Tuesday, September 10, 2013

સવારની ચા નો કપ સાંજે ! – ભૂપત વડોદરિયા

એક બૅંક અધિકારીને સાત વરસ પહેલાં મળવી જોઈતી બઢતી છેક હમણાં મળી એટલે તે અંગેના અભિનંદનનો સ્વીકાર કરતાં તેમણે અફસોસ પ્રગટ કર્યો કે, સવારે ચાના કપની રાહ જોતા બેઠા હોઈએ અને ચાનો કપ સાંજે મળે તેવું થયું !
માણસ આ કે તે પ્રાપ્તિ માટે પોતાના મનથી એક સમયબિંદુ નક્કી કરી નાંખે છે. તે ક્ષણે તે તલપાપડ બનીને પ્રાપ્તિની કે બઢતીની રાહ જુએ છે. પછી તરસ્યા કરે છે. ખરેખર, જ્યારે તેને ઈચ્છિત ફળ મળે ત્યારે તેને થાય છે કે કેટલું મોડું થઈ ગયું ! ધાર્યા કરતાં ખૂબ પ્રસંગે પણ ગમગીન બની જાય છે.
બ્રિટનના વડાપ્રધાન ડિઝરાયલી સંઘર્ષની લાંબી મજલ પછી વડાપ્રધાન બન્યા ત્યારે એમણે આવા જ શબ્દો ઉચ્ચાર્યા હતા. વડાપ્રધાનનું પદ તો આખરે મળ્યું પણ કેટલું મોડું ! પછી તેને ખબર પડી કે કેટલીક ઘટનાઓ તો એક જ વાર બને છે. તે વહેલી મળે તો કંઈ ન્યાલ થઈ જવાતું નથી અને મોડી મળે તો કંઈ પાયમાલ થઈ જવાતું નથી. ઘણા બધા માણસોને તો તેમણે ઈચ્છેલી વસ્તુ અંત સુધી મળતી પણ નથી. કેટલાકને તેમના મૃત્યુ પછી આખી જિંદગી ઝંખેલી કીર્તિ મળી હોય તેવું પણ બન્યું છે. મોડા મોડા પણ માંગેલું જે કંઈ મળે તેને માટે સંતોષ માનવો તે જ સાચું વલણ છે. પણ માણસનું મન એવું છે કે પોતાની ધારણા કરતાં સહેજ પણ મોડું થાય અને કાંઈક મળે ત્યારે ‘વિરોધની લાગણી’ સાથે તેનો સ્વીકાર કરે છે ! સવારે ઝંખેલી ચા સાંજે મળી હોય તેવું લાગે પણ ચા હજુ ગરમ જ હોય તો ઓછું આણવાની જરૂર નથી.

દરેક માણસને પોતાની જિંદગીના નકશારૂપે ઊંચો પહાડ જોવાનું જ ગમે છે. પણ યાદ તો રાખવું જ પડે છે કે જે પર્વતની ટોચ પર પહોંચે છે તેણે તળેટી તરફ પાછા ફરવાનું આવે જ છે. એક એક ટેકરી પગથિયું બને અને ઊંચામાં ઊંચા પહાડ પર તમે પહોંચો પછી શું ? કોઈ આકાશને અડી શકતું નથી. કોઈ પર્વતની ટોચ પર જ રહી શકતું નથી. કેટલાક માણસો ગૌરવપૂર્વક પર્વત પરથી નીચે ઊતરે છે, કેટલાક ગબડી પડે છે, કેટલાક ધક્કે ચઢીને નીચે આવે છે, પણ ઊંચાને ઊંચા ઊડ્યા જ કરવાનું લગભગ અશક્ય છે. માણસને કંઈ પણ મનવાંચ્છિત ફળ મોડું મળે તો તે વહેલું મળ્યું હોત તો સારું હતું એવો અફસોસ હદયમાં ઘૂંટતી વખતે વિચારવું જોઈએ કે આ બધું વહેલું મળ્યું હોત તો શું ફરક પડત ? આવો અફસોસ કરનાર એવું માનતા હોય છે કે આજે મોડું મળેલું ફળ વહેલું મળ્યું હોત, પોતે જે ક્ષણે વધુમાં વધુ ઝંખ્યું હતું તે ક્ષણે મળ્યું હોત તો તેઓ આજે તેના કરતાં પણ વધુ મોટી પ્રાપ્તિને લાયક બની ચૂક્યા હોત ! હકીકતે માણસની જિંદગી સીધા ને સીધા તેમજ ઊંચે જ દોરી જતાં પગથિયાનો જ નકશો કદી હોતી નથી. કેટલાક બનાવો એક જ વાર બને છે તે વહેલા બને કે મોડા બને – વહેલા બને તો ચઢતીની વધુ તકો બાકી રહે અને મોડા મળે તો તે છેવટની તક બની જાય તેવો કોઈ નિયમ નથી.

