Tuesday, July 30, 2013

તર્ક-વિતર્કથી નહીં, શ્રદ્ધા દ્વારા ઊંડી સમજ-ભૂપતભાઇ વડોદરિયા

 પોતાને ઘેર વિઝિટે બોલાવનાર એક વેપારીને જતાં જતાં ડોક્ટરે કહ્યું, "એક આટલું જ યાદ રાખવું કે ડોક્ટર પાટાપિંડી કરે છે. બાકી જખમ રુઝાવવાનું કામ ભગવાન કરે છે અને ઘા રુઝાવનારો મોટો ભગવાન બહાર જ્યાં હોય ત્યાં પણ એનો કોઇક કંપાઉન્ડર તમારી અંદર જ છે. બધી દવાઓ પણ તમારી અંદર છે. કોઇક કંપાઉન્ડર તેમાંથી સાચી દવા પસંદ કરીને તેને અસરકારક બનાવે છે."
આ સુખી વેપારી કોઇ અપવાદરૃપ કિસ્સો નથી. સુખી કે દુઃખી, બુદ્ધિજીવી કે મહેનતકશ બધાં જ પુખ્ત સ્ત્રી-પરુષો કોઇ ને કોઇ વાર આવી લાગણી અનુભવે છે. ઘણા માણસો મનની અંદર ખરાબ-ખોટા-અનિષ્ટ વિચારોને વિખેરી નાખવામાં સફળ થાય છે. કોઇ ઇષ્ટદેવનું સ્મરણ કરે છે, પ્રાર્થના કરે છે, પોતાનાં માતા કે પિતાનું સ્મરણ કરે છે. આમાં કશી નિર્બળતા જોવાની જરૃર નથી.માણસ જેમ જેમ વધુ ને વધુ જાણે છે તેમ તેમ તેનું ખોટું અભિમાન ઊતરી જાય છે. આપણા અલ્પજ્ઞાનનું આપણને પારાવાર અભિમાન હોય છે. આકાશ આસમાની છે તેનું આ કારણ છે.આકાશ આટલું ઊંચું છે (?) મેઘધનુષ રચાવાનું કારણ આ છે ત્યાંથી માંડીને અસંખ્ય બાબતો વિશેનું આપણું સહેજસાજ જ્ઞાન પણ આપણને જ્ઞાનના ડુંગર જેવું લાગે છે, પણ જગતના મહાનમાં મહાનવિજ્ઞાનીઓ આપણા સાધુસંતો સાથે સ્પર્ધામાં ઊતરી શકે તેટલા નમ્ર લાગે છે, કારણ કે તેમણે તેમના સૂક્ષ્મ જ્ઞાનની ખૂબ લાંબી છતાં સીમિત નળીમાંથી જોઇ લીધું છે કે જે કંઇ બહાર છે અને જે કંઇ આપણી અંદર છે તેનો પાર પામી શકાય તેવું નથી.
એટલે માણસ ઝાઝા તર્કવિતર્કમાં પડ્યા વગર શ્રદ્ધા દ્વારા એક ઊંડી સમજ કેળવી શકે છે.જીવનના નાના-મોટા અનંત દીપ પ્રગટાવનારી જે મહાશક્તિ છે તેનો કાંઇક અંશ દરેક જીવનમાંપડેલો છે. આપણે આપણી અંદર પડેલી આ શક્તિને ઢંઢોળી શકીએ છીએ અને તેને કલ્યાણકારક બનાવી શકીએ છીએ. અમેરિકાના મનોવિજ્ઞાનના પિતા વિલિયમ જેમ્સ કહે છે કે તમારા અજ્ઞાત મનમાં ડુંગર ડોલાવવાની શક્તિ છે. અમેરિકાનો ચિંતક રાલ્ફ વાલ્ડો એમર્સન કહે છે કે તમે જેવું વિચારો છો તેવા તમે બનો છો.
