Sunday, August 11, 2013

પત્નીપરિચયની ટીપ્સ – વલીભાઈ મુસા.


ઘણીવાર પત્નીને પાર્ટીઓમાં સાથે લઈ જવાનું બને. ત્યાં તમને એકલાને જ ઓળખતા કોઈ જન ભીડાઈ જાય, ત્યારે પત્નીની ઓળખ આપવી પડે. ઘણા ભાઈઓની મુંઝવણને ધ્યાનમાં રાખીને કેટલીક વણમાગી ટીપ્સ નીચે આપી છે. આ ટીપ્સમાંથી કોઈ એકની આગળ ગમે તે  એકનો જ ઉપયોગ વિવેકમાં ખપશે. એકાધિક ઉપયોગ અતિશયોક્તિ, પુનરોક્તિ, હાસ્યોક્તિ, મૂર્ખોક્તિ જેવી અનેક ઉક્તિઓમાં ગણાઈ જશે.
  – આ છે મારાં વાઈફ, નામ નથી આપતો, કેમકે તમારે ઘણાની વાઈફોને મળવાનું થશે અને તમને યાદ નહિ રહે.
  -આ છે મારાં શ્રીમતીજી, ઘરમાં તો ‘અલ્યા એય, સાંભળે છે કે!’ કહીએ, પણ અહીં તો ‘જી’ ઉમેરવું પડે! જાહેર જગ્યા છે, એટલે જ તો!
  -આ છે અમારાં સંતાનોની જનેતા, જેનો મતલબ આપ સમજી શકો છો.
  -આ મારાં બેગમ, પણ હું બાદશાહ નથી હોં કે!
  -આ મારાં પત્ની (જોજો ધર્મપત્ની ન કહેતા, નહિ તો તેના વિરોધી શબ્દે અન્ય પણ હોવાનો વહેમ થશે અથવા ધર્મની બહેન જેવો ખોટો સંદેશ પહોંચશે, જે સાવ અશક્ય છે કેમ કે કોઈ એવા સંબંધે ન જોડાય!)
  -આ અમારા ઘેરથી છે, અમે જરા જુનવાણી હોઈ નામ નથી બોલી શકતા!
  -આ અમારાં ‘એવાં એ’ છે, અમારાં એટલે કે મારાં!
  -મળો મારાં અખંડ સૌભાગ્યવતીને, હજુ એમની ચુડીઓ ખણખણે છે કેમ કે હજુ હું મુઓ તમારી નજરો સામે તો છું!
  -આને મળો, તમારે ભાભી કે બહેન જે કહેવું હોય તે. એણે નામ આપવાની નાપાડી છે કેમકે તેનું જુનવાણી નામ ‘કડવી’ છે!
  – યે હૈ હમારી શરીકે હયાત, હમસફર, ઘરવાલી જો ઠીક લગે વો સમઝો, પર મતલબ બીબી હી હૈ!
  – See her please, she is my better half, I mean, my wife! (Better half બને ત્યા સુધી ન વાપરો તો સારું, કેમકે Better ની નીચે good અને Better ની ઉપર Best પણ આવી શકે અને આમ સામેવાળાં તમારે ત્રણ બાઈડીઓ હોવાના વહેમમાં પડે)  
- અલ્યા ભઈ, હું ઈંયોના ઘેરથી સું, એટલં ઈ મારા ઘેરથી સં ઈમ હમજજો ! તમારાં નવી કાચી! નવી એટલં બીજાં નંઈ, એમનું નોંમ નવલ સે.
  – વલીભાઈ મુસા

No comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.