Saturday, December 14, 2013

કર્મકાંડો કરતાં કમ્પ્યુટરમાં દેશનું વીશેષ કલ્યાણ છુપાયું છે ! -દીનેશ પાંચાલ

‘દુનીયાને કોણ વધુ ઉપયોગી – આસ્તીકો કે નાસ્તીકો ?’  આ દુનીયા આસ્તીકોની શ્રદ્ધાથી નથી ચાલતી. નાસ્તીકોના નીરીશ્વરવાદ વડે ય નથી ચાલતી. ચાલે છે કામ કરનારા કર્મયોગીઓ વડે. રસ્તા વચ્ચે પથ્થર પડ્યો છે એવી ફરીયાદ કરનારાઓ કરતાં એ પથ્થરને ઉંચકીને ફેંકી દે એવા માણસની આજે દુનીયાને વીશેષ જરુર છે. પાણી પર પીએચ.ડી. કરનારા કરતાં, કુવો ખોદીને પાણી કાઢનારો વધુ ઉપયોગી નીવડે છે. જીવવા માટે ખોરાક બહુ જરુરી છે એવું ભાષણ કરનારા કરતાં ખેતી કરીને અનાજ પકવનારાઓની ખાસ જરુર છે. ઍરોપ્લેનમાં શ્રીમંતો માટે કથા કરનારા શ્રી. મોરારીબાપુ કરતાં રોડ પર લારી ચલાવતો એક મજુર દેશના વીકાસમાં વધુ નક્કર યોગદાન આપે છે. કર્મકાંડો કરતાં કમ્પ્યુટરમાં આ દેશનું વીશેષ કલ્યાણ છુપાયું છે.
પેટની આગ માણસની પ્રાથમીક સમસ્યા છે. પરન્તુ કુદરતે માણસને કેવળ ભુખ નથી આપી. ભુખની સાથે ધરતી આપી, જળ આપ્યું, બીજ આપ્યું. એ બીજમાંથી અનાજ પકવવાની સમજણ પણ એણે જ આપી. એ માટે આપણે કુદરતને થેંક્યુ કહેવું જોઈએ. (યત્ કૃપા તમ હમ વન્દે… પરમાનન્દ માધવમ્ !)
સમજો તો એ ‘થેંક્યુ’થી ચડીયાતી પ્રાર્થના બીજી એકે નથી. એ માટે માણસે મન્દીરમાં જવાની કે નવ દીવસ કામધન્ધો છોડી રામકથા સાંભળવાની જરુર નથી. કોઈ કવીની કવીતા ઉપર આપણે ઝુમી ઉઠીએ ત્યારે શું કરીએ છીએ ? દીલથી ‘વાહ, વાહ !’ બોલી ઉઠીએ છીએ. કવી સામે અગરબત્ત્તી કે દીવો સળગાવી નારીયેળ ફોડતા નથી. કવીની જેમ ભગવાન નામના કલાકારનેય કેવળ થેંક્યુ કે વાહ વાહની જરુર છે. લાંબાલચ કર્મકાંડો કે ટીલાં–ટપકાંની જરુર હોતી નથી. માણસની ભક્તીમાં કાળક્રમે કૃતજ્ઞતાનો અતીરેક ભળતો ગયો. સાચી જુઠી માન્યતાઓથી ભક્તી વીકૃત થઈ. ધર્મગુરુઓએ ધર્મના કલ્યાણકારી મુળ સ્વરુપમાં મનસ્વીપણે ફેરફારો કર્યા. મનફાવતાં અર્થઘટનો કર્યાં. કાળક્રમે મુળ ધર્મ બાજુએ રહી ગયો ને ધર્મના નામે કર્મકાંડોનો અતીરેક થવા લાગ્યો. એમ કહો કે મધના નામે ખાંડની ચાસણીનો વેપાર થવા લાગ્યો.
