Tuesday, July 2, 2013

ઈશ્વર અને ધર્મ વચ્ચે કોઈ નાતો નથી –રોહીત શાહ


આજે એક વ્યવહારુ સત્ય તમારા કાનમાં કહેવું છે. એ સત્ય આ છે : ઈશ્વર અને ધર્મને કશી લેવાદેવા નથી. ઈશ્વર અને ધર્મ વચ્ચે કોઈ નાતો નથી. ઈશ્વર વગર ચાલે, ધર્મ વગર ન ચાલે. આપણે ધર્મને વળગવાને બદલે ઈશ્વરની પાછળ ખોટેખોટા પડી ગયા છીએ. ઈશ્વરની પાછળ દોડવાથી ધર્મ ન પણ મળે; પરન્તુ ધર્મને વળગી રહેવાથી ઈશ્વર (જો હોય તો) મળ્યા વગર નહીં જ રહે, ગૅરન્ટી.
એક શ્રીમંત માણસ નાસ્તીક હતો. તેણે કદીયે મન્દીર-દેરાસરમાં પગ નહોતો મુક્યો. ઈશ્વર હોય તો તે તેની સ્તુતીઓ સાંભળીને રાજી થાય અને ભક્તને વરદાનો આપવા પહોંચી જાય એ વાત તેના દીમાગમાં નહોતી બેસતી. ઈશ્વરને પોતાની સ્તુતીઓ, નામસ્મરણ અને મન્ત્રજાપ કરાવવામાં વળી શાનો રસ હોય ? આ શ્રીમન્ત માણસ ઈશ્વરના નામે કદી એક પૈસો પણ નહોતો ખર્ચતો.
એક વખત તેની કારને ઍક્સીડન્ટ થયો. તેના બન્ને પગે ફ્રૅકચર થયાં. દોઢથી બે મહીના સુધી કમ્પ્લીટ બેડ–રેસ્ટ કરવાની ડૉક્ટરે તાકીદ કરી. આખો દીવસ ઘરમાં જ પુરાઈ રહેવાની પનીશમેન્ટ થઈ હોય એવું તેને લાગ્યું. ઘરમાં મનોરંજનની ભરપુર સગવડો હતી. સેવા માટે નોકર–ચાકરો ઘણા હતા. છતાં તે માણસ થોડા વખતમાં જ અકળાઈ ઊઠ્યો. એક રાત્રે તેના મનમાં સ્વાભાવીક પ્રશ્ન પેદા થયો કે મારે આટઆટલી સાહ્યબી છે, સુખ–સગવડો છે; છતાં પગના ફ્રૅકચરને કારણે મને મારી જીન્દગી બોજારુપ અને ત્રાસદાયક લાગવા માંડી છે; તો જે માણસને જન્મથી જ પગ નથી મળ્યા અથવા પોલીયો જેવી બીમારીમાં જેણે પોતાના પગ પર્મેનન્ટ ગુમાવી દીધા છે તેની પીડા કેવી હશે ? એમાંય જે માણસ ગરીબ હોય તેની ઉપાધીઓનો તો હીસાબ જ શી રીતે થાય ?
અને એ જ ક્ષણે એ માણસે મનમાં ડીસાઈડ કર્યું કે સમગ્ર ભારતમાં શારીરીક રીતે અક્ષમ જેટલાં સ્ત્રી-પુરુષ હશે તેમને હું વીનામુલ્ય કૃત્રીમ પગ આપીશ. એ માટે તેણે પ્રતીજ્ઞા લીધી.
કરુણામાંથી પ્રગટેલો ધર્મ કદી ખતમ નથી થતો.
પેલા શ્રીમન્ત માણસે કૃત્રીમ પગ અને વ્હીલચૅર બનાવવાની ફૅક્ટરી શરૂ કરી. ગામેગામ અને નગરેનગર ફરીને કૅમ્પ યોજ્યા. સ્થાનીક સંસ્થાઓની મદદ લઈને શારીરીક રીતે અક્ષમ હજારો લોકોને હરતાં ફરતાં થવાની શક્ય એટલી સગવડ કરી આપી. તમે જ કહો કે એ શ્રીમન્ત માણસ હવે કોઈ ખાસ તીથી–વારના દીવસે, કોઈ નીશ્ચીત દેવ–દેવીના મન્દીરે, પગપાળા જાય નહીં; તોય તેને શો ફરક પડે ? તે જીવનમાં ક્યારેય પાવાગઢ કે પાલીતાણાના ડુંગર ન ચડે તોય તેનું શું બગડી જાય  ?
