Sunday, December 22, 2013

વરત વરતો તો પંડિત કઉં. . . – શરીફા વીજળીવાળા


[‘નવનીત સમર્પણ’ માસિકમાંથી સાભાર.]
નાનપણ સૌરાષ્ટ્રના ગામડામાં વીતવાને કારણે રોજિંદી વાતચીતમાં કહેવતો, રૂઢિપ્રયોગો, ધાણીની જેમ ફૂટે. પણ વડોદરા ભણવા ગઈ, ભણેલી પ્રજા વચ્ચે રહેતી થઈ એ પછી મારી ભાષા એની જાતે જ બદલાતી ગઈ, કારણ કે કહેવત કે રૂઢિપ્રયોગ બોલતાંની સાથે ‘એટલે શું?’ એવો પ્રશ્ન સામેથી અચૂક પુછાય. . . એટલે ધીરે ધીરે મારી રોજિંદી ભાષામાંથી એ સમૃદ્ધિ ખંખેરાતી ચાલી. . . પરંતુ આજે વરસાદી માહોલ અને તાપીના પૂરની શક્યતા વચ્ચે બેઠી બેઠી હું એ સમૃદ્ધ કહેવતોના અર્થજગતને યાદ કરતી હતી. . . ત્યારે અનાયાસ મને આવા માહોલ સાથે સંકળાયેલ ઉખાણાંઓનું જગત પણ યાદ આવ્યું. આમ તો અમે રમત્યું વાંહે એવાં ઘેલાં કે દીવો લઈને ગોતે તોય નો’તાં જડતાં. . . પણ વરસતા વરસાદમાં ટાંટિયા વાળીને બેસવું પડતું. . . રાત્યે દીવો કે ફાનસ કરીએ તો જીવડાં લોઈ પી જાય. . . એટલે વંચાય નંઈ એટલે એકમેકને ઉખાણાં (વરત) પૂછીને સમય કાઢતાં. . . અમે બે પ્રકારનાં ઉખાણા પૂછતાં, એક : જેમાં સવાલ નાનો અને જવાબ લાંબોલચક હોય ને બીજા : જેમાં સવાલ લાંબો હોય અને જવાબ ટૂંકોટચ હોય. ‘વરત વરતી દે તો ખરો કઉં. . .’ કેતાં’ક અમે ભાઈબહેન એકમેકને પડકારતાં. . . મા-બાપ પણ પછી તો એમાં ભળતાં. . . કેટકેટલાં પ્રકારનાં ઉખાણાં અમે પૂછતાં ! આજે તો બહુ ઓછા યાદ આવે છે તે ‘નવનીત સમર્પણ’ના વાચકોને પૂછવાની ઈચ્છા થઈ આવી છે. પૂછું ?
બની શકે મારી જેમ બીજાને પણ આ બધાં કે આ સિવાયનાં ઉખાણાં યાદ આવે. . . તો ઉમેરવા વિનંતી. એનાથી ભાષાને સમૃદ્ધિ વધશે. મને જેટલાં યાદ આવે છે તેમાંથી થોડાંક હું અહીં પૂછીશ. નાનપણમાં નીચેના ઉખાણાં તો લગભગ બધા માટે સહજ હતાં. . . પૂછવા ખાતર પુછાતાં. . . આના જવાબ આવડે જ. . . પછી ધીમે ધીમે જરાક અઘરા પુછાતાં જાય. . . થોડાંક સાવ સહેલાં યાદ કરી જોઉં. . .
