Wednesday, August 21, 2013

મારા પોતાના જ પ્રશ્નો છે એટલે મને મૂંઝવે છે – ભૂપત વડોદરિયા




[ પંચામૃત શ્રેણીના ‘અભિષેક’ પુસ્તકમાંથી સાભાર.]
ક નિવૃત્ત સરકારી અધિકારીએ પ્રશ્ન કર્યો : વર્ષો સુધી સરકારમાં રહ્યા અને અન્ય લોકોના પ્રશ્નો સાંભળ્યા અને તેનો કોઈને કોઈ ઉકેલ કે જવાબ રજૂ કર્યો તેમાં મારી ફરજનો મુદ્દો હતો. એમાં અંગત રીતે હું ક્યાંય સંડોવાયેલો નહોતો. પણ હવે મને લાગે છે કે મારી સામે પ્રશ્નો ને પ્રશ્નો જ છે. એ બધા જ પ્રશ્નો મારા પોતાના, મારા કુટુંબના છે અને તેનો વિચાર કરવા બેસું ત્યારે પેલી અધિકારીની તટસ્થતા કે નિર્મમતા ખપમાં આવતી નથી.
મારી એક પુત્રી છે. મેં તેને વધુ અભ્યાસ માટે પરદેશ મોકલી હતી. ત્યાં એક યુવકના પ્રેમમાં પડી અને એટલી મોહવશ બની ગઈ કે તેની સાથે તેણે લગ્ન કરી લીધાં. લગ્નને એક સપ્તાહ પણ વીત્યું નહીં હોય ત્યાં એક નજીવું કારણ આગળ કરીને તેનો પતિ ચાલ્યો ગયો. મારી પુત્રીએ તેની શોધખોળ કરવા માંડી અને એનો ન્યુ જર્સીમાં એક સ્થળે ભેટો થઈ ગયો. તેની જોડે કોઈ બીજી યુવતી હતી અને એ યુવકે મારી પુત્રીને ઓળખવા સુધ્ધાંની ના પાડી. મારી પુત્રીએ તો એ યુવક સાથે એક મંદિરમાં કે દેવળમાં લગ્ન કર્યાં હતાં. મારી પુત્રીને આઘાત લાગ્યો અને એ તીવ્ર ડિપ્રેશનનો ભોગ બની. જાતે જઈને અમે તેને દેશમાં લઈ આવ્યાં. એ એટલી બધી હતોત્સાહ થઈ ગઈ છે – કોઈ કોઈ વાર તો શંકા પડે કે મગજની સમતુલા તો ગુમાવી નહીં બેસે ને ?
મારી એ દુઃખી પુત્રી મને વારંવાર પ્રશ્ન કર્યા કરે છે : ‘પપ્પા, પ્રેમ શું છે ? પુરુષનો પ્રેમ શું છે ? સ્ત્રીનો પ્રેમ શું છે ? એમાં તફાવત શું છે ? પુરુષના પ્રેમમાં તો જાણે કોઈ અંધારી રાતે ક્યાંક રાતવાસો કરીને સવાર પડતાં ચાલ્યો જાય એવું નથી બનતું ? સ્ત્રીનો પ્રેમ તો ઘરનું દેવસ્થાન કે પાણિયારું હોય છે કે નહીં ? પુરુષ પોતાની પાટી ઉપર કાંઈક લખે અને ભૂંસી પણ નાંખે. પણ સ્ત્રી માટે તો એ મુદ્દલ સાચું નથી ને ? એ યુવકે મને શીલભંગ કરી તેનું મને દુઃખ નથી. પણ મારા કિસ્સામાં તો તેણે માત્ર મને શીલભંગ નથી કરી – એણે તો મારું મન જ ભાંગી નાંખ્યું છે. મારું ટટ્ટાર વ્યક્તિત્વ જાણે કમરથી ઝૂકી ગયું છે. નવું જીવન જીવવાનો – શરૂ કરવાનો કોઈ ઉત્સાહ-ઉમંગ ક્યાંય રહ્યો નથી.’ દીકરી માર્ગદર્શન માંગે છે એટલે હું તેને કહું છું કે મારા ધ્યાનમાં બે-ત્રણ યુવકો છે- ગુણવાન છે. મારા વિશ્વાસપાત્ર છે. તારી વાત પૂરેપૂરી રજેરજ સાંભળ્યા પછી પણ તને સ્વીકારવા તૈયાર થશે અને હાથમાં ફૂલની જેમ રાખશે. પણ દીકરી કશો નિર્ણય કરી શકતી નથી. એક વાર એની વાત કાઢીને મેં પ્રશ્ન કર્યો : ‘બેટા, તું સમજદાર છે, બુદ્ધિશાળી છે. હું તને જ પૂછું છું કે તારે હવે શું કરવું છે ? તું આમ નિષ્ક્રિય સૂનમૂન બેસી રહીને શું કરીશ ? ગળાટૂંપો ખાધા વગર આ એક ગળાટૂંપો જ નથી ? તું શેની રાહ જુએ છે ?’ પુત્રીએ નિખાલસપણે જવાબ આપ્યો. દીકરીએ કહ્યું, ‘સાચું કહું છું કે મને હજુ એવી આશા છે કે તેને પસ્તાવો થશે અને મારી પાસે તે પાછો આવશે. મને થાય છે કે અમે બંને દુર્ભાગ્યનો ભોગ બન્યાં છીએ. એ ચોક્કસ પસ્તાશે અને પાછો ફરશે. પપ્પા, તમે શું માનો છો ?’
હું પુત્રીને શું કહું ? ખોટા આશ્વાસનના થોડા શબ્દો કહું કે કડવું વખ સત્ય કહું ? દીકરી, સ્ત્રીઓ જેટલી સંવેદનશીલ હોય છે એટલા સંવેદનશીલ આ જમાનામાં પુરુષો હોતા નથી. પુરુષો ઘણા બધા સારા, માયાળુ અને ગુણવાન પણ હોય છે, પણ એ જ રીતે ઘણા બધા પુરુષો સ્ત્રીને ભોગવે છે અને પછી તેને એઠું પતરાળું ગણીને ફેંકી દે છે. પુરુષને માટે એ વાસના-તૃપ્તિની એક તક છે. સ્ત્રીને માટે મનમાં ઘૂંટેલા સુખી સંસારનું એક ઉઘાડી આંખનું સ્વપ્ન હોય છે. બેટા, નવું જીવન શરૂ કર. ભૂતકાળને ભૂલી જા, ક્યાંક દફનાવી દે. આવતીકાલ ગઈકાલનું પુનરાવર્તન જ હોય એવું નથી હોતું. શુભમાં-મંગલમાં શ્રદ્ધા રાખ. જે ગયું તે ગયું. હવે જિંદગીનો એક નવો અધ્યાય શરૂ કરવા તત્પર બન.
કોઈ પણ માણસ વિચારે તો આ નિવૃત્ત અધિકારીના ખ્યાલો સાથે સંમત થયા વગર રહી ના શકે. જે સમય વીતી ગયો – સારો કે માઠો – તેને ભવિષ્યની છાયારૂપે જોવાની જરૂર નથી. સવારે માણસ ઊંઘમાંથી ઊઠે, ત્યારે નવા જીવનની એ શરૂઆત છે તેમ સમજવું જોઈએ. દરેક પ્રભાત એક નવી જિંદગીનો આરંભ બને છે. કેટલાક માણસો રાત્રિની ઊંઘમાં જ આ સંસાર છોડીને ચાલ્યા જાય એવું પણ બને છે. પરમાત્માએ સવારે તમને તાજામાજા જગાડ્યા – એટલે તમને એક નવી જિંદગીનું વરદાન આપ્યું તો તેને વધાવી લેવું જોઈએ. વરદાનને સાચા અર્થમાં વરદાન બનાવવું જોઈએ
સૌજન્ય : રીડ ગુજરાતી

No comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.