આ બધી વરવી ધાર્મીક પ્રક્રીયાઓમાંથી જનમ્યો એક વર્ણસંકર રાક્ષસ…! એ રાક્ષસ તે આજનો કહેવાતો ધર્મ ! સમગ્ર દુનીયામાં માત્ર માનવધર્મ જ સાચો એમ માનવાને બદલે, આ મેનમેઈડ ધર્મે માણસોને અનેક ટોળાંમાં વહેંચી નાખ્યા. જેટલાં દેવ એટલાં ટોળાં થયાં. કોના દેવ સાચા અને વધારે પાવરફુલ તે મુદ્દા પર ક્યારેક ટોળાં વચ્ચે જુથઅથડામણ થાય છે. દરેક માથું પોતાના દેવ ખાતર ખપી જવા જંગે ચઢે છે. જોતજોતામાં લોહીનાં ખાબોચીયાં છલકાઈ જાય છે. ઘણીવાર ધાર્મીક સરઘસોમાં ગુપ્તી, હોકી સ્ટીક, સોડાવોટરની બાટલીઓ, ખંજર કે તલવારો મળી આવ્યાની ઘટનાઓ પણ બની છે.
માણસનો આ કહેવાતો ધર્મ, કમળામાંથી કમળી થઈ ગયા જેવી દુર્ઘટના છે. નહીંતર શ્રદ્ધા અને સોડાવોટરની બાટલીઓનો મેળ શી રીતે ખાય ? તલવાર અને ધર્મ એક મ્યાનમાં શી રીતે રહી શકે ? પેટ્રોલના પીપડામાં સળગતી મશાલ ખોસવા જેવી એ મુર્ખતા ગણાય ! વધારે આઘાતની બાબત એ છે કે એ ધર્મપંડીતો વીજ્ઞાનનો વીરોધ કરે છે અને ગળુ ફાડીને ભક્તોને સમજાવે છે કે તમે દીનરાત ભગવાનના ચરણોમાં મંજીરાં વગાડતાં રહો ! દયાના સાગરને નામે દેહને કષ્ટ આપતાં રહો. સંસારની મોહમાયા ત્યજો અને મોક્ષપ્રાપ્તી માટે મંડ્યા રહો ! આત્માના કલ્યાણ માટે તરેહ તરેહના ટીલાં–ટપકાં ને કર્મકાંડો કરતા રહો. સાધુસન્યાસીઓ, ગુરુઓ કે સ્વામીઓના ચરણોમાં આળોટતા રહો અને એવા કેશવાનન્દોની સેવામાં ઘરની બહેન–દીકરીઓને મોકલતા રહો. આટલું કરો તો તમારા મોક્ષનો વીઝા પાકો ! તમારું કલ્યાણ નક્કી ! પણ આટલું કરવા છતાં તમારું કલ્યાણ ન થઈ શકે તો નક્કી માનજો કે તમારી શ્રદ્ધા ઓછી, તમારી ભક્તી કાચી ને તમારી નીષ્ઠા નકામી !
આપણો મુળ પ્રશ્ન છે – માણસ માટે કઈ શાન્તી વધુ જરુરી – મનની શાન્તી કે પેટની ? આ પ્રશ્ન, માણસ માટે શું વધુ જરુરી – શર્ટ કે નેકટાઈ જેવો ગણાય ! ઉઘાડા શરીરે ગળામાં માત્ર ટાઈ પહેરી ફરનારો માણસ ભુંડો લાગે છે. તેને પાગલ કહી શકાય; પણ એવા માણસને શું કહીશું, જેઓ પોતાનાં સન્તાનોને પુરું ખાવાનું આપી શકતાં નથી; છતાં દર મહીનાના પગારમાંથી રુપીયા એકાવનનો મનીઓર્ડર અમુકતમુક મન્દીરમાં મોકલે છે!
પેટની આગ ઠારવા માટે માણસ ખેતરમાં જઈ અનાજ પકવવાને બદલે મંદીરમાં જઈ મંજીરાં વગાડશે તો એની ભુખ મટશે ખરી ? માણસની આધ્યાત્મીક આવશ્યકતાઓ કરતાં પ્રાથમીક જરુરીયાતો વીશે વીચારવાની તાતી જરુર છે. ગામડાંઓમાં લાખો લોકો પાસે જાજરુની સુવીધા હોતી નથી; છતાં એ લોકોને પૈસા ભેગા કરી મન્દીર બાંધવાનું સુઝે છે; પણ જાજરુ બાંધવાનું સુઝતું નથી. આજના તણાવયુક્ત વાતાવરણમાં પ્રભુભજન કે દેવદર્શનથી માણસના મનને કોઈ મનોવૈજ્ઞાનીક રાહત મળતી હોય તો ભલે મન્દીરો બંધાતાં; પણ તેનો ક્રમ જાજરુથી અગ્રક્રમે કદી ન હોવો જોઈએ. તવંગર માણસ તીરુપત્તી જઈ ભગવાનના ચરણોમાં સોનું ચઢાવી આવે છે. એવી લક્ઝુરીયસ અન્ધશ્રદ્ધા અમીરો ઍફોર્ડ કરી શકે છે. ગરીબો પોતાની કાળી મજુરીના પૈસા પરીવાર પાછળ ખર્ચવાને બદલે ભગવાન પાછળ ખર્ચે છે, તે લંગોટી વેચીને પાઘડી ખરીદવા જેવી ભુલ ગણાય.