1. પેટમાં પાણી : નાળિયેર
2. વનવગડામાં રાતા ખીલા : ગાજર
3. ઘેર ઘેર ડોસા દાટ્યા : ઉંબરા
4. કાળી છીપરની હેઠ્યે ચાર ચોર : ભેંશનાં આંચળ
5. ઘરમાં ઘર, માલીપા પાણી : નાળિયેર
6. ઝીણકી છોકરી, રાજાની પાઘડી ઊતરાવે : જૂ
7. રાજા મરે ને પ્રધાન ગાદીએ બેસે : સૂરજ અને ચંદ્ર
8. રાજારાણી બેઠાં લાકડાં ચાવે : સોપારી
9. ધોળો ડોહો લીલી મૂછ, ન આવડે તો બાપને પૂછ : મૂળો
10. નારી પણ નાગણ નહીં, કાળી પણ નહીં કોયલ, દરે વસે પણ નાગણ નહીં, ઉત્તર હોય તો બોલ : તલવાર
11. સો આંબા સો આંબલી, બસ્સો બીજાં ઝાડ, કોર વિનાનું પાંદડું રાજા ભોજ કરે વિચાર : ડુંગળી
ને હવે જરાક કસોટી કરનારાં. . . લાંબાં ઉખાણાં પણ જવાબ ટૂંકાટચ
1. વહેંત જેટલું વરખડું, ઢાલ જેવડાં ફૂલ; કાચા કેળા ઊતરે, પાકે પછી મૂલ. . . જવાબ : કુંભારનો ચાકડો અને માટીનાં વાસણ
2. છો પગ ચાળવે, બે પગ દૂઝે; પેટ વચાળે પૂંછડી એનું કંઈ સૂઝે ? જવાબ : ત્રાજવા
3. ખાટ ખટકે, ખટકે કડાં, ખાટે બેઠાં બે જણા ભાંગે સોપારી ને ચાવે પાન બે જણા ને બાવીસ કાન. જવાબ : રાવણ અને મંદોદરી
4. ગઢ ભીંજાય, ગઢના કાંગરા ભીંજાય, હાથી છબછબ નાય ચકલાંની તો ચણ્ય ભીંજાય પણ જનાવર તરસ્યાં જાય. . . જવાબ : ઝાકળ (બધું ભીંજવે પણ પીવા જેટલું પાણી ન થાય)
5. આભામંડળમાં ઘર કરું, તારાની જેમ તરું; ચણ્ય બચ્ચાંને ખાઈ ગઈ, રાવ કોને કરું? જવાબ : સમળી અને સાપ
6. નવધારું લાકડું ઘીના નામે નામ, ચતુર હોય ઈ પારખે, મુરખ કરે વિચાર. જવાબ : ઘીસોડા – જેને તુરિયા કહે છે. સૌરાષ્ટ્રમાં ઘીહોડા કહે. . .
7. આઠ પગને અવળો હાલે, માથા વગરનો ડોળા કાઢે. જવાબ : કરચલો
થોડાંક ઉખાણાંના જવાબ હવે શહેરનાં બાળકો માટે અઘરાં. કારણ ન ચૂલો જોયો હોય, ન દેતવા, ન રાખના ઢગલા, ન વલોણાં, ન પીંજારાં, ન હોકા, ન કોઠી. . . આ બધાના ગાયબ થવા સાથે ભાષાએ પણ કેટલું ખોયું એનો હિસાબ કોણ કરશે? આ કહેવતો કે ઉખાણાંમાં શ્લીલ-અશ્લીલ જેવું કશું હોતું નથી. . . આ બધું જીભના ટેરવે હોય છે ને જરૂર પડ્યે ક્ષણનાય વિલંબ વગર બોલાય છે. . . થોડાંક એવાં ઉખાણાં. . .
1. આકાશમાં ઊપજે નહીં, જમીનમાં નીપજે નહીં; પાણીમાં ડૂબે નહીં, હવામાં ઊડે નહીં. જવાબ : માખણ
2. પેલા પરથમ પોતે જન્મ્યા, પછી એની મા; ધામેધૂમે બાપા જન્મ્યા, પછી વડા ભાઈ.  જવાબ : દૂધ, છાશ, માખણ, ઘી
3. ઊભી ઊભી ધમકાવી, પછી વાળી વાંકી; રસકસ લઈ લીધાં, પછી દીધી ઢાંકી.  જવાબ : છાશ
ઉપરનાં બેઉ ઉખાણાં તો જ આવડે જો વલોવવાની પ્રક્રિયા જોઈ હોય. . . આ વલોણાં વહેલી સવારે વલોવાતાં. . . એટલે હજી એક ઉખાણું.
