Saturday, July 20, 2013

કોની જડતા અધિક પવિત્ર ?! – હર્ષ રાજેન્દ્રકુમાર જોષીS

આ કહેવત બહુ અર્થપૂર્ણ સાબિત થાય છે જે સારા સિદ્ધાંતોને વળગી રહીને જીવનની ઉન્નતી ઈચ્છે છે. પણ અહીં વાત સિક્કાની બીજી બાજુની કરવી છે. અમુક લોકો ગાંધીજી જેવા સિદ્ધાંતવાદી બનવા અન્ય વ્યક્તિઓ સામે પોતાનું જક્કી વલણ દાખવે છે. તેઓ માને છે કે સિદ્ધાંતવાદી બનવાથી સફળ થવાય છે અને એ માન્યતા સાચી પણ છે પરંતુ જો અન્ય વ્યક્તિ તે જ વ્યક્તિ સાથે તેવો જ વ્યવહાર કરે અથવા જક્કીપણું દાખવે તો તે સહન કરી શકતા નથી ! આ તો પોતાનો જ કક્કો ખરો કરવાની વાત થઈને ?
ગાંધીજી જેવા સિદ્ધાંતવાદી બનવું હોય તો સામી વ્યક્તિના સિદ્ધાંતોને પણ તેટલું જ માન આપતા શીખવું જોઈએ. માત્ર સિદ્ધાંતને જડપૂર્વક વળગી રહેવાથી જ સફળ નથી થવાતું. ગાંધીજી પણ પોતાના સંસર્ગમાં રહેલી વ્યક્તિના સિદ્ધાંતોનું મૂલ્યાંકન કરતા અને જ્યાં પોતે ખોટા જણાય ત્યાં નિઃસંકોચ પણે તેનો સ્વીકાર કરતા અને સામી વ્યક્તિનાં સિદ્ધાંતને ખેલદિલીથી માન આપતા. જ્યારે અમુક લોકો જેટલી જડતાથી પોતાના સિદ્ધાંતને વળગી રહે છે તેટલી સરળતાથી અન્યનાં સિદ્ધાંતને સ્વીકારી શકતા નથી અને એટલે જ બે વ્યક્તિઓ વચ્ચે ખટરાગ પેદા થાય છે.
આ બાબતમાં લેખકશ્રી ગુણવંત શાહ જણાવે છે કે : ‘ભારતમાં હિંદુ-મુસલમાન વચ્ચે કોમી તંગદિલી કેમ પ્રવર્તે છે ? કેમ કે બંને કોમ એમ સાબિત કરવા માગે છે કે તમારી જડતા કરતાં અમારી જડતા અધિક પવિત્ર છે !’ આપણા સમાજમાં પણ વ્યક્તિ વ્યક્તિ વચ્ચે આવી જ બાબતોને લીધે વિગ્રહ પેદા થાય છે કે તમારા જડ સિદ્ધાંત કરતાં અમારો જડ સિદ્ધાંત વધુ સારો છે અને તેથી જ એ સર્વ સ્વીકૃત હોવો જોઈએ. આપણાં સમાજમાં મોટી તકલીફ જ એ છે કે બધાને બોલવું છે, સાંભળવું કોઈને નથી અને જેણે સાંભળવું છે તેને વગર વિચાર્યે આંધળું અમલીકરણ કરવું છે. માટે જ ગુરુઓનો રાફડો ફાટ્યો છે, જેના શિષ્યો ગર્વથી કહે છે કે અમારા ગુરુનાં સિદ્ધાંત મુજબનું જીવન જ શ્રેષ્ઠ છે !! જેવી રીતે ગાંધીજી પોતાના સિદ્ધાંતો માટે અફર રહેતા તથા સત્યનાં આગ્રહી બનતા તેવી જ રીતે તેમના હૃદયમાંથી કરુણાનું અવિરત ઝરણું વહ્યા કરતું. પૂજ્ય શ્રી મોરારીબાપુ એ તો રામ-લક્ષ્મણ-જાનકી ને સત્ય-પ્રેમ-કરુણાનું રૂપક આપ્યું છે. શ્રીરામ એટલે કરુણા, જાનકીજી એ પ્રેમ અને લક્ષ્મણજી સત્ય. સિદ્ધાંત અને શિસ્ત એકબીજા સાથે સંકળાયેલા છે. જ્યાં સુધી આપણાં સમાજમાં સ્વયંશિસ્ત ન આવે ત્યાં સુધી આપણો સમાજ આદર્શસમાજ ન બની શકે. અત્યારે આપણા સમાજમાં અમુક વર્ગ એવો છે જેનામાં શિસ્ત બહુ ઓછી છે જ્યારે અમુક વર્ગ એવો છે જેનામાં વધુ પડતી શિસ્ત સ્થાન લઈ ચૂકી છે. અહીં એ પણ ધ્યાન રાખવું જોઈએ કે અતિશય શિસ્ત માનવીનાં જીવનમાં એક પ્રકારની જડતા લાવી દે છે અને માનવી ખૂલીને જીવી શકતો નથી. માનવી જીવનયાત્રાના કોઈક સ્થળે અતિશિસ્તરૂપી સાંકળથી આપમેળે જ બંધાઈ જાય છે અને પોતાના જડ સિદ્ધાંતોને વળગી રહે છે. એ એમ માનવા લાગે છે કે હું જીવનનાં શ્રેષ્ઠ મુકામ પર પહોંચી ગયો છું પરંતુ આવી વ્યક્તિની માન્યતાનો માનભંગ થવો જોઈએ.
બંને સાચા પરંતુ જુદી જુદી દિશા ચિંધનારા સિદ્ધાંતો વચ્ચે સંતુલન જાળવી રાખે તે જ સાચો સિદ્ધાંતવાદી. અહીં આ બાબતને અનુલક્ષીને ગાંધીજીનું ઉદાહરણ લીધું છે પરંતુ બીજા ઘણાં સિદ્ધાંતવાદીઓ પોતાના બહુમુખીત્વ અભિગમને કારણે સફળ થયા છે નહિ કે સિદ્ધાંતોની જડતાથી !
સૌજન્ય : રીડગુજરાતી

No comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.