કોઈ પણ પ્રકારની બઢતી કે પ્રાપ્તિને માણસે પોતાની લાયકાતના આખરી પ્રમાણપત્ર કે પુરાવારૂપે જોવાની પણ જરૂર નથી. ઝંખેલી વસ્તુ ચોક્કસ ક્ષણે મળતી નથી, તેનું જે દુ:ખ માણસને થાય છે, તેના મૂળમાં આ લાગણી પડેલી છે. તે માને છે કે, તેણે ઘણી વહેલી લાયકાત પ્રાપ્ત કરી લીધી છે અને આવી યોગ્યતા પ્રાપ્ત કરી લીધા છતાં પોતે માંગેલું સ્થાન કે ઈચ્છેલી સ્થિતિ પ્રાપ્ત થઈ નહીં તેનો અર્થ એ કે પોતાની લાયકાતની અવગણના થઈ ! તમે ખરેખર તમારી કોઈ લાયકાતમાં માનતા જ હો તો તે લાયકાતને તમારે અમુક દરજ્જાની પ્રાપ્તિના ગજથી માપવાની જરૂર જ નથી. એક પલ્લામાં લાયકાત અને બીજા પલ્લામાં પ્રાપ્તિ એવી રીતે જિંદગીને વજનના કાંટા પર ચઢાવવાની જરૂર નથી. માણસની જિંદગીમાં ખરેખર ધન્યતાની લાગણી આપનારી ચીજ લાયકાતની અને સુસજ્જતાની ઝંખના છે. વધુ ને વધુ કુશળ બનવાનો એક આનંદ છે. આવા કૌશલની પ્રાપ્તિ એ જ એક મોટો આનંદ છે. એવી કોઈ પણ લાયકાતને અમુક સ્થાન કે બઢતી માટેના પરવાના-પત્ર તરીકે જોવાની જરૂર નથી. સ્થાન કે બઢતી મળે તે સારી વાત છે પણ તેને જ સાર્થકતા સમજવાની જરૂર નથી. સંપૂર્ણ લાયકાત હોય અને તે લાયકાત મુજબનું સ્થાન ના મળે તો તે કોઈ મોટી કમનસીબી નથી. વધુ મોટી કમનસીબી તો પ્રાપ્ત થયેલી બઢતી કરતાં લાયકાત ટૂંકી પડે તે છે.
સર વિન્સ્ટન ચર્ચિલની રાજકીય કારકિર્દી જાણીતી છે. 60 વર્ષની ઉંમર સુધીની તેની જિંદગી એક પછી એક નિષ્ફળતાની હારમાળા હતી. મહાત્વાકાંક્ષા અદમ્ય હતી. કંઈક મળતું અને તરત ચાલ્યું જતું ! અપજશનો પોટલો મૂકીને ચાલ્યું જતું ! ચર્ચિલ માનતો કે તે ખૂબ લાયક અને કાબેલ છે. એટલે તેના પક્ષના આગેવાનો જાણી-જોઈને તેને સ્થાન આપતા નથી અને ઈરાદાપૂર્વક તેની અવગણના કરે છે. ચર્ચિલ આ રીતે પોતાના પક્ષના આગેવાનોને ધિક્કારની નજરથી જોતો રહ્યો. છેવટે જ્યારે ચર્ચિલે ઝંખેલું વડાપ્રધાનનું પદ તેની સામે આવીને ઊભું રહ્યું ત્યારે તેનું હૃદય આનંદથી છલકાઈ ઊઠ્યું. સાથે સાથે તેને વિચાર આવ્યો કે ભૂતકાળમાં જે જે ક્ષણે મેં જે જે સ્થાનની ઝંખના કરેલી એ સ્થાનો પણ તે વખતે મળ્યાં હોત તો આજનું આ ઈનામ પ્રાપ્ત કરવાનું શક્ય રહ્યું હોત ખરું ? તેણે ભૂતકાળના બનાવો પર નજર કરી અને તેને અચંબો થયો કે ભૂતકાળમાં માગેલાં સ્થાનો તેને મળ્યાં હોત તો તે હકીકત જ તેની આજની સૌથી મોટી ગેરલાયકાત ગણાઈ હોત અને યુદ્ધકાળે બ્રિટનના વડાપ્રધાન બનાવાની આજની તેની સૌથી મોટી લાયકાત પેદા જ થઈ ના હોત ! હીટલરની સાથે શાંતિ-સંધિ કરવાની નીતિ, જર્મની માગે તે આપીને સમાધાન કરવાની ચેમ્બરલેઈનની નીતિનો એ ભાગીદાર બન્યો હોત તો તે યુદ્ધમાં સપડાયેલા બ્રિટનનો આગેવાન બની જ ના શક્યો હોત !