આપણો પુરુષાર્થ બહારના ક્ષેત્રે ચાલ્યા જ કરે છે, પણ દરેક માણસ જાણ્યે-અજાણ્યે એક આંતરિક પુરુષાર્થ પણ કરતો હોય છે. તેણે પોતાની જાતનું ઘડતર કરવાનું છે. પોતાની શી ગુંજાશ છે તે પારખવાનું છે અને તે ખરેખર શું મેળવવા ઇચ્છે છે તે પણ નક્કી કરવાનું છે. એક ડોક્ટર કે એક એન્જિનિયર વિદ્યા-તાલીમ લઇને પોતાનો બાહ્ય પુરુષાર્થ પુરવાર કરે છે, પણ તેના આંતરિક પુરુષાર્થનું પૂરેપૂરું બળ તેમાં ભળેલું નહીં હોય તો તે કોઇ વિશિષ્ટ પ્રદાન કરી નહીં શકે. હકીકતે આ આંતરિક પુરુષાર્થ ખૂબ મહત્ત્વનો છે, કેમ કે આમાં ખેતીનો નિયમ લાગુ પડે છે. તમે એક બીજ વાવ્યું હોય તો દસ બીજ તમે પામો છો.
મોટા વિજ્ઞાનીઓએ, દાક્તરોએ, ઉદ્યોગપતિઓએ, કલાકારોએ અને ઋષિમુનિઓએ પણ અજ્ઞાતમનના, અંતઃસ્રોતના, અંતરની પ્રેરણાના ચમત્કારો સ્વાનુભવે જોયેલા-જાણેલા છે. આ કાંઇ એકવીસમી સદીની વિશિષ્ટ દેન નથી. સિગમન્ડ ફ્રોઇડે 'અજ્ઞાત મન'ની વાત કરી તે પહેલાં સેંકડો વર્ષોથી તમામ ધર્મોએ તેની હસ્તી જાહેર કરેલી છે. ફ્રોઇડે ત્યાં માત્ર એક જડ જોઇ પણ તેનાં મૂળ સુધી ઊંડાં જવાનો તેને સમય ના રહ્યો. છેલ્લાં વર્ષોમાં કેન્સરની એક પછી એક શસ્ત્રક્રિયા કરાવી રહેલા ફ્રોઇડ લગભગ છેલ્લા દ્વાર પર પહોંચ્યા હતા, પણ પાછા વળી ગયા. બધી વૃત્તિઓ-પ્રવૃત્તિઓના મૂળમાં કામવૃત્તિ છે તેવું તેણે કહ્યું હતું, પણ આનું પણ મૂળ છે અને આ બાબતનો કોઇ અલગ મર્યાદિતરૃપ વિચાર પણ કરી શકાય તેમ નથી. હમણાં એક પ્રથમ પંક્તિના વિજ્ઞાનીએ કહ્યું છે કે, "બહુ જ ઘટ રીતે અને બહુ જ ખૂબીથી ગૂંથાયેલો આ ચંદરવો છે. ગ્રહો તો ઠીક, 'માણસ પણ ઠીક', પણ એક ઝીણામાં ઝીણી હસ્તીની, વસ્તુની પણ અસર છે. બધું જ એક બીજા પર અવલંબે છે, અસર પાડે છે. અસંખ્ય ચક્રો સર્જન-વિસર્જનનાં નિરંતર ચાલ્યા જ કરેછે. મનથી, જ્ઞાનથી, સાધનથી માપી ના શકાય તેવું આ જે અનંત-વિરાટ તંત્ર ચાલે છે, તેની પિછાનમેળવવા પૂર્વના ઋષિ-મુનિઓ પાસે જ જવું રહ્યું. બીજા કોઇની પાસે તેની વ્યાખ્યા પણ નહીં જડે.એ લોકો આ બધાને માયા કે લીલા કહેતા હોય તો તે એક વાસ્તવિક વર્ણન છે તેમ એક વિજ્ઞાનીતરીકે મારે કહેવું જોઇએ." અજ્ઞાત મન આપણી અંદર ઇશ્વર કે પરમ શક્તિનું આસન છે તેમ સમજીને તેને શુભ વિચારો, શુભ સંદેશાઓ-સંકલ્પો આપવા જોઇએ.
સૌજન્ય : શબ્દપ્રીત

No comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.