4. અમે આવતા’તા, તમે તમે જાતા’તા. ઘમઘમ ઘૂઘરા વાગતા’તા, તમે જાગતા’તા? જવાબ : વલોણું.
એક દોરડું આવે ત્યારે બીજું સામે જાય. ઉપર બાંધેલ ઘૂઘરીઓ ખખડે . . . ને આ સમય ગામમાં તમામ સ્ત્રીઓને માટે ઊઠવાનો હોય. . .
5. ફળ નહીં, ફૂલ નહીં તોય સૂંડો સૂંડો ઊતરે. . . જવાબ : રાખ
6. ચકમક ચીપિયો, ચોરના હાથમાં છરી; વાંઢા હાર્યે વાત કરે ઈ જુવાનડી ખરી. જવાબ : ચૂલો (ચૂલાને વાંઢો ગણવામાં આવે)
7. રાતી પેટી ભોંમાં દાટી, કામ પડ્યું ત્યારે બારી કાઢી. જવાબ : દેતવા
જે જમાનામાં બાકસ કે લાઈટર નો’તા ત્યારે દેતવાને ભોંમાં ભરી રાખતા. . . જરૂર પડ્યે ત્યારે દેતવાથી જ ઓંબાળ ભરાતા ને ચૂલા સળગતા. . . એક ઘર્યેથી બીજા ઘર્યે દેતવા લેવા જવું પડતું એ તો મને પણ યાદ છે. ઉમાશંકર જોશીની અફલાતૂન વાર્તા ‘છેલ્લું છાણું’ની નાયિકા પણ દેતવા જાય છે અને એમાંથી જ હોળી સળગે છે ને?
8. ગોઠણ જેવડી ગાય, નીરે એટલું ખાય જવાબ : ઘંટી.
9. હાશ કરી હેઠા બેઠા, પહોળા રાખ્યા પગ; ડાંડિયો લઈ ડખડખાવ્યો, નીકળ્યું ધોળુંધફ. . . જવાબ : ઘંટી અને લોટ
10. બાપ બેસવા શીખ્યો ને છોકરો ચાલવા શીખ્યો. જવાબ : ગોળો અને કળશ્યો.
11. બટુકડી છોકરી બટુકડું નામ, કડ્યે બાંધે સીંદરું ને ઝટ કરે કામ. જવાબ : સાવરણી
12. ગામ બળે ને નદી પડકારા કરે. જવાબ : હોકો
13. આઠ છે લાકડાં ને નવ છે જાળી, આ વરત નો વરતે એની મા પીંજારી. જવાબ : ખાટલો (બે ઈંસ, બે ઊંપળા ને ચાર પાયા)
14. કાળું ને કદરામણું ખાતાં લાગે ભૂંડું, ઈ વરત નો વરતે એની માથે ઊંધું કૂંડું. જવાબ : અફીણ
15. હમ ભી બેલા, તુમ ભી બેલા, સબ બેલમળેલા; લાકડાં વિનાનું ઝાડવું, હમ ગુરુ તુ ચેલા. જવાબ : કેળ (કેળમાં પાન જ હોય)
16. કાળી ગાય, કંટોલા ખાય; ભમ બોલે ને નખ્ખોદ જાય. જવાબ : બંદૂક
17. એક જનાવર અડ્ય, એની પાંખ બોલે પડ્ય; એનું માથું મુડદાલ, એની પૂંછડી પંદર હાથ જવાબ : કૂવા પરનો કોહ
ગાંધીજી યાદ આવે ને? કોશિયાને સમજાય એવી ભાષાની ગાંધીએ વાત કરેલી. . . પણ હવે કોશિયા ક્યાં?