ઈશ્વરને મળવા માટે આપણે ઉઘાડા પગે દોડાદોડ કરવાની કશી જરુર નથી. આપણે જીવનમાં એવાં કામ કરીએ જેથી જો ઈશ્વર હોય તો એ સ્વયમ્ આપણને ભેટવા ઉઘાડા પગે દોડી આવે.
ગોંડલના રાજા ભગવતસીંહ એક વખત ખરા બપોરે ચાલતા ક્યાંક જઈ રહ્યા હતા. રસ્તામાં એક વૃદ્ધ સ્ત્રી ઉભી હતી. તેણે મહારાજને ઓળખ્યા નહીં; એટલે કહ્યું, ‘ભાઈ, મને આ ઘાસનો ભારો માથે ઉંચકવામાં મદદ કરને !’
ભગવતસીંહે તે વૃદ્ધાને ટેકો કરીને ઘાસનો ભારો ઉંચકાવ્યો. વૃદ્ધાએ ખુબ આભારવશ થઈને કહ્યું, ‘આપણા રાજા જો આ રસ્તે થોડા ‘થાકલા’ કરાવે તો બહુ સારું.’
વૃદ્ધાને ખબર નહોતી કે તે જેની સાથે વાત કરી રહી હતી તે રાજા જ હતા. રાજા માટે ‘થાકલા’ શબ્દ નવો હતો. તેમણે એનો અર્થ પુછ્યો. માજીએ ચાલતાં–ચાલતાં કહ્યું, ‘થાકલા એટલે આમ તો કેડ(કમર) સુધીનો ઉંચો ઓટલો. બે ઉંચી પાળી પર આડો પથ્થર મુકેલો હોય. એના પર ઘાસનો ભારો મુકીને થાક ખાઈ શકાય. નીચેના ભાગમાં છાંયડો પણ મળે. થાક ખાધા પછી ઓટલા પરથી વજનદાર ભારો જાતે પોતાના માથે ચડાવવાની સગવડ રહે. કોઈ માણસના ટેકા વગર એ કામ થઈ શકે.’
ભગવતસીંહે ગોંડલમાં થોડા–થોડા અંતરે રસ્તા પર એવા ‘થાકલા’ બનાવડાવ્યા. બોલો, આ રાજા કોઈ મંન્દીર કે આશ્રમ ન બનાવે તો તેનું શું ખરાબ થઈ શકે ? ઈશ્વર સ્વયમ્ આવા પુણ્યાત્માઓને ઢુંઢતો હશે.
આપણે ઈશ્વરના નામે અને ભક્તીના બહાને ધર્મને જ ચુકી જતા હોઈએ એવો મને પાકો વહેમ છે. માણસના જીવનને ઉજ્જ્વળ અને પારદર્શક બનાવવા માટે ધર્મનો કોઈ જ વીકલ્પ નથી. જો કે ધર્મને ઈશ્વર સાથે કે સમ્પ્રદાયો સાથે કશી જ લેવાદેવા નથી. ધર્મ કોઈ પણ હોય, એનો એકમાત્ર ઉદ્દેશ એટલો જ હોય છે કે માણસ સારો માણસ બને. ઈશ્વરપ્રાપ્તીની અપેક્ષા પણ ખરી પડે અને મોક્ષની કે સ્વર્ગની લાલચ પણ છુટી જાય; ત્યાર પછી આપણી પાસે જે ઉમદા તત્ત્વ રહે એને હું ધર્મ સમજું છું. એવો ધર્મ આપણને સૌને મળે અને ફળે તો નો–પ્રૉબ્લૅમ.
 –રોહીત શાહ
 અક્ષરાંકન:ગોવીન્દ મારુ
 પ્રુફવાચન સૌજન્ય: ઉત્તમ ગજ્જર

No comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.