખર વૈજ્ઞાનીક રીચાર્ડ ફેઈન્મેન લખે છે: ‘ખોટા જવાબોમાં રાચવા કરતાં અજ્ઞાનમાં રહેવું વધારે સારું.’  હું જાણતો ના હોઉં, ને છતાં ‘જાણતો નથી’ એમ કહેતાં શરમાઉં, તો એ મારી અપરીપક્વતાનું લક્ષણ છે.
           ઉપર વર્ણવી તેવી એક અભેદ્ય દીવાલ તે મૃત્યુ છે. એની પાછળ શું છે તે (અનેકના દાવાઓ છતાં) કોઈને ખબર નથી. જન્મ, જરા અને મૃત્યુને જાણવા, એમનો ઉપાય શોધવા, ઉપનીષદ્‌ યુગમાં નચીકેતા મથ્યો; ગૌતમ બુદ્ધે પણ સર્વસ્વ છોડ્યું. ભગવાન બુદ્ધને સુદ્ધાં એ જ્ઞાન મળી શક્યું નથી. તો પછી મારા કે તમારા જેવાનું શું ગજું ? દાવો તો બધાય કરે છે; પણ ખરેખર કોઈને જાણવા મળ્યું ? ઉપાય મળ્યો ? ના. રડતી કીસા ગોતમીને ભગવાન બુદ્ધે સમજાવ્યું તેમ, કોઈ ઉપાય નથી. કોઈ રસ્તો નથી. મૃત્યુ અભેદ્ય છે, અનીવાર્ય છે; એને સ્વીકારો. જીવનને સ્વીકારો. વૃદ્ધત્વ અને મૃત્યુને સ્વીકારી લઈ બની શકે તેટલી સારી રીતે જીન્દગી જીવો. બધી શોધના અંતમાં શોધની નીરર્થકતા સમજાય. બધા જ્ઞાનના અંતમાં જણાય કે તમે કેટલું ઓછું જાણો છો; કેટલું ઓછું જાણી શકો છો; સારું જીવવા ખાતર તો કેટલું ઓછું જાણવાની જરુર હોય છે!
        વીજ્ઞાન અને તત્ત્વજ્ઞાન, બન્નેની ગમે તેટલી પ્રગતી થાય, કેટલાક પ્રશ્નો હંમેશાં ઉભા જ રહેવાના. માત્ર એ કારણે જ નહીં કે આ બન્ને અધુરાં છે; એ પ્રશ્નોનું સ્વરુપ અને પુછવાની રીતના કારણે સુધ્ધાં પ્રશ્નો તો રહેવાના જ. જીવન શું, ચેતન શું, આત્મા શું, એવું એવું આપણે જ્યારે પુછીએ છીએ, ત્યારે ભુલી જઈએ છીએ કે આપણે ઘણીબધી ધારણાઓ (Axioms) સ્વીકારી લઈને બોલીએ છીએ:
૧. કે જીવન અને મૃત્યુ વચ્ચેની લાઈન સ્પષ્ટ ને સુરેખ હોય છે; (એ નથી)
૨. કે મગજ, મન અને આત્મા, ત્રણેય એકમેકથી તદ્દન જુદાં ને સ્વતંત્ર છે; (એમ પણ નથી)
૩. કે મુશ્કેલ પ્રશ્નોના સરળ ઉત્ત્તરો હોય છે ને એ હાથવગા છે. (એમ પણ નથી.)
         ઉપરની ત્રણેય ધારણાઓ બાંધવા માટે કોઈ જ આધાર નથી.
         એ જ રીતે, જ્યારે આપણે પુછીએ છીએ કે જીવનનો અર્થ શો કે પ્રયોજન શું, ત્યારે આપણે અકારણ માની લીધેલું (Assumed) હોય છે કે દરેક ચીજનો અર્થ હોવો જ જોઈએ. વળી એ પણ આપણે ભુલી જઈએ છીએ કે દરેક બાબતનો અર્થ તો એ જ હોય છે કે જે ખુદ આપણે જ એને અર્પેલો હોય છે. જીવનનો અર્થ પુછવો એટલે પ્રશ્નના સ્વરુપમાં એનો ઉત્તર સ્વયં ગૃહીત ધરવો.
        સારમાં સાર એક જ છે : ઉટપટાંગ વાતોને છોડો. શ્રદ્ધાને બાજુએ રાખો; બુદ્ધીને અપનાવો. શ્રદ્ધાને કીનારો નથી, બુદ્ધી વીના આરો નથી.

 અક્ષરાંકન: ગોવિંદ મારૂ                                              
પ્રુફવાચન સૌજન્ય: ઉત્તમ ગજ્જર

No comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.