મોડે મોડે માણસને જે કાંઈ મળે છે તે માટેની તેની લાયકાતના મૂળમાં ભૂતકાળની આવી ઘણી ‘ગેરલાયકાતો’ પડી હોય છે. સ્ટાલિનની ઊંચાઈ ઓછી ના પડી હોત અને લશ્કરમાં ભરતી થઈ ગયો હોત તો તે લશ્કરમાં જ કોઈક નાની કે મોટી પાયરી પર પહોંચીને ગુમનામ નિવૃત્તિમાં ધકેલાઈ ગયો હોત ! અમેરિકાના મશહૂર વાર્તાકાર ઓ. હેનરીને હિસાબની ગોલમાલના ખોટા આરોપસર જેલમાં મોકલવામાં આવ્યો ન હોત તો તેણે વાર્તાઓ જ લખી ના હોત ! હકીકતે માણસે પોતાની માનેલી બધી લાયકાત છતાં મળેલી નિષ્ફળતાઓમાંથી જ એક લાયકાત પેદા થાય છે, જે નવી સફળતાને પ્રાપ્ત કરવામાં નિમિત્ત બની રહે છે.
એક રશિયન કવિએ ઠીક કહ્યું છે કે આકાંક્ષાના બહુ ઊંચા વડને પાણી પાયાં અને આવા મોટા ઝાડને બહુ જ નાનકડા ટેટા આવ્યા ત્યારે છાતી બેસી ગઈ ! બીજી બાજુ સહેજ પણ ઊંચા નહીં ચઢી શકતા વેલા જમીન પર પથરાયા. આ જમીનદોસ્ત વેલાનાં તડબૂચ જોયાં ત્યારે આશ્ચર્યથી છાતી ગજરાજ ફૂલી ! બે ઊંચા ઝાડ ઊભાં કરીએ એટલે મોટાં ફળ જ મળે તેવા ભ્રમમાંથી છૂટકારો થયો !
ફળપ્રાપ્તિ, બઢતી, એ બધું જ બાજુએ રાખીને ખરેખર વિચારવા જેવું આ છે કે કોઈ ને કોઈ વિદ્યા અગર કંઈ ને કંઈ કૌશલ પ્રાપ્ત કરવાની કોશિશમાં જિંદગીનો જે આનંદ છે તેની તોલે બીજું કશું આવી ના શકે. એવી જ રીતે આટલી વિશાળ દુનિયામાં ઘણી બધી જગા છે, ઊંચાં સ્થાનો છે, કેટલાંક સુંદર સ્થળો છે. પણ બધું જ આપણે જોઈ કે ભોગવી શકીએ તેમ નથી. બહારની દુનિયામાં ક્યાં સુંદર સ્થાન – કેવી જગા પ્રાપ્ત કરી લીધી – તેના પરથી પણ તમે તમારા સુખ-સંતોષનો આખરી હિસાબ કાઢી શકવાના નથી. તમારા પોતાના જીવનમાં, તમારા પોતાના ઘરમાં, તમારા પોતાના કુટુંબમાં, તમારા સ્નેહીસંબંધી અને મિત્રોના સમુદાયમાં તમે કેવી રીતે ગોઠવાઈ શકો છો, તમારા માટે કેટલી જગા મેળવી શકો છો – તેના પર તમારા સુખ-સંતોષનો આધાર છે. છેવટે કોઈ પણ માણસ પોતાની જગા અને પોતાનું સ્થાન પોતાની અંદર અને પોતાના આપ્તજનોના હૈયામાં જ શોધવાનું છે. માણસે પોતાની લાયકાતનાં સરનામાં પણ બહાર ને બહાર શોધવાની વધુ પડતી ભાંજગડમાં પડવા જેવું નથી.
સ્પેનનો એક કવિ કહે છે : મારે નક્શામાં કે પ્રત્યક્ષરૂપે કોઈ સુંદર ઊંચા પર્વતો કે સરોવરો કે હરિયાળા પ્રદેશો જોવાની ઝાઝી લાલસા નથી. મને મારા, બાળકના હાથની કળા અને રેખાઓ જોવામાં એટલો રસ પડે છે કે ના પૂછો વાત ! મારા વૃદ્ધ પિતાની કરચલીઓમાં હું જે જોઉં છું એવું ભૂસ્તર મેં ક્યાંય જોયું નથી ! મેં મારી માતાની આંખમાં મારી પોતાની છબી જોઈ છે તેનું વર્ણન કરવા માટે મારી પાસે શબ્દો નથી ! કેટલીકવાર તો સ્નેહના સંબંધોમાં હું જે મીઠી ભીંસ અનુભવું છું તેમાં એટલો બધો તરબતર બની જાઉં છું કે મને લાગે છે કે, આમ ને આમ જીવું તોય મઝા છે અને મરું તો ય ધન્ય !

સૌજન્ય : રીડ ગુજરાતી

No comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.