આપણે ત્યાં આઠમા ઘોરણના પ્રવેશવંચીત વીદ્યાર્થીઓ માટે પ્રતીવર્ષ આંદોલન થાય છે. એવું આંદોલન પ્રજાએ ક્યારેય ‘મન્દીરને બદલે શાળા કૉલેજો બાંધવી જોઈએ’ એવા મુદ્દા પર કર્યું છે ? થોડાં વર્ષો પર અશ્વમેધયજ્ઞમાં કરોડો રુપીયાનો ધુમાડો કરવામાં આવ્યો હતો. જરા મનના કેલ્ક્યુલેટર પર હીસાબ માંડીને કહો– એક અશ્વમેધયજ્ઞ પાછળ થતા કરોડો રુપીયાના ધુમાડામાંથી કેટલી શાળાઓ બાંધી શકાઈ હોત ? પણ જવા દો એ વાત… અશ્વમેધયજ્ઞ એ આપણા અન્ધશ્રદ્ધાળુ સમાજનું સીનેમાસ્કૉપ પ્રતીક છે. જ્યાં દશમાંથી નવ માણસો એવાં યજ્ઞોની તરફેણ કરતા હોય, ત્યારે તેને અટકાવવાનું કામ ગાંડા હાથીના પગમાં સાંકળ બાંધવા સમુ કપરું છે.
તાત્પર્ય એટલું જ, સાચી જરુરીયાત મનની શાન્તી કરતાં પેટની શાન્તીની છે. ભુખ્યા ભીખારીને ધ્યાન લાગે ખરું ? આધ્યાત્મીક શાન્તી મળે ખરી ? મનની શાન્તી ભોજન પછીના પાનબીડાં જેવી છે. પેટ ભોજનથી તૃપ્ત થયું હોય તો જ પાનની મઝા આવે. જીવનમાં ભોજનનું મહત્ત્વ પાનબીડાં કરતાં હંમેશાં વધારે રહ્યું છે. બીજા શબ્દોમાં કહીએ તો જીવન માટે શું વધારે જરુરી પાણી કે શરબત ? જવાબ પાણી જ હોય શકે શરબત નહીં ! કેવળ ઈશ્વરનાં મંજીરાં વગાડ્યા કરવાથી માણસનું પેટ ભરાઈ શકતું નથી અને ઈશ્વરના અસ્તીત્વને સતત ઈન્કારવાથીય માણસનો દહાડો વળતો નથી.
આસ્તીકો–નાસ્તીકો બન્ને માટે રોકડું સત્ય એ જ કે ‘ઈશ્વર છે કે નહીં’ તેની ચીંતા કર્યા વીના કામે લાગો. કામ એ જ પુજા છે. કામ એ જ ઉર્જા છે. માનવદેહને ટકાવવા પહેલી જરુરીયાત રોટીની છે. શ્રમ કર્યા વીના કોઈને રોટી મળતી નથી. જોકે કેવળ રોટીનું નહીં– ઈજ્જતની રોટીનું મુલ્ય છે. રોટી તો દાઉદ ઈબ્રાહીમનેય મળે છે અને સ્વામી સચ્ચીદાનન્દજીનેય મળે છે. પણ એક રોટી, શબરીના બોર, વીદુરજીની ભાજી કે સુદામાના તાંદુલની જેમ દરેક ધર્મના રામ અને કૃષ્ણને વહાલી હોય છે. મુળ વાત એટલી જ, બેઈમાનીની બાસુંદી કરતા ઈજ્જતની ભડકી સારી !
http://govindmaru.wordpress.com/ માંથી સાભાર  (ટૂંકાવીને)
 

No comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.