Monday, September 16, 2013

મનોબળ - ભુપતભાઇ વડોદરિયા

મોટા ચમરબંધીની શેહમાં પણ નહીં આવતો એક અડીખમ માણસ બિછાનામાં અસહાય બનીને પડ્યો છે. જીભનું કેન્સર છે. પાકેલા ટામેટા જેવી જીભ પ્રવાહી કે બીજું કશું પેટમાં જવા દેતી નથી. કેન્સરના નિષ્ણાત તબીબો મસલતો કરે છે, શસ્ત્રક્રિયાનો તખ્તો તૈયાર કરે છે. આપ્તજનો આંસુ સારે છે. એ માણસની આંખમાં પણ આંસુ જ હોવાં જોઈતાં હતાં, પણ એ આંસુ આઘાતની લાગણીથી થીજી ગયાં છે. માણસ ધનિક છે, પણ અત્યારે તગડા બેન્ક બેલેન્સના જોરે તે કોઈને આંકડો ભર્યા વગરનો કોરો ચેક આપે તોય બદલામાં કોઈ તેની પીડા લઈ શકે તેમ નથી, કોઈ તેનો રોગ લઈ શકે તેમ નથી. આવરદાના ઝંખવાઈ રહેલા કોડિયામાં કોઈ નવી વાટ કે નવું દિવેલ મૂકી શકે તેમ નથી.

રોગ કે માંદગીનો ભોગ બનેલા માણસને પહેલી જ વાર ‘પહેલું સુખ તે જાતે નીરોગી’નો મર્મ સમજાય છે. પણ રોગથી બચી જવું તે માણસના હાથની વાત નથી. મોતની જેમ રોગ પણ એક ગૂઢ હસ્તી છે. દાક્તરો તેનો પાર પામવા જરૂર મથે છે, રોગોની સામે ટક્કર પણ લે છે. પણ સદભાગી કે દુર્ભાગી મનુષ્યના પલ્લામાં આ કે તે રોગ શા માટે આવે છે તેનો ભેદ કોઈ સમજાવી શકતું નથી. કોઈ કહે છે કે આ તો પૂર્વજન્મનાં પાપ, કોઈ કહેશે કે માણસ અહીં જે કરે છે તેનાં ફળ અહીં જ ભોગવે છે. ઉપર કોઈ અલગ સ્વર્ગ નથી. સ્વર્ગ અને નરક આ સંસારમાં જ છે અને આ જિંદગીમાં જ તે જોવાનાં છે. વાત પૂર્વજન્મની હોય કે આ જન્મની. શ્રીમદ્ રાજચંદ્ર જેવાને કેન્સરનો રોગ આવે તે માની શકાતું નથી. જેના આ અવતારમાં ધાર્મિકતા તેની પૂર્ણ કળાએ વિકસી હોય, આટલી જુવાન વયમાં જેણે આટલી સિદ્ધિ મેળવી હોય તેનો આગલો જન્મ શું સાવ ધર્મવંચિત હોઈ શકે? માની શકાતું નથી અને છતાં સાચું છે કે રોગ ધર્માત્માઓને પણ છેડતો નથી. ગરીબ કે તવંગર, પાપી કે પુણ્યશાળી, બાળક કે જુવાન કોઈને તે છોડતો નથી. કોઈ કહે છે કે દાક્તરો વધ્યા તેમ રોગ પણ વધ્યા.

જૂના જમાનામાં આટલા બધા રોગ ક્યાં હતા? આજે તો જાતજાતના રોગ ફાટી નીકળ્યા છે. સંભવ છે કે જૂના જમાનામાં પણ આજના જેવા જ રોગો હશે, પણ તેનું નિદાન થતું નહીં હોય. સવાલ થાય કે રોગ સામે માનવી આટલો લાચાર હોય તો શું એણે સતત ફફડાટથી જીવવું? શંકાશીલ બનીને જીવવું? મોંમાં ચાંદાં પડે એટલે કેન્સરનો ભય પામીને દાક્તર પાસે દોડવું? એક ગૂમડુ  ન મટે એટલે, ડાયાબિટીસ છે તેવો વહેમ કરીને કોઈ નિષ્ણાતની ફી ખરચવી? વાંસામાં દુખાવો થાય કે તરત હૃદયરોગના આવી રહેલા હુમલાનો ભય માનીને કાર્ડિયોગ્રામ કરાવવા દોડવું? માણસે વાજબી સંભાળ અને તકેદારી રાખવી જોઈએ તથા વખતસરના ઉપચારો કરવા જોઈએ. પણ રોગની ભડક સેવવાથી માણસનું જીવન અકારણ પીડાકારક બની જાય છે. માણસ માત્ર દાક્તર કે દવાની મદદથી રોગનો મુકાબલો કરી શકતો નથી. જરૂર પડે ત્યાં દાક્તરનો સાથ માગો કે દવા લો, પણ રોગની સામે તમારી જીવનશક્તિને પણ બરાબર કામે લગાડો. માણસની ઇચ્છાશક્તિ, અડગ મનોબળ પોતે જ એક દવા છે. આ હકીકત છે. દાક્તરોએ ‘હોપલેસ’ કહીને છોડી દીધેલા કેસોમાં માણસો અદમ્ય મનોબળથી બેઠા થયાના કિસ્સા જોયા છે. ગંભીર રોગ હોય, પીડાનો વીંછી ઘડી વાર જંપતો ન હોય ત્યારે ઈશ્વરને અને મનોબળને કામે લગાડો. તેની તાકાત કેટલી મોટી છે તેનું ભાન થયા વગર નહીં રહે.

દરેક માણસમાં કુદરતે જીવનશક્તિનીમનોબળની અનામત ટાંકી મૂકેલી છે. તેને કામે લગાડો. કેટલાક રોગ એવા હોય છે કે માણસને પથારીવશ થવું પડે. શરીરને ભલે પથારીમાં રાખો, પણ મનને પથારીમાં રાખવું નહીં. તે રોગથી હારીને સૂઈ ન જાય તે ખાસ જોવાનું છે. જેઓ મનથી રોગના શરણે જાય છે તેમની હાર નિશ્ચિત છે. જેઓ મનને અડગ રાખે છે, રોગની શરણાગતિ સ્વીકારતા નથી અને રોગને મારી હઠાવવાની પ્રતિજ્ઞા અકબંધ રાખે છે તે વહેલામોડા જીતી જાય છે. કોઈ કિસ્સામાં છેવટે જીત ન પણ થાય, તોય શું? રોગને તાબે થઈને લાચારીથી મોતને આધીન થવું અને બહાદુરીથી લડતાં લડતાં મોતને ભેટવું એમાં મોટો ફરક છે.

No comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.