Tuesday, July 16, 2013

સ્પેસ – તેજેન્દ્ર ગોહિલ


એક સમયે એકબીજાની સાથે રહેવા માંગતા લોકોને આજે એકબીજાથી દૂર રહેવાના ઉપાયો શોધતા જોયા છે. ત્યાં મને વિચાર આવ્યો કે, પ્રેમ લગ્નમાં પરિણમ્યા પછી લગ્નમાં પ્રેમ ના રહે તો શું કરવું ? સાથ માટે તરસતા લોકો આજે મળે છે તો પણ માત્ર ઝગડો કરવા !!
“જ્યાં પહોંચવાની ઝંખના વર્ષો થી હોય મન પહોચતાજ પાછું વળે એમ પણ બને.”
મનોજ ખંડેરિયાનો આ શેર મેં લગભગ 13-૧૪ વર્ષ પહેલા સાંભળેલો ત્યારથી લઇ આજ સુધી મારા ગમતા શેર માંથી એક છે. પણ તેનો સાચો અર્થ જયારે પણ વિચારવા કે સમજવા માટે પ્રયત્ન કરું તો દર વખતે નવો જ લાગે. માગ્યું તે મળ્યું પણ મળ્યા પછી તેને માણવા માટે મન જરૂરી છે. મનપસંદ વસ્તુ કે વ્યક્તિ મેળવ્યા બાદ શું ? (જેમ કોઈ ગેઈમના બધા લેવલ પાર કાર્ય બાદ અનુભૂતિ થાય છે તેમ) જે મળ્યું છે તેને થોડા સમય માટે છોડવું જરૂરી છે. જેમ પતંગને ઉપરને ઉપર ચગાવવો હોય તો તેને થોડા સમય માટે ઢીલ આપવી જરૂરી છે. તેમ સબંધને સાચવવા માટે પણ થોડી ઢીલ આપવી જરૂરી છે. આવી વાત ને એક મજાકથી સમજી શક્યો છું.
શેઠ જીવડા ખાય છે. શેઠજી વડા ખાય છે.
બંને વાક્યોમાં યોગ્ય સ્પેસની જરૂર છે. જે ઘરની આસપાસમાં જોવા ના મળે તે Google space જોવા મળે છે. કદાચ એટલા માટે જ ‘સ્પેસ પ્રોગ્રામ’ બનાવાય છે. સંબંધ અને સેન્ટન્સમાં સાચી સમજણ માટે થોડું એકાંત જરૂરી છે. પણ જેમ કુશળ લેખક યોગ્ય ચિન્હ અને સ્પેસથી યોગ્ય વાક્ય લખી શકે તેમ તેનું મહત્વ દર્શાવી શકે છે. એટલે સ્પેસ મુકવી એક કળા છે. મારા ઘણાં વિદ્યાર્થીઓ મારા ફૂરસદના સમયમાં બોલતા હોય છે કે “મને કોઈ સમજી શકતું નથી.” ત્યારે હું તેને પુછુ છું કે ‘તું કેટલા લોકોને સમજી શકે છે? તારા માટે ઢસરડા કરતા મા-બાપને સમજી શક્યો છું ?’ (આમ પણ, ભૂલો મારાથી નથી થતી, તે તો આગળ વાળાએ બરોબર વાંચ્યું નહતું , સાવ આળસુ !!) ફેઈલ થતા વિદ્યાર્થીઓ પણ આમ જ કહેતા હોય છે. કોઈ મારા સુધી પહોંચી ના શક્યું તેના કરતા હું કોઈ સુધી કેમ ના પહોંચી શક્યો તે સવાલ મારી જાતને પૂછવો પડે છે.
વેકેશનમાં છોકરાથી માંડીને મા-બાપ બધાને સ્પેસની જરૂર છે. પ્રેમીઓને તેમનો પ્રેમ ત્યારે જ યાદ આવે છે જયારે તે તેનાથી લાંબો સમય દૂર હોય પણ લાંબા સમયથી પાસે હોય તો ……!!!!!! બસ ફરિયાદો…જ ફરિયાદો…..
તું પહેલાની જેમ મળતી નથી કે…
તું પહેલાની જેમ મને ફોન કરતો નથી…
મારો ફોન તને રીસીવ કરવાનો સમય નથી…

એક સમયે એક-બીજામાં ખોવાઈ જવાની ઈચ્છા રાખતા લોકો એકબીજાથી છુપાવવા માટે પ્રયત્ન કરે છે. કારણ કે બંને વચ્ચે યોગ્ય સ્પેસ નથી. અહીં પણ મનોજ ખંડેરિયાનો શેર મૂકી શકાય :
“જે શોધવામાં ઝીંદગી આખી પસાર થાય, ને એજ હોય પગની તળે એમ પણ બને.”

સૌજન્ય : રીડગુજરાતી

No comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.