18. પોલું લાકડું પલકે, ને ગામ જોવા હલકે. જવાબ : ઢોલ
19. કટકની છોકરી ને તેજબાઈ નામ, પેરે પટોળા ને ભાંગે ગામ જવાબ : તલવાર અને મ્યાન
20. નગરમાં નાગી ફરે, વનમાં પેરે ચીર; એવી વસ્તુ લાવજો, મારી સગી નણંદના વીર. જવાબ : સોપારી (વનમાં છોલેલ નથી હોતી)
21. પીયુ જાજો પરદેશ લાવજો હળદર ને હિંગ, એવી વસ્તુ લાવજો જેને એક માથું ને ચાર શીંગ જવાબ : લવિંગ
22. તારી માનું પેટ ફાટ્યું, મારી મા સૂપડું લઈને દોડી. જવાબ : કોઠી
હવે બે-ચાર એવાં ઉખાણાં કે જેમાં પૂછનારની નહીં જવાબ આપનારની યાદશક્તિ કસોટીએ ચડે. આગળ જોયાં તે ઉખાણાં તર્કબદ્ધ હતાં. અહીં માત્ર શબ્દરમત દેખાશે. પણ એનીય એક મઝા છે.
1. લંકાએથી લોટ લાવી દો.
જવાબ : રાતાં બગલાં રણે ચડ્યા, રણ દેખીને પાછા પડ્યા, એક બગલાનો ભાંગ્યો હોઠ, લંકાએથી આવ્યો લોટ.
2. ખિસકોલીને આણું વળાવી દો/રોવડાવી દો. જવાબ : અંગ દોરા તંગ દોરા, તંગના દોરા તાજા હાથી ઉપર ગઢ ચણાવું, રમતા આવે રાજા રાજાના હાથમાં મોતી ખિસકોલી આવે રોતી રાજાના હાથમાં છાણું, ખિસકોલી વળે આણું.
3. પટેલને પીપરે ચડાવી દો/પાડે ચડાવી દો
જવાબ : આવતા વાઢુ ઝીંઝવણીને જાતા વાઢુ સોય (એક પ્રકારનું પાણીમાં થતું ઘાસ) સો સો મગર્યુંના માથાં વાઢું કડ્ય કડ્ય સામા લોય. . . લોહી ગયા ખાડે, ને પટેલ ચડ્યા પાડે અથવા લોહી ચડ્યા છીપરે ને પટેલ ચડ્યા પીપરે
4. બાલાની બકરી દોઈ દો.
જવાબ : અડી કડી સોનાની કડી, ભામણ બેઠા ડેલી પડી ડેલીમાં બે બોલ્યા બોલ ગઢમાં વાગ્યા જાંગી ઢોલ જાંગી ઢોલને શું કરું? બસ્સો ઘોડા લઈ ચડું એક ઘોડો ખોટ્ટો ચાબુક મારું ચોટ્ટો ચાબુક પડી ચૂલામાં દે બનિયાના કૂલામાં બનિયો ક્યે રામ રામ ભાંગ્યા ભંગાર ગામ ભંગાર ગામની કાંકરી ને દોઉં બાલાની બાકરી. . .
હવે જુઓ મજા. . . ઉપરોક્ત ઉખાણામાં કોઈ તર્ક, કોઈ અર્થ કશું જ નહીં મળે. . . માત્ર ને માત્ર યાદશક્તિની કસોટી અને બીજું કશું નહીં. . .
મારી જેમ સૌરાષ્ટ્રમાં મોટા થયેલા મોટા ભાગના લોકોને આ અને આ સિવાયનાં ઘણાં ઉખાણાં જીભને ટેરવે હશે જ. હોય તો આવો ‘નવનીત સમર્પણ’ના મેદાનમાં. . . જેથી ભાષાની સમૃદ્ધિ વિસ્મૃતિની ગર્તામાં ખોવાઈ ન જાય. . .
સૌજન્ય : રીડ ગુજરાતી

No comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.